નડિયાદ: ઠાસરા તાલુકા પ્રાથમિક શિક્ષણ કો.ઓપરેટીવ ક્રેડીટ સોસાયટીમાં અગાઉની બોડી દ્વારા કરવામાં આવેલી નાણાંકીય ગેરરીતી બાબત વાકેફ હોવા છતાં પગલાં ન ભરનાર જિલ્લા રજીસ્ટ્રાર સહકારી મંડળીને ખેડા જિલ્લા કોંગ્રેસ સમિતીના લિગલ સેલના પ્રમુખે નોટીસ પાઠવી, જવાબદારો સામે યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરી છે. તેઓએ આ નોટીસમાં જણાવ્યું છે કે, વાર્ષિક બે કરોડ રૂપિયા જેટલું ટર્નઓવર ધરાવતી ઠાસરા તાલુકા પ્રાથમિક શિક્ષણ કો.ઓપરેટીવ ક્રેડીટ સોસાયટી દ્વારા વ્યક્તિગત લોન, ફેસ્ટિવલ લોન તેમજ સ્પેશ્યલ ધિરાણો આપવામાં આવે છે. જેમાં મસમોટી નાણાકીય ગેરરીતીઓ આચરવામાં આવી રહી છે. જે સભાસદ દ્વારા સોસાયટીમાંથી લોન લેવામાં આવી નથી, તેવા સભાસદના ખાતામાં લોનના નાણાં બારોબાર જમા થઈ જાય છે અને તે નાણાં ત્રાહિત સભ્યો દ્વારા ઉપાડી લઈ ગેરરીતી આચરવામાં આવી રહી છે.
તદુપરાંત મંડળીના નિયમ નં ૩૭ અન્વયે પ્રમુખ-ઉપપ્રમુખ મંડળીમાંથી કોઈપણ જાતની લોન કે કરજ લેવાને પાત્ર ન હોવા છતાં ખેડા જિલ્લાની ઠાસરા તાલુકા પ્રાથમિક શિક્ષણ કો.ઓપરેટીવ ક્રેડીટ સોસાયટી સહિતની વિવિધ મંડળીઓના પ્રમુખ-ઉપપ્રમુખ દ્વારા લોન લઈને મંડળીના નિયમોના ધજાગરાં ઉડાવવામાં આવી રહ્યાં છે. જેને પગલે મંડળી ઉપર આર્થિક બોજો પડતો હોય છે. તેમ છતાં શિક્ષકોની મંડળીના હિસાબોની તથા ઓડિટ કાર્યની જવાબદારી જેના શિરે છે તે જિલ્લા સહકારી રજીસ્ટ્રાર મંડળી દ્વારા ઠાસરા તાલુકા પ્રાથમિક શિક્ષણ કો.ઓપરેટીવ ક્રેડીટ સોસાયટીમાં આચરવામા આવતી નાણાંકીય ગેરરીતી મામલે આંખ આડા કાન કરી, તપાસ હાથ ધરવામાં આવતી નથી. ત્યારે આ મામલે બેદરકારી, નિષ્ક્રિયતા અને ભેદી મૌન દાખવનાર જિલ્લા સહકારી રજીસ્ટ્રાર મંડળીના જવાબદાર અધિકારીઓ, કર્મચારીઓ સામે કોગ્નીઝેબલ ગુનાને પાત્ર કાર્યવાહી કરવાની તૈયારી પણ દર્શાવી છે.
નિષ્પક્ષ અને તટસ્થ તપાસ કરવામાં આવે તો, લાખો રૂપિયાનું કૌભાંડ બહાર આવે તેવી શક્યતા
ઠાસરા તાલુકા પ્રાથમિક શિક્ષણ કો.ઓપરેટીવ ક્રેડીટ સોસાયટીમાં મૃત્યુ પામેલા શિક્ષકોની લોન, ફરજીયાત બચત, સિક્યુરીટી થાપણ, એફ.ડી, કારોબારી સભ્યોને ચુકવવામાં આવતું માસિક ભથ્થુ, લોન સ્ટેટમેન્ટ, લોન રીકવર થઈ ન હોય તેવા સભ્યોની યાદી, જેના ખાતામાં ડાયરેક્ટ લોન ટ્રાન્સફર થઈ છે તેની યાદી, ચેકોનું રજીસ્ટર તેમજ રોકડ વ્યવહારોનું રજીસ્ટરમાં ગફલત કરી આચરવામાં આવતી નાણાંકીય ગેરરીતી મામલે નિષ્પક્ષ અને તટસ્થ તપાસ કરવામાં આવે તો, લાખો રૂપિયાનું કૌભાંડ બહાર આવે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે.
જવાબદારો સામે કાર્યવાહી કરવા પી.આઈ, આઈ.જી અને ડી.એસ.પીને રજુઆત
ખેડા જિલ્લા કોંગ્રેસ સમિતીના લીગલ સેલના પ્રમુખ જે જી તલાટી દ્વારા આ મામલે ઠાસરા પોલીસમથકના પી.આઈ, રેન્જ આઈ.જી (પશ્ચિમ ઝોન) તેમજ જિલ્લા પોલીસ અધિક્ષકને લેખિત રજુઆત કરી છે. જેમાં જણાવ્યું છે કે, ઠાસરા તાલુકા પ્રાથમિક શિક્ષણ કો.ઓપરેટીવ ક્રેડીટ સોસાયટીના ભુતપૂર્વ ચેરમેન દ્વારા તાજેતરના ભૂતકાળના મંડળીના સભાસદો દ્વારા ચૂકતે કરવામાં આવેલ લોનના નાણાંના ચેકો બારોબાર પોતાના ખાતામાં જમા કરાવી નાણાંની ઉચાપતો આચરી છે. બીજી બાજુ ખેડા જિલ્લા રજીસ્ટ્રાર સહકારી મંડળી પોતાની ફરજો બજાવવામાં નિષ્ફળ નિવડી છે. માટે, ખેડા જિલ્લા રજીસ્ટ્રાર તેમજ ઠાસરા તાલુકાના અગાઉના ચેરમેન અને હાલના મંત્રી સામે કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરી છે.
આર.ટી.આઈ હેઠળ માહિતી આપવામાં આવતી નથી
ઠાસરા તાલુકા પ્રાથમિક શિક્ષણ કો.ઓપરેટીવ ક્રેડીટ સોસાયટીમાં અગાઉની બોડી દ્વારા કરવામાં આવેલ નાણાંકીય ગેરરીતી બાબતે જાગૃત નાગરિકો દ્વારા આર.ટી.આઈ હેઠળ માહિતી માંગવામાં આવી છે. પરંતુ કચેરી તરફથી આર.ટી.આઈ હેઠળ માંગવામાં આવતી માહિતીના જવાબો આપવામાં આવતી ન હોવાની ફરીયાદો ઉઠી છે.
ગેરરીતીથી વાકેફ હોવા છતાં જિલ્લા રજીસ્ટ્રાર સહકારી મંડળી દ્વારા પગલાં ભરતાં નથી
ઠાસરા તાલુકા પ્રાથમિક શિક્ષણ કો.ઓપરેટીવ ક્રેડીટ સોસાયટીમાં ચાલી રહેલી નાણાંકીય ગેરરીતી બાબતે ખેડા જિલ્લા કોંગ્રેસ સમિતી લિગલ સેલના પ્રમુખ જે જી તલાટી સહિત કેટલાક જાગૃતજનોએ જિલ્લા રજીસ્ટ્રાર સહકારી મંડળીનું ધ્યાન દોર્યું છે. તેમછતાં જિલ્લા રજીસ્ટ્રાર સહકારી મંડળી આંખ આડા કાન કરી ઠાસરા તાલુકા પ્રાથમિક શિક્ષણ કો.ઓપરેટીવ ક્રેડીટ સોસાયટીના કૌભાંડીઓ સામે પગલાં ભરતું ન હોવાથી જિલ્લા રજીસ્ટ્રાર સહકારી મંડળીની કામગીરી સામે સવાલો ઉઠ્યાં છે. આ કિસ્સામાં જિલ્લા રજીસ્ટ્રારને ચુપ રહેવા માટે કૌભાંડીકારો મસમોટી રકમ ચુકવતાં હોવાના આક્ષેપો પણ થઈ રહ્યાં છે.