કામરેજ: અલુરા ગામે ટેકરા ફળીયાએ પત્ની (Wife) પર વહેમ રાખી પતિ (Husband) એ માર માર્યા બાદ પુત્રીને બચાવવાનો પ્રયાસ કરનાર સાસુ, સસરાને પણ લાકડાના સપાટાથી માર માર્યો (Beat) હતો.
- પતિના ત્રાસથી કંટાળી પરિણીતા બે વર્ષથી પિયર અલુરા ગામે રહેતી હતી
- હુમલો કરી પતિ ફરાર: ઈજાગ્રસ્ત પત્ની અને તેનાં માતા-પિતા હોસ્પિટલમાં દાખલ
કામરેજ તાલુકાના અલુરા ગામે ટેકરા ફળીયામાં વર્ષાબેન (ઉ.વર્ષ 33) પતિ મુકેશભાઈ રમેશભાઈ રાઠોડ, પુત્ર રોનક, સ્નેહ સાથે રહે છે. વર્ષાબેનનું સાસરુ પલસાણા તાલુકાના ગાંગપુર ગામે ગાળા ફળીયામાં છે. પરંતુ પતિ સાથે વારંવાર ઝઘડો થતો હોવાથી છેલ્લા બે વર્ષથી પોતાના પિયરમાં રહેવા આવી ગઈ હતી. ગુરુવારે વર્ષાબેન સવારે બહેન તેમજ માતા સાથે વલણ ગામે ખેતરમાં મજુરી કરવા માટે ગઈ હતી. પતિ મુકેશભાઈ પણ પરબ ગામે ઓમ ઈન્ડ્રસ્ટ્રીઝમાં કામ કરવા માટે ગયા હતાં. સાંજના 5 કલાકે વર્ષાબેન, બહેન અને માતા સાથે મજુરી કામ કરીને ઘરે આવ્યા હતાં. થોડીવારમાં પતિ પણ કામ પરથી આવી પત્નીને રૂપિયા આપવાનો પ્રયાસ કર્યો હતો.
પત્નીએ રૂપિયા લેવાની ના પાડતાં ઉશ્કેરાયેલા પતિએ વહેમ રાખીને ‘કેમ તને રૂપિયા નથી જોઈતા તને કોણ રૂપિયા આપે છે. તું ખેતરે મજુરી કરવા જવાના બહાને કોને મળતી ફરે છે તે મને ખબર છે’ તેવું કહીને ગાળા ગાળી કરી માર મારવા લાગ્યો હતો. વર્ષાબેને બુમા બુમ કરતા બહારથી લાકડુ લાવી પત્નિ અને પિતા કાંતીભાઈને, માતા લક્ષ્મીબેનને મારવા લાગ્યો હતો. ફળીયામાં રહેતા લોકો આવી જતાં મુકેશ નાસી છુટયો હતો. વર્ષાબેન તેમજ તેમના માતા પિતાને સારવાર માટે 108માં બારડોલી સરદાર સ્મારક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ હુમલા બાબતે પત્નીએ પતિ સામે કામરેજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
ભરૂચમાં ચોરીનો ધંધો બંધ કરવા સલાહ આપનાર પત્નીને માર પડ્યો
ભરૂચ: ચાર દિવસ પહેલાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ રો-મટિરિયલ્સ ચોરી કરીને ઝડપાયેલા સૂત્રધાર સામે તેની સામે તેના સાસરિયાએ પત્નીને મારઝૂડ કરીને માનસિક ત્રાસ આપવા મામલે ત્રણ અલગ અલગ FIR દાખલ કરાઈ હતી. જો કે, સૂત્રધાર સઈદ પટેલ અગાઉ પણ નવસારીમાં ખંડણીના ગુનામાં પોલીસે પકડાયો હતો. મનુબરની રહેમતપાર્ક સોસાયટીની ૨૭ વર્ષની અફવાના સાથે કંથારિયાના સઈદ ઉર્ફે ભૂરો મુસ્તાક પટેલ સાથે પ્રેમસંબંધ હોવાથી સને-૨૦૧૬માં મુસ્લિમ શરીયત મુજબ નિકાહ કર્યા હતા. સઈદ પટેલ કોઈ કામધંધો કરતો ન હતો. ૨૦૧૭માં સઈદ પટેલે નવસારીમાં ખંડણી માંગવાના ગુનામાં પોલીસે પકડ્યો હતો. ત્યારબાદ પણ સઈદ પટેલ સામે ચોરી-લૂંટના ગુના અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં નોંધાયેલા છે.
તેની પત્ની અફવાનાએ આવી ગુનાહિત પ્રવૃત્તિ બંધ કરવા સમજાવ્યો હતો. છતાં તેનો ધરાર ઇનકાર કરી પત્નીને મારઝૂડ કરતો હતો. સઇદ પટેલ ઘરમાં પત્નીને વાપરવા અને છોકરીને દવાના પૈસા આપતો ન હતો. તા.૨૭મી ફેબ્રુઆરીએ બુલેટ ટ્રેન પ્રોજેક્ટનો રો-મટિરિયલ્સ ચોરીના ગુનામાં સઈદ પટેલ પોલીસના હાથે આબાદ ઝડપાઈ ગયો હતો. સઈદ પટેલ જામીનમુક્ત થયા બાદ પત્નીએ કહ્યું કે “તમે હવે ચોરીનો ધંધો બંધ કરી દો. અમે કંટાળી ગયા છીએ.” આથી સઈદ પટેલે પત્ની સાથે મારઝૂડ કરી હતી. મારઝૂડથી કંટાળીને અફવાનાના તેના પિતાના ઘરે જતી રહી હતી. પત્ની અફવાના, સાસરી પક્ષના સસરા અબ્દુલ ચોકસી અને સાળી આશિયાનાએ ભરૂચ બી-ડિવિઝનમાં પત્નીને મારઝૂડ, માનસિક ત્રાસ અને જાનથી મારી નાંખવાની ધમકી આપતાં અલગ અલગ ત્રણ FIR દાખલ કરી હતી.