માસ્કો: રશિયા (Russia) અને યુક્રેન (Ukraine) વચ્ચે યુદ્ધની (War) સ્થિતિને 10 દિવસ થઇ ગયા છે. રશિયન સેના સતત યુક્રેનની રાજધાની કિવ (Kyiv) અને બીજા સૌથી મોટા શહેર ખાર્કિવને (Kharkiv) ફાઈટર જેટ (Fighter jet) અને મિસાઈલ (Missile) દ્વારા કબજે કરવાનો પ્રયાસ કરી રહી છે. જો કે યુક્રેનિયન સૈન્ય તેમની તમામ શક્તિ સાથે તેમની જમીનનો બચાવ કરવાના પ્રયત્નો કરી રહ્યા છે. જેમાં યુક્રેનના સામાન્ય નાગરિકો તેમના જીવને જોખમમાં નાખી રશિયાનો સામનો કરી રહી છે. તેમ છતાં આ યુદ્ધ દરમિયાન યુક્રેનના હજારો નાગરિકોના મોત થયા છે.
હાલમાં 3000 અમેરિકન (America) સ્વયંસેવકો રશિયા સામેની આંતરરાષ્ટ્રીય બટાલિયનમાં જોડાવા માટે તૈયાર છે. આ સ્વયંસેવકો યુક્રેનના એક કોલ પર યુદ્ધ માટે તૈયાર થઇ ગયા છે. હકીકતમાં તો યુક્રેનની સશસ્ત્ર દળોના જનરલ સ્ટાફે કહ્યું હતું કે જે લોકો રશિયા સામે લડવા ઈચ્છે છે તેઓ તેમના યુક્રેનિયન દૂતાવાસમાં અરજી કરી શકે છે. તેમજ યુક્રેનને રશિયા સામે ચાલી રહેલા યુદ્ધમાં સહકાર આપી શકે છે. મહત્વની વાત તો એ છે કે રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધની અસર વિશ્વના તમામ દેશો પર થતી જોવા મળી રહી છે. તે વચ્ચે દરેક નાગરિકના મનમાં એક જ પ્રશ્ન છે કે આ યુદ્ધનુ પરિણામ શું હશે?
રશિયા અને યુક્રેન વચ્ચેના આ યુદ્ધમાં આગામી પાંચ શક્યતાઓ શું હોઈ શકે છે અને આ યુદ્ધને રોકવા માટે શું શરતો છે.?
1.યુક્રેનમાં રશિયન સેનાને સફળતા
યુક્રેન વિરુદ્ધ રશિયાની સેનાને શરૂઆતથી જ વધુ મજબૂત માનવામાં આવી રહી છે. કારણ કે રશિયા પાસે તેના આધુનિક શસ્ત્રો, હવાઈ શક્તિ અને સુરક્ષા દળોના સાધન પૂરતા પ્રમાણમાં છે. આ સ્થિતિમાં મોટાભાગના નિષ્ણાતો માને છે કે યુક્રેન મજબૂત હોવા છતાં, રશિયન દળો આખરે યુક્રેનિયન શહેરો પર કબજો કરી લેશે. ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી યુક્રેનના 40 મિલિયન લોકો રશિયન આક્રમણ સામે ઝેલેન્સકી સાથે ઉભા રહ્યા છે. બ્રિટનની કિંગ્સ કોલેજના પ્રોફેસર લોરેન્સ ફ્રીડમેન કહે છે કે રશિયન સેના શહેર પર કબજો કરી શકે છે, પરંતુ ત્યાંના લોકો પર નિયંત્રણ કરવું અશક્ય હોઇ શકે છે. એટલે કે યુક્રેન પર કબજો મેળવ્યા બાદ પણ રશિયન સેનાને વિજય ન મળી શકે કારણ કે તેમને સામાન્ય નાગરિક તરફથી ભારે પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે. હાલમાં તેઓ સતત શસ્ત્રો ઉપાડી રહ્યા છે.
2.યુક્રેનિયન સેનાની કડક સ્થિતિ રહે
યુક્રેનની સેનાએ અત્યાર સુધી રશિયન સામેના આક્રમણોનો પૂરજોશે જવાબ આપ્યો છે. તેમના આ પ્રયત્નોમાં કિવ, ખાર્કિવ અને મેરીયુપોલ જેવા મહત્વના શહેરો પર રશિયન સેનાના કબજો મેળવવામાં મુશકેલીઓ પડી રહી છે. જ્યારે સેનાએ એરફિલ્ડ પર મજબૂત હોવાની વાત કરી હતી. ત્યારે કિવની હવાઈ સંરક્ષણ શક્તિ હવે નબળી પડતી જોવા મળી રહી છે. જો કે પશ્ચિમી એજન્સીઓની ગુપ્ત માહિતી અને ટેન્ક વિરોધી અને સપાટીથી હવામાં પ્રહાર કરતી મિસાઇલો થોડા વધુ દિવસો માટે રશિયન સેનાને અંકુશમાં રાખી શકે છે. તે લશ્કરી ગતિરોધ જેવી પરિસ્થિતિ હોઇ શકે છે. આ દરમિયાન પશ્ચિમી દેશો દ્વારા કરવામાં આવેલા આર્થિક પ્રતિબંધોને કારણે, વ્લાદિમીર પુતિનને પણ તેમના પગલા બદલવા પડી શકે છે.
3.રશિયાની આકાંક્ષાઓ અને સંઘર્ષો વધતા રહેવા
યુક્રેન હાલમાં ચાર દેશોની સરહદ ધરાવે છે. જે અગાઉ સોવિયેત યુનિયન સાથે જોડાયેલા હતા. જો કે હવે તે યુએસની આગેવાની હેઠળના નાટો લશ્કરી જોડાણનો ભાગ છે. ગઠબંધન એવુ માને છે કે તેના ભાગીદારોમાંથી એક પરના હુમલાને સમગ્ર નાટો પર હુમલો અને તેનો બચાવ કરવા આગળ આવે છે. આવી સ્થિતિમાં, જો પુતિન યુક્રેનને શસ્ત્રો પહોંચાડવા અથવા રશિયાને વિસ્તારવા માટે કોઈ બાલ્ટિક દેશ (લિથુઆનિયા, લાતવિયા અથવા રોમાનિયા) પર હુમલો કરે છે, તો તે નાટોની સુરક્ષા પર પ્રશ્નો ઉભા કરી શકે છે.
પુતિનના અત્યાર સુધીના ભાષણો પરથી અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે તેમનો ઈરાદો સોવિયેત યુગમાં રશિયાનું ગૌરવ લાવવાનો છે. આવી સ્થિતિમાં, યુક્રેનના ભાગો કબજે કર્યા બાદ તેઓ મોલ્ડોવા અથવા ભૂતપૂર્વ બાલ્ટિક દેશો પર હુમલો કરી શકે છે. જ્યારે નિષ્ણાતોનું માનવું છે કે પરમાણુ યુદ્ધના ખતરાને જોતા પુતિન આવું પગલું નહીં ભરશે. જો કે, આ સમય દરમિયાન તેઓ બિન-નાટો સભ્ય દેશો – ફિનલેન્ડ અને સ્વીડનને ઘેરી લેવાનો પ્રયાસ કરી શકે છે. તાજેતરના દિવસોમાં રશિયાએ પણ આ દેશોને ચેતવણી આપી છે.
4.રશિયાના નેતૃત્વ હેઠળ આંતરિક ફેરફારો
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની નજર દેશની આંતરિક સ્થિતિ પર છે. યુક્રેન પર હુમલા બાદથી પુતિન વિરુદ્ધ અનેક ઘરેલુ પ્રદર્શનો થવા માંડ્યા છે. તે જ સમયે ઘણા સ્વતંત્ર મીડિયા જૂથોને યુદ્ધની જાણ કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અથવા તેમના માટે કડક નિયમો લાદવામાં આવ્યા છે. આ દરમિયાન રશિયાના મોસ્કોથી સેન્ટ પીટર્સબર્ગ સુધી ઓછામાં ઓછા છ હજાર લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ સિવાય પુતિનના યુદ્ધ ચાલુ રાખવાના નિર્ણયને લઈને રશિયાના ઉચ્ચ વર્ગના લોકોમાં તિરાડ પડી રહી છે. રશિયાના ખાનગી તેલ સંગઠન લ્યુકોઇલે તો યુદ્ધ વિરામની માંગ પણ કરી છે. આવી સ્થિતિમાં એ વાતને નકારી શકાય નહીં કે યુદ્ધ ચાલુ હોવાથી પુતિનની ખુરશી પર ખતરો વધી ગયો છે. સેન્ટર ફોર સ્ટ્રેટેજિક એન્ડ ઇન્ટરનેશનલ સ્ટડીઝના ઇલિયટ કોહેનનું કહેવું છે કે પુતિનની અંગત સુરક્ષા ઘણી સારી છે. પરંતુ તેના ખરાબ થવાનું જોખમ પણ વધી રહ્યું છે. સોવિયત સંઘના સમયમાં પણ ઘણા ટોચના નેતાઓને આ મુશ્કેલીમાંથી પસાર થવું પડ્યું હતું.
5.નાટો સાથે સીધો મુકાબલો
રશિયા અને નાટો જોડાણ વચ્ચે સીધો મુકાબલો થવાની અપેક્ષાઓ અત્યાર સુધી ઘણી ઓછી રહી છે. તેનું મુખ્ય કારણ પરમાણુ શસ્ત્રો છે, જેના કારણે બંને પક્ષોનો વિનાશ નિશ્ચિત છે. પરંતુ યુએસ અને રશિયાએ સંપર્કનો દોર ખુલ્લો રાખ્યો છે. જેના દ્વારા બંને અથડામણમાં માહિતીની આપ-લે કરવાનું ચાલુ રાખી શકે છે. હાલમાં યુએસ અને રશિયાએ સીરિયામાં આ પદ્ધતિ લાગુ કરી છે. જ્યાં 2015થી ગૃહ યુદ્ધની વચ્ચે બંને દેશો વચ્ચે અથડામણ ચાલી રહી છે. પરંતુ યુક્રેનમાં પુતિને એક ડગલું આગળ આવીને પોતાની પરમાણુ સેનાને એલર્ટ કરી દીધી છે. આ સિવાય પુતિન સરકારના ઘણા નેતાઓ ત્રીજા વિશ્વ યુદ્ધ અને તેમાં પરમાણુ હથિયારોના ઉપયોગની વાત પણ કરતા રહ્યા છે.