વ્યારા: વાલોડ (Valod) ખાતે ઝવેરી મહોલ્લામાં આવેલી બેંક ઓફ બરોડા (Bank Of Baroda) શાખામાં પ્રિન્સ સખીમંડળની મંત્રી પાસેથી ૧૮ હજાર જેટલી રકમ પડાવી ભાગી છૂટ્યો હોવાથી પોલીસે (Police) ગુનો નોંધી વધુમાં તપાસ હાથ ધરી છે. પ્રિન્સ સખીમંડળની મંત્રી રૂબીના પ્રતીકભાઈ ચૌધરી રૂ.૬૦ હજાર લઇ બેંકમાં નાણાં ભરવા માટે આવી હતી, આ યુવતી બેંકના ઓટલા પર નાણાં ભરવાની રશીદ ભરી બેંકની અંદર ટેબલ પાસે રશીદ જોઈ રહી હતી. ત્યારે એક વૃદ્ધ સાથે એક યુવાન-યુવતીની આજુબાજુ ઊભા થઈ મદદ કરવાનું કહ્યું હતું. સૌપ્રથમ નાણાં ભરવાની રસીદમાં નોટના નંબર લખવા પડશે એમ કહી સુધારાવધારા કરવાનો ઢોંગ કર્યો હતો.
યુવતી પાસેથી રૂપિયા લઈ વાતચીતના બહાને યુવાને એક નોટ નીચે નાંખી દીધી હતી. યુવતી તે રૂપિયા લેવા જતાં રૂ.૬૦ હજાર પૈકી ૧૭,૫૦૦ યુવાને પોતાના પાછળના ખિસ્સામાં મૂકી દીધા હતા. બાકીની રકમ યુવતીને આપી યુવક અને વૃદ્ધ બંને બેંકની બહાર ઝડપથી નીકળી મોટરસાઇકલ લઈ ભાગી છૂટ્યો હતો. યુવતી નાણાં ભરવા રોકડની બારી પર જતાં યુવતી પાસે ઓછાં નાણાં નીકળતાં તે બેંકની બહાર યુવકને જોવા આવી, પરંતુ ચીટરો ઝડપથી મોટરસાઇકલ લઈ ભાગી છૂટ્યા હતા. માત્ર ત્રણ મિનીટમાં કરતબ દેખાડી તેઓ ભાગી છૂટ્યા હતા
માંડવીના વેગીમાં રૂ.1.58 લાખના દારૂ સાથે બેની ધરપકડ
માંડવી: માંડવીના અરેઠ નજીક આવેલા વેગી ગામે વિદેશી દારૂ અંગેની બાતમી સુરત એલસીબી પોલીસને મળતાં રેડ કરતાં હેરાફેરીમાં વપરાયેલી સ્વિફ્ટ કાર અને વિદેશી દારૂ મળી મુદ્દામાલ રૂ.4,73,400 જપ્ત કર્યો હતો. અને બે બુટલેગરની ધરપકડ કરી હતી.
સુરત એલસીબી પોલીસ પેટ્રોલિંગમાં હતી. એ દરમિયાન માંડવી-કીમ રોડ પર આવેલા અરેઠ ગામની સીમમાં રિદ્ધિ સિદ્ધિ સ્ટોન ક્વોરીની પાછળના ભાગે વેગી ગામ તરફ જતા કાચા રસ્તાની બાજુમાં આવેલી ઝાડીઓમાં વિદેશી દારૂનો જથ્થો ઊતર્યો હોવાની બાતમી મળતાં તપાસ કરી હતી. ત્યારે કેટલાક સ્વિફ્ટ કાર નં.(GJ-05-RK-6461)માં દારૂ સગેવગે કરી રહ્યા હતા. એ દરમિયાન રેડ કરતાં વિદેશી દારૂ બોટલ નંગ-1446 અંદાજિત કિંમત રૂ.1,58,000 અને કારની કિંમત રૂ.3,00000 મળી કુલ મુદ્દામાલ રૂ.4,73,400 જપ્ત કરી બે બુટલેગર મનીષ મંગુ રાઠોડ (રહે.,અરેઠ, કોલોની ફળિયું) અને મયૂર શૈલેષ રાઠોડ (રહે.,સોનગઢ)ની ધરપકડ કરી હતી. જ્યારે ભાગી છૂટેલા આરોપીઓ જયેન્દ્ર કનુ રાઠોડ (રહે.,અરેઠ), ગોવિંદ અને રાહુલ (બંને રહે., નવાપુર) ત્રણને વોન્ટેડ જાહેરાત કરી કાર્યવાહી કરી હતી.