પટના: વાળ ખરવાની અને ટાલ પડી જવાની સમસ્યા હવે દર બીજા પુરુષમાં જોવા મળી રહી છે. ટાલિયાપણાથી પીડાતા પુરુષો હવે હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવવાનું પસંદ કરી રહ્યાં છે જેના લીધે ઠેરઠેર બિલાડીના ટોપની જેમ હેર ટ્રાન્સપ્લાન્ટ (Hair Transplant) સેન્ટર ખુલી ગયા છે, જ્યાં પૂરતી તકેદારી રાખ્યા વિના અનપ્રોફેશનલ અને અનક્વોલિફાઈડ લોકો દ્વારા ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવતા હોય છે. આવા જ એક સેન્ટર પર હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યાના 24 જ કલાકમાં પટનાના (Patna) એક પોલીસ જવાનું (Police) મોત (Death) નિપજ્યું છે.
અત્યંત ચોંકાવનારા આ કેસની વિગત એવી છે કે પટનામાં રહેતા અને BSAP (બિહાર સ્પેશ્યિલ આર્મડ પોલીસ)માં ફરજ બજાવતા 28 વર્ષીય મનોરંજન પાસવાનના આગામી તા. 11 મી મેના રોજ લગ્ન થવાના હતા. મનોરંજન છેલ્લાં કેટલાંક સમયથી વાળ ખરવાની સમસ્યાથી પીડાતા હતા. સતત વાળ ખરવાના લીધે કપાળ મોટું થયું હતું. આગળ તરફના વાળ ખરી જતા ટાલ દેખાતી હતી, તેથી મનોરંજન પાસવાને લગ્ન પહેલાં હેર ટ્રાન્સ્પ્લાન્ટ ટ્રીટમેન્ટ કરાવવાનું નક્કી કર્યું હતું.
મનોરંજનના નાના ભાઈ અને બિહાર પોલીસના સબ ઈન્સ્પેક્ટર ગૌતમ કુમાર પાસવાને કહ્યું કે, મોટા ભાઈ મનોરંજને પટનાના બોરિંગ રોડ ખાતે આવેલા હેર ટ્રાન્સપ્લાન્ટ એન્ડ સ્કિન કેર સેન્ટરમાં ટ્રીટમેન્ટ કરાવી હતી. મનોરંજન પાસવાનની હેર ટ્રાન્સપ્લાન્ટ ટ્રીટમેન્ટ 9 માર્ચે કરવામાં આવી હતી. હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યા બાદ તે શેખપુરા પરત ફર્યો હતો, જ્યાં રાત્રે તેને માથામાં સખ્ત દુ:ખાવો ઉપડ્યો હતો, જેથી સાથી પોલીસ જવાનો તેને તાત્કાલિક સ્કિન સેન્ટર પર લઈ ગયા હતા, જ્યાં તેની ગંભીર સ્થિતિ જોતાં કેર સેન્ટરના કર્મચારીઓએ તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરાવ્યો હતો પરંતુ ગુરુવારે મોડી રાત્રે તેનું મૃત્યુ થયું હતું. ઘટના બાદથી જ સ્કિન સેન્ટર બંધ કરી તબીબ ભાગી છૂટ્યા છે. મનોરંજન પાસવાનના પરિવારજનોએ હોબાળો મચાવવા સાથે સ્કિન કેર સેન્ટર પર બેદરકારીનો આરોપ મૂક્યો છે.
નાના ભાઈ ગૌતમે કહ્યું કે, મોટા ભાઈના મૃત્યુ બાદથી જ સ્કિન કેર સેન્ટરના માલિકનો ફોન બંધ આવી રહ્યો છે. પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી છે.
નાના ભાઈ ગૌતમે વધુમાં કહ્યું કે, રૂપિયા 51,000માં હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવવાનું નક્કી થયું હતું. મોટા ભાઈએ ડાઉનપેમેન્ટ પેટે રૂપિયા 11,767 ઓનલાઈન આપ્યા હતા, જ્યારે બાકીના 4000 રૂપિયા પ્રતિ મહિનાનો હપ્તો નક્કી થયો હતો.