વાપી : વાપીના છીરી વિસ્તારમાં જલારામનગરમાં રહેતા પરિવારમાં જમવામાં રોટલી ગરમ લાવવાનું કહીને પતિએ પત્નીને મારમારી પત્નીના માથામાં દંડાથી મારતા લોહીલૂહાણ થઇ ગયેલી પત્નીને હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવાઇ હતી. જમવાની થાળીને પતિએ લાત મારતા પત્નીએ ઉશ્કેરાઈને પત્નીને ઢીકમુક્કીનો માર માર્યો હતો.
વાપીના છીરી વિસ્તારમાં જલારામનગરમાં રહેતા અનિલભાઇ સરજુ રાજભર કન્સ્ટ્રક્શનનું કામ કરે છે. તેની પત્ની લક્ષ્મીબેન તથા ત્રણ દીકરી સાથે રહે છે. કામ પરથી પતિના આવ્યા બાદ પત્નીએ જમવાનું બનાવ્યું હતું. ત્યાર બાદ પતિ, પત્ની અને બાળકો જમવા માટે બેઠા હતા. ત્યારે ત્યારે પતિ અનિલે તેની પત્નીને કહ્યું હતું કે રોટલી ગરમ લાવ. ત્યારે પત્ની લક્ષ્મીબેને તેના પતિને કહ્યું હતું કે રોટલી ગરમ જ છે. તેવું જણાવતા જ અનિલ ગુસ્સામાં આવીને જમવાની થાળીને લાત મારી હતી. ત્યારે પત્નીએ કહ્યું કે થાળીને લાત શા માટે મારો છો ? તેવુ કહેતા જ અનિલ ઉશ્કેરાઈ ગયો હતો. અપશબ્દો બોલીને પત્નીને ઢીકમુક્કીનો માર મારવા લાગ્યો હતો. તે સમયે પતિના હાથમાં દંડો આવી જતા તેનાથી મારવા જતા લાકડાના દંડાનો છેડો પત્નીના કપાળના ભાગે લાગી ગયો હતો. જેના કારણે લક્ષ્મીબેન લોહીલુહાણ થઇ ગઇ હતી. ત્યારે બુમાબુમ કરતા આજુબાજુના લોકો ભેગા થઇ જતા અનિલે કહ્યું હતું કે આજે તો સોસાયટીના લોકો ભેગા થઇ જતા તું બચી ગઇ છે. પરંતુ ફરીવાર તુ મારી સાથે લડાઈ કરશે તો હું તને જાનથી મારી નાંખીશ. તેવી ધમકી આપીને અનિલ ઘરમાંથી બહાર જતો રહ્યો હતો. ત્યાર બાદ ૧૦૮ એમ્બ્યુલન્સને કોઈએ ફોન કરતા લક્ષ્મીબેનને સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવાઈ હતી. ડુંગરા પોલીસે પત્ની લક્ષ્મીબેનની ફરિયાદને આધારે તેના પતિ અનિલભાઇ રાજભર સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.