ખાર્કિવ: યુક્રેનમાં યુદ્ધ વચ્ચે ભારતીય વિદ્યાથીઓને સલામત પૂર્વક દેશમાં લાવવાનાં કામગીરી ચાલી રહી છે. આ વચ્ચે ભારતીય વિદ્યાર્થીઓ અને અન્ય વિદેશીઓને યુક્રેનના ખાર્કિવ અને સુમીથી રશિયાના બેલગોરોડ પ્રદેશમાં લઈ જવા માટે 130 રશિયન બસો તૈયાર કરવામાં આવી છે. રશિયાના નેશનલ ડિફેન્સ કંટ્રોલ સેન્ટરના વડા કર્નલ જનરલ મિખાઇલ મિઝિન્તસેવે આ માહિતી આપી હતી.
યુક્રેનમાં ચાલી રહેલી રશિયન સૈન્ય કાર્યવાહી અને ત્યાંથી ભારતીયોને સુરક્ષિત બહાર કાઢવા માટે ચાલી રહેલા અભિયાન વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે બીજી ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક યોજીહતી. સત્તાવાર સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, આ બેઠકમાં વિદેશ મંત્રી એસ જયશંકર, કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલ, વિદેશ સચિવ હર્ષ વર્ધન શ્રિંગલા, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ, કેબિનેટ સચિવ રાજીવ ગૌબા અને વડાપ્રધાન કાર્યાલયના ટોચના અધિકારીઓ હાજર રહ્યા હતા. ખાનગી એરલાઇન Go-firstનું એક વિમાન શુક્રવારે હંગેરીની રાજધાની બુડાપેસ્ટથી 177 ભારતીયોને લઈને નવી દિલ્હી પહોંચ્યું હતું. આ તમામ ભારતીય નાગરિકો યુદ્ધગ્રસ્ત યુક્રેનમાં ફસાયેલા હતા. એરલાઈન કંપનીનું કહેવું છે કે યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવા માટે ચલાવવામાં આવી રહેલા ઓપરેશન ‘ઓપરેશન ગંગા’ના ભાગરૂપે 10 માર્ચ સુધી દરરોજ બે ફ્લાઈટ ચલાવવામાં આવશે.
અત્યાર સુધીમાં 6,400 ભારતીયો યુક્રેનથી પરત આવ્યા
વિદેશ મંત્રાલયના આંકડા દર્શાવે છે કે મિશન ગંગા અંતર્ગત અત્યાર સુધીમાં 6,400 ભારતીયો સફળતાપૂર્વક વતન પરત ફર્યા છે. 30 ફ્લાઇટમાં આ લક્ષ્યાંક હાંસલ કરવામાં આવ્યો છે. એવું કહેવામાં આવ્યું છે કે 18 વધુ ફ્લાઇટ શેડ્યૂલ છે, તેથી ઘણા વધુ ભારતીયો ટૂંક સમયમાં સ્વદેશ પરત ફરશે. જો સરકારનું માનીએ તો આવનારા બે-ત્રણ દિવસમાં મિશન ગંગા વધુ વિગતે જોવા મળશે અને હજારો ભારતીયો પરત ફરશે.
૯ દિવસથી ચાલી રહ્યું છે યુદ્ધ
રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા ૯ દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે. જો કે સ્થિતિ સુધારવાનાં બદલે સતત બગડી રહી છે. યુક્રેનમાં ઝાપોરિઝ્ઝ્યા પરમાણુ પ્લાન્ટ હવે રશિયન સૈન્ય દ્વારા કબજો કરવામાં આવ્યો છે. અગાઉ, રશિયન સેનાએ તેના પર બોમ્બમારો કર્યો હતો, ત્યારબાદ પ્લાન્ટના પરિસરની ઇમારતમાંથી ધુમાડો નીકળી રહ્યો હતો, જેના કારણે રેડિયેશન ફેલાવાનો ભય સતાવવા લાગ્યો હતો. સતત બોમ્બમારાના પગલે પ્લાન્ટના યુનિટ 1ને નુકસાન થયું છે, જેનું સમારકામ કરવામાં આવી રહ્યું છે.