સુરત : પુણાગામમાં રહેતી સગીરાને લગ્નની લાલચ આપીને એક યુવકે વારંવાર બળાત્કાર (Rape) કર્યો હતો, સગીરાને બ્લેકમેઇલ (Black Mail) કરીને આ યુવકના મિત્રએ પણ સગીરા સાથે શરીરસુખ માણ્યું હતું. આ યુવકે ઘર ખરીદવાના નામે સગીરાના ઘરમાંથી 60 લાખની કિંમતના 1369 ગ્રામ દાગીના પણ લઇને વેચી નાંખ્યા હતા. બે મિત્રોએ કરોડપતિ સગીરાને ફસાવીને બળાત્કાર કરીને લાખ્ખો રૂપિયા પડાવ્યા હોવાની ચોંકાવનારી પોલીસ ફરિયાદ દાખલ થવા પામી છે.
પ્રાપ્ત વિગતો મુજબ સને-2016માં પુણાગામમાં રહેતા અને કાપડનો વેપાર કરતા વેપારીની 16 વર્ષિય પુત્રી નામે કાજલ (નામ બદલ્યુ છે)ની પાડોશમાં એક યુવક રહેતો હતો. આ યુવકને મળવા માટે પુણાગામમાં મામાના ઘરે રહેતો અને કડોદરાની સ્કૂલમાં અભ્યાસ કરતો રાજ ઉર્ફે વિકાસ લાલારામ પટેલ આવતો હતો. તે દરમિયાન કાજલ અને રાજની વચ્ચે મિત્રતા થઇ હતી. બંનેએ ફોન ઉપર વાત કરીને મુલાકાત પણ કરી હતી. દરમિયાન રાજે કાજલને લગ્નની લાલચ આપીને બળાત્કાર ગુજાર્યો હતો.
આ સંબંધની જાણ રાજના મિત્ર અને પુણાગામના રેશ્મા રો હાઉસમાં રહેતા લછારામ ઉર્ફે લક્ષ્મણ ચૌધરીને થઇ ગઇ હતી. લછારામે સગીરાને ધમકાવીને તેના સંબંધની જાણ તમામને કરી દેશે તેવું કહી બળાત્કાર ગુજાર્યો હતો. થોડા સમય બાદ લછારામે કાજલને ડુમસ મળવા માટે બોલાવી હતી. જ્યાં રાજ પણ સાથે હતો. ત્યારે શરૂઆતમાં લછારામ અને બાદમાં રાજે પણ કાજલને સાથે શરીરસંબંધ બાંધ્યો હતો. રાજએ કાજલને કહ્યું કે, મારું સુરતમાં કોઇ જ નથી, મારે ઘર નથી અને ગાડી પણ નથી. તું મને મદદ કર, આપણે લગ્ન કરવાના જ છે. રાજની વાતોમાં આવેલી કાજલે પોતાના ઘરમાંથી તિજોરીમાંથી અંદાજીત 60 લાખની કિંમતના 1347 ગ્રામ સોનાના દાગીના લઇને રાજને આપ્યા હતા, ત્યારબાદ રાજ ફરાર થઇ ગયો હતો. થોડા સમય પહેલા કાજલનો પરિવાર એક મોટા લગ્નપ્રસંગમાં જવાનો હતો, તેઓએ લોકરમાં જઇને દાગીના ચેક કરતા દાગીના ઓછા નીકળ્યા હતા. આ બાબતે તેઓએ પરિવારની પુછપરછ કરતા કાજલે પોતાની સાથે બનેલી ઘટના પરિવારને કહી હતી. આ બાબતે કાજલના પરિવારે પુણા પોલીસમાં ફરિયાદ આપતા પોલીસે રાજ પટેલ અને લછારામની સામે ગુનો નોંધ્યો હતો. આ સાથે જ પોલીસે રાજની અટકાયત કરી લીધી હોવાની વિગતો પણ મળી છે.
રાજનો પરિવાર બેંગ્લોરમાં રહે છે અને હાલમાં જ તેણે બેગ બનાવવાનો વેપાર શરૂ કર્યો હતો
પોલીસના જણાવ્યા પ્રમાણે રાજનું પરિવાર બેંગ્લોરમાં રહે છે. રાજે કાજલની પાસેથી અંદાજીત 60 લાખની કિંમતના સોનાના દાગીના પડાવી લીધા હતા, હાલમાં રાજની અટકાયત કરીને તેનો કોરોનાનો રિપોર્ટ કરવાની કામગીરી કરાઇ રહી છે. રાજે કાજલની પાસેથી દાગીના લીધા બાદ બેગમાં ચેઇન નાંખવાનો તેમજ બેગ બનાવવાનો વેપાર શરૂ કર્યો હતો. આ સાથે જ અન્ય આરોપી લછારામની ધરપકડના ચક્રો પણ ગતિમાન કરાયા છે.
કડોદરામાં અભ્યાસ કર્યા બાદ રાજ બેંગ્લોર જતો રહ્યો હતો અને ફ્લાઇટમાં સુરત આવતો હતો
કડોદરાની સ્કૂલમાં અભ્યાસ કરતા રાજને કાજલ રૂપિયાવાળા ઘરની છોકરી હોવાની ખબર હતી અને તેનો ભરપુર ફાયદો પણ ઉઠાવ્યો હતો. રાજે અભ્યાસ પુરો થતા જ બેંગ્લોર ચાલ્યો ગયો હતો. ત્યારબાદ બેંગ્લોરથી સગીરાને મળવા માટે ફ્લાઇટમાં સુરત આવતો હતો અને અહીં ફાર્મહાઉસ તેમજ ડુમસના વિવિધ વિસ્તારમાં લઇ જઇને કાજલની સાથે રેપ કરવામાં આવતો હતો.