તંત્રીશ્રી, છેલ્લા 15/20 દિવસથી રશિયા અને યુક્રેન વચ્ચે તનાવ અને યુદ્ધનો માહોલ હતો. રશિયાએ યુક્રેન પર હુમલો કરતા યુદ્ધ શરૂ થઈ ગયું છે. આજ દિવસની જોવા-સમજવા જેવી વાત એ છે કે યુદ્ધ શરૂ થઈ ગયું હોવાના સમાચાર આવ્યા તે પહેલાં 24મીએ સવારે 10 વાગે સિંગતેલ ડબ્બાનો ભાવ પુછેલો તો દુકાનદારે મને 2400/ રૂા. કહેલા જ્યારે બપોર બાદ તેલના ડબ્બાનો ભાવ પુછતા 2500 રૂા. જણાવ્યા મેં કહ્યું સવારે તો 2400 હતા તો કહે રશિયાના યુદ્ધના કારણે ભાવ વધી ગયા! આપણે ત્યાં ખાદ્યતેલો રશિયા કે યુક્રેનથી આયાત થતા નથી. યુરોપ- અમેરિકાથીયે આવતું નથી. ખાદ્યતેલ સ્થાનીક ઉત્પાદન છે યુક્રેન ઉપર બોમ્બમારો થવાથી સૌરાષ્ટ્રના ગોદામોમાં સંદારેલા સિંગદાણા કે કપાસિયાની બોરીને કે તેલના સંઘરેલા ડબ્બાને નુકસાન થવાનું નથી તો એના ભાવો ચાર કલાકમાં વધે કઈ રીતે?
એવું જ અન્ય વસ્તુઓનું છે પેટ્રોલ-ડિઝલ કે ગેસના સોદા 6 કે 12 મહિનાની નિશ્ચિત (નક્કી કરેલ) કીંમતે થાય છે. અને ભારત સરકાર હેઠળની કંપનીઓ પાસે 120 દિવસ ચાલે એટલું સ્ટોરેજ હોય છે. આપણને PNG કે CNG ભારતના જ હજીરામાંથી કે બોમ્બેહાઈના કુવાઓમાંથી સપ્લાય થાય છે. જેના તત્કાલ ભાવવધારાનું કોઈ કારણ દેખાતું નથી. આપણા તેલકુવા કે ગેસ ફીલ્ડ સલામત છે ત્યારે ભાવ વધારા માટે હાલ કોઈ કારણ દેખાતું નથી આતો કંપનીઓ ઉપર અને વેપારીઓ ઉપર સરકારના ચાર હાથ છે એટલે ધોળે દહાડે પ્રજા લૂંટાઈ રહી છે. જોવા પુછવાવાળુ કોઈ નથી સરકાર તાયફાઓ કરવામાં વ્યસ્ત છે.
સુરત- જીતેન્દ્ર પાનવાલા – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.