સુરત: (Surat) મહિધરપુરાના ગલેમંડી મેઇન રોડ (Road) પરના સ્વાતી ચેમ્બર્સ પાસે એક મકાન બનાવવા માટે બેઝમેન્ટમાં (Basement) ખોદકામ કરતી વેળાએ બાજુના બે માળનું જર્જરિત મકાન ધરાશાયી થતા પરિવારના ત્રણ લોકોનો આબાદ બચાવ થયો હતો. જોકે આ ઘટનામાં પરિવારની સર્તકતાને કારણે મોટી દુર્ઘટના બનતા ટળી હતી.
- ગલેમંડીમાં મકાન બનાવવા માટે ખોદકામ કરતી વેળા બાજુનું મકાન ધરાશાયી થઇ ગયું
- પરિવારની સર્તકતાને કારણે મોટી દુર્ઘટના બનતા ટળી, ત્રણ લોકોનો આબાદ બચાવ
ફાયર વિભાગ પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ મહિધરપુરાના ગલેમંડી મેઇન રોડના રાધે ગેસ્ટ હાઉસ પાસેના સ્વાતી ચેમ્બર્સ નજીક એક મકાન બનાવવા માટે બેઝમેન્ટના ખોદકામની કામગીરી ચાલી રહી હતી. દરમિયાન શુક્રવારની સાંજના 4.26 કલાકે ખોદકામ કરતી વેળાએ બાજુનું જર્જરિત ગ્રાઉન્ડ પ્લસ બે માળનું મકાન અચાનક ધડાકાભેર ધરાશાયી થયું હતું. મકાનનો કાટમાળ પડતા જ સ્થળ ઉપર હાજર લોકો તેમજ સ્થાનિકોમાં અફરાતફરી મચી ગઈ હતી. મકાનમાં રહેતા 34 વર્ષીય હાર્દિકભાઇ સંજયભાઇ સાલ્વી, 30 વર્ષીય પત્ની અસ્વીની હાર્દિકભાઇ સાલ્વી અને પુત્ર 3 વર્ષીય નિર્વાણ હાર્દિકભાઇ સાલ્વીને મકાન તૂટી પડવાની જાણ થતાની સાથે જ તાત્કાલિક ગ્રાઉન્ડ ફ્લોરના પાછળના દરવાજેથી ત્રણેય લોકો ઘરની બહાર દોડી ગયા હતા.
બાદમાં ગણતરીની મિનિટમાં જ ગ્રાઉન્ડ પ્લસ બે માળનું મકાન ધડાકાભેર ધરાશાયી થયું હતું. આ ઘટનાની ઘાંચીશેરી ફાયર સ્ટેશનને જાણ થતા અધિકારી મહેશ પટેલ ઘટના સ્થળે દોડી ગયા હતા. સાથે મનપાના બિલ્ડિંગ ઇન્સપેક્ટરને જાણ કરવામાં આવી હતી. આ ઘટનામાં મકાનના કાટમાળમાં નીચે ઘરવખરી તેમજ વાહનો દબાઈ ગયા હતા. ઉલ્લેખનીય છે કે આ મકાનને અનેક વખત નોટિસ આપવામાં આવી હતી, નોટિસ આપ્યા બાદ પાલિકા દ્વારા નક્કર કામગીરી કરવામાં આવતી ન હતી. જેના કારણે આજે આ દુર્ઘટના થઈ હતી. જોકે આ બનાવમાં કોઇ જાનહાની થઇ ન હતી.
અડાજણમાં ભાજપના વોર્ડ પ્રમુખની મિલકતમાં બીયુસી નહીં હોવાથી ડ્રેનેજ કનેકશન કપાયા
સુરત: હાઇકોર્ટના આદેશના પગલે શહેરમાં 15 મીટર કે તેથી વધુ ઊંચાઇ ધરાવતી મિલકતોમાં બીયુ સર્ટિ. ના હોય તો તેની સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે સુરત મનપાના રાંદેર ઝોન દ્વારા અડાજણમાં ભાજપના વોર્ડ પ્રમુખની મિલકતનાં ગટર કનેક્શન કાપી નાંખ્યાં હતાં. જ્યારે સેન્ટ્રલ ઝોનમાં સગરામપુરા ખાતે સમોલ હોસ્પિટલમાં પણ બીયુ સર્ટિ. નહીં હોવાથી સીલ મરાયું હતું.
મળતી વિગત મુજબ, બીયુ સર્ટિ. વગરની મિલકતો સામે કાર્યવાહીના ભાગરૂપે જુદા જુદા ઝોનમાં 15 મીટર કે તેથી વધુ ઊંચાઇ ધરાવતી મિલકતોને સીલ મારવા કે નળ-ગટર કનેક્શન કાપવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે રાંદેર ઝોન દ્વારા અડાજણ ખાતે છપ્પનીયા મહોલ્લામાં એક મિલકતનાં ગટર કનેક્શન કાપી નાંખવામાં આવ્યાં હોવાનું મનપાનાં સૂત્રોએ જણાવ્યું હતું. જો કે, વોર્ડ પ્રમુખ સુરેશ પટેલને આ બાબતે ફોન કરતાં તેણે રિસિવ કર્યો ન હતો. સગરામપુરા લાલવાડી સમોલ હોસ્પિટલમાં પણ બીયુ સર્ટિ. નહીં હોવાથી તેને સીલ મારી દેવાયું હતું.