Madhya Gujarat

આણંદના વેપારીએ દિકરી જન્મતા પત્નીને ત્રાસ આપ્યો

આણંદ : આણંદ રહેતો અને કરિયાણાનો મોટાપાયે વેપાર કરતાં શખસે લગ્ન બાદ તેની પત્નીને અસહ્ય ત્રાસ આપ્યો હતો. દિકરીનો જન્મ થતાં તેણે પત્નીને પથરાનો જન્મ આપ્યો છે, તેમ કહી પિયર મોકલી આપી હતી. બાદમાં છેતરપિંડી કરી પુત્રીને પરત લઇ આવ્યા હતાં. આ અંગે પરિણીતાએ મહિલા પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે પતિ સહિત ત્રણ સામે ગુનો નોંધ્યો હતો. આણંદના અબેવિલેજ સોસાયટીમાં રહેતા કેતન ભુપેન્દ્રભાઈ પટેલ કરિયાણાના વેપારી છે. તેમના લગ્ન 23મી મે,2013ના રોજ ગામડી ખાતે રહેતા ક્રિષ્નાબહેન સાથે થયાં હતાં. આ લગ્ન બાદ ક્રિષ્નાબહેન સાસુ – સસરા સાથે રહેતાં હતાં. જોકે, લગ્નના થોડા સમયમાં જ ખોટા ખર્ચામાં નાંખે છે, તેમ કહી ઝઘડા શરૂ થઇ ગયાં હતાં.

પિક્ચર જોવા પણ જવા દેતાં નહતાં. પિયરમાં કોઇ પ્રસંગ હોય તો પણ જવા દેતા નહતાં. ઘરની બહાર પણ નિકળવા દેતાં નહતાં. આશ્ચર્યજનક બાબત એ છે કે, લગ્ન બાદ મુંબઇ ફરવા જવા માટે પણ ક્રિષ્નાબહેને રૂ.55 હજાર આપ્યાં હતાં. બીજી તરફ સસરાની ચઢવણીથી પતિ સતત અપશબ્દ બોલી માર પણ મારતાં હતાં અને ચારિત્ર પર શંકા કરી ત્રાસ આપવાનો શરૂ કરી દીધો હતો. કોઇ વસ્તુ માંગે તો પણ પિયરમાંથી મંગાવી લેવું, તારા આવ્યા પછી અમારા ઘરનું નખ્ખોદ વળી ગયું છે, મારો છોકરો દેવાદાર થઇ ગયો છે. તેવા મ્હેણાં મારતાં હતાં. વાત એટલા સુધી પહોંચી ગઇ કે ક્રિષ્નાબહેનને જીવનું જોખમ લાગતા તેઓ પિયર આવી ગયાં હતાં. જ્યાં તેઓ સગર્ભા હોવાની જાણ થતાં સાસરિમાં કહ્યું હતું. આ સમયે પણ તેઓએ અપમાનજનક શબ્દ વાપર્યાં હતાં.

સીમંત માટે થોડો સમય સાસરિમાં તેડાવ્યા બાદ પ્રસંગ પતાવી પરત પિયર મોકલી આપ્યાં હતાં. જ્યાં દિકરીનો જન્મ થતાં સાસરિયાનું વર્તન વધુ બદલાઇ ગયું હતું. તેઓ દિકરીની ખબર કાઢવા પણ આવ્યાં નહતાં. આ ઘટનાના થોડા સમય બાદ  સમાધાન કરી સાસરિ લઇ ગયાં હતાં. પરંતુ 3જી જુલાઇ, 21ના રોજ ઘરખર્ચ માંગતા કેતન ઉશ્કેરાઇ ગયો હતો અને ક્રિષ્નાબહેનને અપશબ્દ બોલી મારમારી દિકરી સાથે જ પહેરેલ કપડે ઘરની બહાર કાઢી મુકી હતી. દરમિયાનમાં 6ઠ્ઠી નવેમ્બર,21ના રોજ દીવાળીના સમયમાં દિકરીને મુંબઇ લઇ જવી છે. તેમ કહી લઇ ગયાં હતાં. આ વાતને એક મહિનો થવા છતાં હજુ સુધી દિકરીને પરત ક્રિષ્નાબહેનને આપી ગયાં નહતાં. આ બાબતે કેતન પણ સમાજમાં દિકરી તો અમારો બચાવ છે. તેમ કહેતો હતો. આ ઉપરાંત પિયરમાંથી રૂ.પાંચ લાખ લઇને આવે તો જ તેડવા આવીશું તેમ કહી ઝઘડો કરતાં હતાં. આખરે આ બાબતે મહિલા પોલીસ મથકે ફરિયાદ આપતાં પોલીસે પતિ કેતન ભુપેન્દ્રભાઈ પટેલ, સસરા ભુપેન્દ્રભાઈ પટેલ અને સાસુ કોકિલાબહેન સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top