ગાંધીનગર: ગુજરાત (Gujarat) માધ્યમિક શિક્ષણ બોર્ડ (Education Board) દ્વારા આગામી તા. ૨૮ માર્ચથી રાજ્યભરમાં શરૂ થનાર ધોરણ ૧૦ની પરીક્ષામાં (Exam) કુલ ૯૫૮ કેન્દ્રો પર ૯,૬૪,૫૨૯ વિદ્યાર્થીઓ (Student), જ્યારે ધોરણ ૧૨ વિજ્ઞાનપ્રવાહમાં ૧૪૦ કેન્દ્રો પર ૧,૦૮,૦૬૭ પરીક્ષાર્થીઓ પરીક્ષા આપશે. જ્યારે ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહની પરીક્ષામાં ૫૨૭ કેન્દ્રો પર ૪,૨૫,૮૩૪ પરીક્ષાર્થીઓ પરીક્ષા આપનાર છે. આમ રાજ્યમાં કુલ ૧૪,૯૮,૪૩૦ પરીક્ષાર્થીઓ કોરોના બાદ પ્રથમ વાર ક્લાસરૂમમાં (Classroom) બોર્ડની (Board) પરીક્ષા આપશે.
- તમામ ૧૬૨૫ પરીક્ષા કેન્દ્રો CCTV સહિતની વ્યવસ્થાથી સજજ કરાયા
- કોરોના પછી પ્રથમવાર યોજાનાર પરીક્ષામાં ૩૦ ટકા હેતુલક્ષી પ્રશ્નો પૂછાશે
- શિક્ષણ વિભાગ દ્વારા પરીક્ષા અંગેની સમીક્ષા કરાઈ
કોરોના બાદ પ્રથમવાર યોજાનાર પરીક્ષામાં વિદ્યાર્થીઓની ચિંતા ઓછી કરવા બોર્ડ દ્વારા ૩૦ ટકા હેતુલક્ષી પ્રશ્નો પૂછાશે. રાજ્યના તમામ પરીક્ષા કેન્દ્રો પર S.O.P.-માર્ગદર્શિકાના સંપૂર્ણ પાલન સાથે પરીક્ષાઓ યોજાશે. પરીક્ષા આપતા વિદ્યાર્થીઓ તણાવમુક્ત રીતે ડર વિના પરીક્ષા આપે તે ખૂબ જરૂરી છે. રાજ્યના સંવેદનશીલ પરીક્ષા કેન્દ્રો પર શાંતિથી પરીક્ષા યોજાય તે માટે CCTV કેમેરા, પોલીસ બંદોબસ્ત સહિત પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે. પરીક્ષામાં ગેરરીતિ કરનાર વ્યક્તિને કડકમાં કડક સજા, પરીક્ષા કેન્દ્રની માન્યતા રદ કરવાની સાથે દંડની કાર્યવાહી પણ કરવામાં આવશે. ગેરરીતિ અટકાવવા તમામ ૧૬૨૫ પરીક્ષા કેન્દ્રો CCTV સહિતની વ્યવસ્થાથી સજજ કરવામાં આવ્યા છે. પરીક્ષા કેન્દ્રો પર પેપર ફૂટી જવાની ખોટી અફવાઓ સામે કડક હાથે કામ લઇને આ પ્રકારની ઘટનાની તાત્કાલિક તપાસ કરી યોગ્ય સ્પષ્ટતા કરવાના આદેશ આપાયા છે.