નડિયાદ: ખેડા જિલ્લાના સુપ્રસિધ્ધ યાત્રાધામ ડાકોરમાં ફાગણી પૂનમ મહોત્સવની શાંતિપૂર્ણ રીતે સંપન્ન થતાં પોલીસ અને પ્રશાસને હાશકારો અનુભવ્યો હતો. ત્રણ દિવસમાં પાંચ લાખથી વધુ શ્રધ્ધાળુઓ શ્રીજીના દર્શન કરી ધન્ય થયા હતા. ચોતરફ ભક્તિનો રંગ છલકાતો હતો. આબાલ –વૃધ્ધ સહુ કોઇના મુખે પ્રભુનું નામસ્મરણ થતું હતું. ડાકોરની કુંજ ગલીઓ જય રણછોડ.. ના નાદે સતત ગુંજતી હતી.
લાડુ પ્રસાદી ખરીદવા ભક્તોની ભીડ જામી
ફાગણી પૂનમ દરમિયાન મંદિરમાં દર્શનાર્થે આવનાર લાખો ભક્તો સરળતાથી લાડુ પ્રસાદી ખરીદી શકે તે માટે મંદિર ટ્રસ્ટ દ્વારા મંદિરના બહાર નીકળવાના દરવાજા બહાર, લક્ષ્મીજી મંદિરમાં, ગૌશાળામાં તેમજ ખેડાવાળની ખડકી સામે એમ કુલ ચાર જગ્યાએ પ્રસાદ વેચવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ તમામ પ્રસાદ કેન્દ્ર પર લાડુ પ્રસાદી ખરીદવા માટે ભક્તોની ભારે ભીડ જામી હતી.
ભક્તો દિવાલ કુદી મંદિર પહોંચ્યાં
તંત્ર દ્વારા પતરાંની આડશ મારી નગરના અનેક રસ્તાઓ બ્લોક કરી દેવામાં આવ્યાં હતાં. જેને પગલે મંદિરમાં દર્શનાર્થે આવેલાં શ્રધ્ધાળુઓ અટવાયાં હતાં. જે પૈકી કેટલાક અટવાયેલાં શ્રધ્ધાળુઓ મંદિર પહોંચવા માટે જોખમ ખેડી દશેક ફુટ ઉંચી દિવાલો કુદતાં નજરે પડ્યાં હતાં.
તંત્ર ને પોલીસ તરફથી ધજા ચઢાવવામાં આવી
ફાગણી પૂનમના દિવસે શ્રી રણછોડરાયજી મંદિરના શિખર પર સૌપ્રથમ ખેડા જિલ્લા વહીવટીતંત્ર અને પોલીસતંત્રની ધજા ચઢાવવાની પરંપરા છે. જે મુજબ આ વર્ષે પણ ખેડા જિલ્લા વહીવટીતંત્ર અને જિલ્લા પોલીસતંત્ર દ્વારા ફાગણી પૂનમના દિવસે રાજાધિરાજ શ્રી રણછોડરાયજી મંદિરમાં ધજા ચઢાવવામાં આવી હતી. મંગળા આરતી બાદ મંદિર પરિસરમાં ધજા પૂજા કર્યાં બાદ વહીવટી તંત્ર અને જિલ્લા પોલીસતંત્રની ધજા મંદિરના શિખર ઉપર ફરકાવવામાં આવી હતી.
વેપારીઓ ઉપર પોલીસે લાઠીચાર્જ કર્યો
શ્રધ્ધાળુઓને અડચણ ન પડે તે માટે તંત્ર તરફથી પદયાત્રા રૂટ સહિત જાહેર સ્થળો પર લારી-ગલ્લાં ઉભા ન રાખવા સુચના આપવામાં આવી હતી. તેમછતાં પૂનમના દિવસે કેટલાક નાના વેપારીઓએ મંદિર નજીક આવેલ કંકુ દરવાજા પાસે લારીઓ ઉભી રાખી હતી. જેમને પોલીસે ખસી જવા સમજાવવા છતાં ન ખસતાં પોલીસ જવાનોએ લારીઓવાળા ઉપર લાઠીઓ વરસાવી હતી. પોલીસના આવા વર્તનને પગલે લારીઓવાળામાં ભારે રોષ જોવા મળ્યો હતો.
દ્વાર પાસે જ પોલીસની ગાડીઓ ઉભી કરી દેવાતાં શ્રધ્ધાળુઓ અટવાયાં
યાત્રાધામ ડાકોરમાં ફાગણી પૂનમના મેળાને અનુલક્ષીને પોલીસતંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. પોલીસના ઉચ્ચ અધિકારીઓએ પણ ડાકોર દોડી આવ્યાં હતાં. જેને પગલે મંદિર આસપાસ પોલીસ વાનનો જમાવડો થયો હતો. મંદિરના બહાર નીકળવાના દ્વાર પાસે જ ઉભી રાખવામાં આવેલી પોલીસની ગાડીઓને પગલે શ્રધ્ધાળુઓને અવરજવર કરવામાં મુશ્કેલી ઉભી થઈ હતી.
ગાયો ઘુસી જતાં અફરાતફરી મચી
ફાગણી પૂનમના દિવસે લક્ષ્મીજી માર્ગ પર હજારો શ્રધ્ધાળુઓની અવર-જવર હતી. દરમિયાન બપોરના સમયે એકાએક ગાયો ઘુસી આવતાં અફરાતફરી મચી હતી. જોકે, ગાયોએ કોઈએ નુકશાન ન પહોંચાડતાં લોકોએ હાશકારો અનુભવ્યો હતો.
રસ્તે જનરેટર મુકતા શ્રધ્ધાળુને હાલાકી
મંદિર સામે ગોમતીઘાટ પર પતરાંની આડશ હટાવી રસ્તો ખુલ્લો કરી દેવામાં આવ્યો હતો. જેને પગલે શ્રધ્ધાળુઓ મંદિરની સામે પાર્કિગવાળી જગ્યામાં આવેલ રેલીંગમાથી અવર-જવર કરવા લાગ્યાં હતાં. જોકે, રેલીંગવાળી જગ્યામાં હેવી જનરેટર મુકવામાં આવ્યું હોવાથી અવરજવર કરવામાં ભારે હાલાકી વેઠવી પડી હતી.