વ્યારા: (Vyara) સોનગઢ-ઉકાઇ રોડ પર રોકડીયા હનુમાન મંદિર નજીક સર્વિસ સ્ટેશન પાસે બે કાર વચ્ચે થયેલ ધડાકાભેરનાં અકસ્માતમાં (Accident) બંને કારના કુરચે કુરચા નીકળી ગયા હતા. આ ગમખ્વાર અકસ્માતમાં ભારે કરૂણાંતિકા સર્જાઇ હતી. જેના જન્મ દિવસની ઉજવણી કરી મોડી રાત્રે આશરે પોણા બે વાગેના અરસામાં મિત્રો ઘરે પરત થઇ રહ્યા હતા તેનું જ અરેરાટી ભર્યું મોત નિપજ્યું હતું. મિત્રો એજ તેની અર્થી ઉંચકવાનો વારો આવ્યો હતો.
- સોનગઢ- ઉકાઇ રોડ પર જન્મ દિવસની (Birthday) ઉજવણી કરી મધ્યરાત્રે ઘરે જતી વખતે મિત્રોની (Friends) બે કાર ધડાકાભેર અથડાઈ : નવ ઘવાયા
- ભારે કરૂણાંતિકા, ઘરેથી જેનુ જન્મ દિન ઉજવવા નિકળ્યાં રાત્રે તેની જ અર્થી ઉંચકાઈ
આ ભયંકર અકસ્માતમાં એક ફોર વ્હીલ ઉછળીને ઝાડ સાથે અથડાઈ હતી. જેમાં કાર ચાલક યશકુમારના માથાના ભાગે તથા પગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. તેમાં બેસેલા તેનાં મિત્રો ગંભીર રીતે ઘવાયા હતાં. યશ કુમારને ફરજ પરનાં તબીબે મૃત જાહેર કર્યો હતો. જયારે બીજી કાર ચલાવનાર દિપક નરેન્દ્રભાઈ રાઠોડની ગાડી રોડ નીચે ઉતરી પલટી મારી જતા તેમાં સવાર તમામને ઈજાઓ થઈ હોય સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા.
નવસારી જલાલપોરના કોલાસણા ગામના ટાંકી ફળીયાના મૂળ વતની અને હાલ ઉકાઇ જીઇબી કોલીનીમાં રહેતા અને હાઈડ્રો પાવર સ્ટેશનમાં નોકરી કરતા મનહરભાઈ રવજીભાઇ રાઠોડનો ૧૯ વર્ષીય પુત્ર યશકુમારનો શનિવારે જન્મ દિવસ હોવાથી તેના મિત્રો સાથે જન્મ દિવસની ઉજવણી કરવા માટે ઘરેથી વ્હીલ ગાડી ફોર્ડ ફીગો નં. જીજે ૨૬ એન ૫૯૪૭ તથા ટાટા ટીગોર ફોર વ્હીલ ગાડી નંબર જીજે ૨૬ એન ૫૪૩૭ લઇને સોનગઢ તરફ નીકળ્યાં હતા. ઘવાયેલ મિત્રોમાં દીપકુમાર રાઠોડ, નમન પાઠક, જતનભાઈ પટેલ, ઋષિકેશ આહિરે, ચિરાગભાઈ પટેલ, તીર્થંકુમાર પટેલ, પ્રીતેશકુમાર ગામીત, પૃથ્વી ગામીત, એંજલ ગામીતનો સમાવેશ થાય છે.