Gujarat

રાજકોટ: ત્રણ ભેજાબાજોએ જસદણમાં માત્ર 2 મિનિટમાં આખું ATM ખોલી નાખ્યું, રોકડ રૂ.17.33 લાખ લઈ ફરાર

રાજકોટ: રાજકોટમાં (Rajkot) ભેજાબાજ ગઠિયાઓએ માત્ર 2 જ મિનિટમાં ATM મશીન ખોલી નાખ્યું હોવાનો કિસ્સો સામે આવ્યો છે. રાજકોટના જસદણના ગીતાનગરમાં ત્રણ ગઠિયાઓએ બેંક ઓફ બરોડા (Bank of Baroda) શાખાના ATMનું બોક્સ ખોલી તેમાંથી રૂ.17.33 લાખની રોકડ ચોરી કરી લીધી હતી. શાખાના ચીફ મેનેજરને ઘટનાની જાણ થતાં પોલીસ (Police) મથકમાં ફરિયાદ નોંધાવી હતી. આ સમગ્ર ઘટનના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. સીસીટીવીના આધારે ગઠિયાઓને પોલીસ શોધખોળ કરી રહી છે.

મળતી માહિતી મુજબ જસદણના ગીતાનગર વિસ્તારમાં આવેલી બેંક ઓફ બરોડા શાખાના ATMનું બોક્સ તોડવાના બદલે તેને ત્રણ ગઠિયાઓ દ્વારા ખોલવામાં આવ્યો હતો. આ અજાણ્યા 3 શખ્સોએ ATMમાંથી રૂ.17.33 લાખની રોકડ ચોરી કરી લીધી હતી. આ ઘટનામાં પોલીસે બેંક શાખાના ચીફ મેનેજર પિન્ટુકુમાર રુદ્રનારાયણ મિશ્રાની ફરિયાદના આધારે ત્રણ શંકાસ્પદ શખ્સની શોધખોળ હાથ ધરી છે. મેનેજરના કહ્યા મુજબ આ ત્રણ શખ્સોમાંથી એકે ઈસમે માત્ર બે જ મિનિટમાં ATMનું મશીન ખોલી નાખ્યું હતું અને ATMમાંથી 17.33 લાખની ચોરી કરી લીધી હતી. જો કે આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે.

બેંક ઓફ બરોડાના મેનેજર પિન્ટુકુમારે પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, હું જસદણ ખાનપર રોડ ગીતાનગર પર આવેલ બેંક ઓફ બરોડા શાખામાં ચીફ મેનેજર તરીકે ફરજ બજાવું છું. તેમજ હાલ બેંકના જોઇન્ટ મેનેજર તરીકે ફરજ રવીન્દ્ર ભાસ્કર છે. અમારી શાખાની બાજુમાં બેંક ઓફ બરોડાનું ATM આવેલું છે. જેમાં ATMમાં કેશ નાખવાવાળી એજન્સી તરીકે અમારી કોર્પોરેટ ઓફિસ મુંબઇથી સેન્ટ્રલાઇઝ કોન્ટ્રક્ટ આપવામાં આવે છે અને જસદણ બેંક ઓફ બરોડા ખાતે કેશ નાખવા માટે કોન્ટ્રેક્ટ સિક્યોર વેલ્યુ એજન્સી પાસે કોન્ટ્રક્ટ છે.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે 15 સપ્ટેમ્બરના રોજ જસદણ ખાનપર રોડ ગીતાનગર ખાતે આવેલ બેંક ઓફ બરોડાની બાજુમાં અમારું બેંક ઓફ બરોડાનુ ATM આવેલું છે. ત્યારે સાંજના 6 વાગ્યે રાજકોટ ખાતેથી કોડીયલ રવીન્દ્ર ગોસ્વામી તથા જયપુરી ગોસ્વામી બન્ને ફરિયાદ અંગે આવ્યા હતા અને વાત કરી કે તેઓ એ ATM મશીન ખોલેલ હતું. ત્યારે મશીનમાં જેટલા પૈસા હોવા જોઇએ તેટલા પૈસા ન હતા. તેથી તેઓએ સીસીટીવી કેમેરા ચેક કર્યા હતા.

ફરિયાદના આધારે જાણવા મળ્યું છે કે 6 સપ્ટેમ્બરના રોજ ATMમાં બેલેન્સ રૂ.27,500 હતુ અને અમે રૂ.25 લાખ નાખ્યા હતા. ATMમાં કુલ રૂ.25.27 લાખ બેલેન્સ હતું અને જેમાં કસ્ટમરે ATM મારફતે રૂ.7,94,000 ઉપડ્યા હતા અને તેમાં હાલ સિસ્ટમના હિસાબે ATMમાં રૂ.17,33,500 હોવા જોઈએ. પણ તેમાં રૂ.500 જ છે અને હાલ જેટલા હોવા જોઇએ તેટલા પૈસા નથી. તેથી કસ્ટોડિયલના માણસોએ અને શાખા મેનેજરોએ કેમેરા ચેક કર્યા હતા. કેમેરામાં ગત 6 સપ્ટેમ્બરના રાત્રિના કોઇ અજાણ્યો શખ્સ ATMમાં આવીને ચાવી વડે ખોલીને તેમાં પાસવર્ડ નાખીને પૈસા કાઢી ગયાનું કેમેરામાં રેકોર્ડિંગ થઇ ગયું હતું. રેકોર્ડિંગના આધારે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી.

Most Popular

To Top