ઓલપાડ: ઓલપાડના (Olpad) બરબોધન (Barbodhan) ગામે આવેલા બાપુનગરમાં (Bapunagar) રહેતી મહિલાને લઘુમતી મહિલાઓએ જાહેર રસ્તામાં આંતરી માર મારતાં પોલીસ ફરિયાદ (Police Complaint) નોંધાઈ હતી. વધુમાં આ અંગે શોભના દિનેશ ધારસિંગ ગોહિલએ (ઉં.વ.૨૮) ફરિયાદમાં જણાવ્યા મુજબ સવારના દસેક વાગ્યે ઘરેથી ચીજવસ્તુ લેવા દુકાને જતી હતી. એ વખતે ફળિયાની નાઝીયા અસદ આડીયા તથા આસીમા સમદ લોખાતે શોભનાને તેના ઘરની સામે ઊભી રાખી તું અમારી સામે કેમ જુએ છે? તેમ કહી ગાળો બોલી ઢીકમુક્કીનો માર મારતાં ત્યાંથી જીવ બચાવી ભાગીને તેની નણંદ રેખા પ્રભાત સોલંકીના ઘરમાં જતી રહી હતી. જો કે, ત્યાં પણ નાઝીયા તથા આસીમાએ પીછો કરી તેમની સાથે આશીફા ઉવેશ આડિયા તથા શાહીન ઝહીર શાહ સહિત ચારેય જણાએ હુમલો કરી માર મારતાં શોભનાને તેમની નણંદ રેખાબેને બચાવી હતી. એ દરમિયાન આરોપીઓએ વધુ માર મારવાની ધમકી આપતાં શોભના ગોહિલે પોલીસમથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
પલસાણામાં દારૂના ગુનામાં નાસતો ફરતો આરોપી ઝડપાયો
પલસાણા: પલસાણા પોલીસ સ્ટેશનના દેશી-વિદેશી દારૂના ગુનામાં વોન્ટેડ આરોપીને એલસીબી પોલીસે પલસાણા દુર્ગા કોલોની નજીકથી ઝડપી પાડ્યો હતો.
પ્રાપ્ત માહિતી મુજબ પલસાણા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી પોલીસે દારૂની કુલ 840 નંગ બોટલ કિંમત રૂ.95,560 તથા 34 લિટર વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. આ ગુનામાં પોલીસે આકાશ ઉર્ફે લાલિયો ઉક્કડ રાઠોડને વોન્ટેડ જાહેર કરી ગુનો નોંધ્યો હતો. ત્યારબાદ સુરત જિલ્લા એલસીબી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી. એ દરમિયાન બાતમી મળતા તેઓ પલસાણા ખાતે દુર્ગા લોકોની નજીક પહોંચ્યા હતા અને ત્યાંથી બાતમી વર્ણન મુજબના શખ્સને ઝડપી પાડ્યો હતો અને પૂછતાછ દરમિયાન તેણે પોતાનું નામ આકાશ રાઠોડ (રહે., પલસાણા દુર્ગા કોલોની, જિ.સુરત)નો હોવાનું જણાવ્યું હતું અને તેણે ગુનાની કબૂલાત કરતાં એલસીબી પોલીસે આગળની કાર્યવાહી માટે આરોપીનો કબજો પલસાણા પોલીસને સોંપ્યો હોવાનું જાણવા મળે છે.