જે કલાકારો ફિલ્મી કુટુંબમાંથી નથી આવ્યા હોતા તે ઘણીવાર ફરિયાદ કરતા હોય છે કે અમને કોણ પૂછે? પણ દિલીપકુમાર, દેવઆનંદથી માંડી રાજેશખન્ના, અમિતાભ બચ્ચન યા શાહરૂખખાન ફિલ્મી કુટુંબમાંથી નહોતા આવ્યા. જે રણમાં જીતે તે શૂર. આ વરુણ ધવનનો દાખલો લઈ શકો. શરૂઆતની ફિલ્મો જોનારા તેને મોટો સ્ટાર ગણાવા માંડેલા પણ જેમ જેમ કારકિર્દી આગળ વધતી ગઈ તેમ તેમ પીછેહટ કરતો જણાયો. બાકી ડેવિડ ધવન કે જેના વિના ગોવિંદા પોતાના પર લાગેલા ‘નંબર વન’ના ટેગને સાચો ન કહી શકે, તેનો દિકરો. ડેવિડ ધવને તેના આ દિકરાને પોતાની સક્સેસ ફિલ્મના તૈયાર ચોકઠામાં ફીટ બેસાડી દીધો તો પણ તે ‘નંબર વન’ના ટેગથી દૂર જ રહ્યો. જે ફિલ્મ અગાઉ કોઈને સફળ બનાવી ગઈ હોય તે બીજાને ય બનાવે એવું હોત તો ‘ડોન’ના અમિતાભની જગ્યાએ શાહરૂખ પણ સફળ થયો હોત.
આમ છતાં વરુણ ધવનના આ ડેવલોપીંગ યર્સ છે. ‘સ્ટુડન્ટ ઓફ ધ યર’, ‘હમ્પ્ટી શર્મા કી દુલ્હનીયા’, ‘ઢીસૂમ’ ને ‘બદલાપૂર’થી મેળવેલી સફળતા કાંઈ અટકી નથી ગઈ પણ તમે વિત્યા ચાર વર્ષથી તેને કોઈ સફળ ફિલ્મમાં જોયાનું યાદ નહીં કરી શકશો. ‘ઓક્ટોબર’, ‘સુઈધાગા’, ‘કલંક’, ‘સ્ટ્રીટ ડાન્સર 3ડી’, ‘કુલી નંબર-વન’ જેવી ફિલ્મો સફળ નથી ગઈ. હવે તેણે સ્ટ્રેટેજી બદલવી પડે તેમ છે. તેણે એ પણ સમજી લેવું જરૂરી છે કે કરણ જોહર તેને મોટી સફળતા અપાવી શકે તેમ નથી. અલબત્ત, વરુણની આગામી ફિલ્મ ‘જૂગ જૂગ જિયો’ કરણ જોહરની જ છે. વરુણે એ પણ સમજવું જોઈએ કે કરણે આ ફિલ્મને સફળ બનાવવા અનિલકપૂર, નીતુ કપુર અને કિયારાને પણ સમાવ્યા છે. હવે અઢી-ત્રણ મહિનામાં આ ફિલ્મ રજૂ થશે ત્યારે જોવાનું રહેશે કે તેમાં વરુણ ધવનના ભાગે શું આવ્યું. વરુણ કોલેજ યુથથી માંડી ડાન્સ, સસ્પેન્સ, કોમેડી અને સોશ્યલ ફિલ્મોમાં કામ કરી ચૂક્યો છે ને હવે ‘ભેડીયા’ નામની હોરર ફિલ્મમાં દેખાવાનો છે. એ ફિલ્મનો દિગ્દર્શક અમર કોશિક આ પહેલાં ‘સ્ત્રી’ અને ‘બાલા’ બનાવી ચૂક્યો છે.
હવે ‘ભેડીયા’માં તે વરુણ પાસે શું કરાવશે તે ખબર નથી પણ ફિલ્મના પોસ્ટરમાં વરુણની આંખો ડરાવી રહી છે. એટલે કે તે જ વરુ જેવો શિકારી બન્યાનું જણાય છે. નવેમ્બરમાં રિલીઝ થનારી આ ફિલ્મથી વરુણ સક્સેસનો શિકાર કરી શકશે? દિગ્દર્શકે આ ફિલ્મમાં એકદમ ઈન્ટ્રેસ્ટિંગ વિઝ્યુઅલ ઈફેક્ટ નાંખ્યા છે અને તે માટે આવા ઈફેક્ટ માટે જાણીતી કંપનીને રોકી છે. વરુણ ધવનને નિર્માતા દિગ્દર્શકની કુશળતા મદદ કરી શકે તો તે જરૂર ખુશ થશે. પણ હોરર-કોમેડી ફિલ્મનો પ્રેક્ષક મર્યાદિત હોય છે. આવી ફિલ્મ કોઈ વારંવાર જોવા જતું નથી. હમણાં પોલીસ ઓફીસર પણ માર્કેટમાં આગળ છે તો ‘સનકી’માં વરુણ પોલીસ ઓફિસરની ડ્યુટી ભજવી રહ્યો છે જેને એક અકસ્માતની તપાસ દરમ્યાન બરતરફ કરી દેવામાં આવ્યો છે અને પછી તે રિયલ ઈન્વેસ્ટિગેશન કરે છે. વરુણ કોમેડી ફિલ્મોથી દૂર રહેવા માંગતો નથી પણ ગોવિંદાના બુટમાં પગ નાંખવાથી દૂર રહી કોમેડી કરવી છે અને એવી ફિલ્મ ‘મિસ્ટર લેલે’ છે. તે અમેરિકન ડ્રામા સિરીઝ ‘સીટાડેલ’માં પણ કામ કરી રહ્યો છે. આ ઉપરાંત આવતા વર્ષે તે કેટરીના કૈફ સાથેની એક ડાન્સ કોમેડી ફિલ્મમાં દેખાશે.