આણંદ : આણંદ જિલ્લા પંચાયતનું પ્રથમ ડિઝીટલ બજેટ મંગળવારની ખાસ સામાન્ય સભામાં રજુ થયું હતું. જોકે, આ બજેટ પહેલા તમામ સભ્યોને ટેબલેટ આપવામાં આવ્યાં હતા અને તેમાં જ બજેટ જોઇ લેવા જણાવ્યું હતું. પરંતુ મોટા ભાગના સભ્યો માટે આ વિષય નવો જ હતો અને ગતાગમ પણ પડી નહતી. આમ છતાં બહુમતીના જોરે બજેટ મંજુર થયું હતું. આ બજેટનો વિપક્ષો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. કારણ કે ટેબલેટમાં આપેલુ બજેટ જુવે અને જાણે તે પહેલા મંજુર પણ થઇ ગયું હતું. ગત બજેટના જ કોપી – પેસ્ટ જેવા બજેટમાં શાસક પક્ષ પાસે ગ્રામ્ય પ્રજા માટે નવુ કશું નહતું.
આણંદ જિલ્લા પંચાયતની મંગળવારના રોજ ખાસ સામાન્ય સભા યોજાઇ હતી. જેમાં કામ નં.7માં આગામી વર્ષ 2022-23નું અંદાજીત બજેટ રજુ કરવામાં આવ્યું હતું. આ બજેટમાં સ્વભંડોળની રકમ રૂ.2511.51 લાખ અંદાજવામાં આવી હતી. જ્યારે ખર્ચ રૂ.2404.65 લાખ થવાનો અંદાજ મુકવામાં આવ્યો છે. આ બજેટમાં કુલ રૂ.106.86 લાખ પુરાંત અંદાજવામાં આવી છે. આ ઉપરાંત રાજ્ય સરકારની તબદીલ થયેલી પ્રવૃત્તિઓ માટે કુલ રૂ.120125.21 લાખનો આવક – ખર્ચ અંદાજવામાં આવ્યો છે. જોકે, આ બજેટ રજુ કરતાં જ વિપક્ષે વિરોધ કર્યો હતો. જિલ્લા પંચાયયતના પ્રથમ ડિઝીટલ બજેટ રજુ કરતા પહેલા તમામ સભ્યોને ટેબલેટ આપવામાં આવ્યાં હતાં. આ ટેબલેટ તેઓ ઓપરેટ કરી શક્યા નહતાં, જેને કારણે બજેટનો અભ્યાસ કરી શક્યાં ન હોવાની ફરિયાદ કરી હતી. અલબત્ત, પ્રમુખ હંસાબહેન પરમારે એક – એક કોપી પ્રિન્ટ આપવાની ખાતરી આપી હતી. પરંતુ બજેટ પસાર થઇ ગયા બાદ આ કોપીનું શું કરવું ? તેવો પ્રશ્ન પણ ઉઠ્યો હતો. ખાસ સામાન્ય સભાની શરૂઆતમાં જ ગત સભાના પ્રોસેડીંગને લઇને જ મુદ્દો ગરમાયો હતો. કારણ કે પ્રોસેડીંગની નકલ જ આપવામાં આવી નહતી અને સીધે સીધુ મંજુરી માટે મુકી દેવામાં આવ્યું હતું. આ સભામાં 15મા નાણા પંચના 10 ટકા જિલ્લા કક્ષાના કામોમાં રૂ. પાંચ લાખ સુધીના કામોની સત્તા ગ્રામ પંચાયતને સોંપવામાં આવી છે.
આ અંગે વિપક્ષ નેતા નટવરસિંહ મહિડાએ જણાવ્યું હતું કે, જિલ્લા પંચાયતના 2022-23ની બજેટ હતું. પ્રથમ વખત ઓનલાઇન બજેટ કરવામાં આવ્યું હતું. પેપલેસના બહાના હેઠળ લોકોને સીધી બજેટની કોપી ન મળે, બજેટનો અભ્યાસ ન કરી શકે તેવા કારણથી નવી નવી પદ્ધતિ શોધી, લોકો બજેટમાં ભાગ કેવી રીતે ન લે ? તેવો એમનો હેતુ છે. મારી દૃષ્ટિએ લાગે છે કે આ બધુ કરતા પહેલા સભ્યો સાથે ચર્ચા કરવાની જરૂર હતી. કેટલા સભ્યો પાસે સગવડતા છે, તમામ બાબતની ચર્ચા કર્યા બાદ આ પગલું ભરવું જોઈએ.
જિલ્લા પંચાયત હસ્તકની દુકાનોના ભાડામાં દસ ટકા વધારો
આણંદ જિલ્લા પંચાયત હસ્તકની તમામ દુકાનના કારપેટ એરિયા મુજબ દર ચોરસ ફુટ લોકેશન પ્રમાણે ગણતરી કરી ભાડું નક્કી કરવાનું ઠરાવવામાં આવ્યું છે. દર ત્રણ વર્ષે 10 ટકા વધારાથી રિવાઇઝ નક્કી કરવા નક્કી થયું છે. 1લી એપ્રિલ,2022થી દુકાન ભાડામાં વધારો કરવાનો થાય છે. જોકે, કારપેટ એરિયા મુજબ દર ચોરસ ફુટ લોકેશન પ્રમાણે નવેસરથી ગણતરી કરી નક્કી કરવા અને ખાલી પડેલી દુકાનોને નક્કી કરવાના થતા નવા ભાડા મુજબ હરાજી કરી ભાડે આપવામાં આવશે.
બે દિવસ પહેલા જ સોફ્ટ કોપી અને લીંક આપવામાં આવી હતી
આણંદ જિલ્લા વિકાસ અધિકારી મિલિંદ બાપનાએ જણાવ્યું હતું કે, સામાન્ય સભામાં બે દિવસ પહેલા જ તમામ સભ્યોને સોફ્ટ કોપી મોકલવામા આવી હતી. આ ઉપરાંત વેબ સાઇટ પર પણ આપ્યું છે. લીંક પણ શેર કરવામાં આવી છે. સરકારના જ પરિપત્ર મુજબ બજેટનું ડિઝીટલાઇઝેશન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ નિર્ણયથી બજેટની 78 ટકા પ્રિન્ટ ખર્ચ બચશે. આગામી દિવસોમાં અન્ય વિભાગની કામગીરી પણ ડિઝીટલ જ થાય તે માટે પ્રયત્ન કરવામાં આવશે.