પલસાણા: પલસાણાના (Palsana) બલેશ્વર નજીક એક કન્ટેનર સાથે કાર (Car) ભટકાતાં કારમાં સવાર બે યુવક ભડથું થઈ ગયા હતા. કન્ટેનર અને કાર બંને સળગી જતાં ભંગાર થઈ ગયાં હતાં. મધ રાત્રે બનેલી આ દુર્ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમે સ્થળ પર પહોંચી આગ પર કાબૂ મેળવ્યા બાદ બંને યુવકોની લાશ (Deadbody) બહાર કાઢી હતી. મૃતકો પૈકી એક ચલથાણ અને એક કામરેજના હલધરુનો હોવાની વિગતો સામે આવી છે. રાત્રિના સવા બે વાગ્યાની આસપાસ નેશનલ હાઇવે (National Highway) નંબર 48 પર બલેશ્વર ગામની સીમમાં નવસારી (Navsari) તરફથી આવેલું કન્ટેનર ફરી યુ-ટર્ન (U-Turn) લઈ નવસારી તરફ જવા વળતું હતું,
તે સમયે પૂરઝડપે આવેલી કાર કન્ટેનરની ડીઝલ ટેન્ક સાથે ધડાકાભેર અથડાઈ હતી. જેથી જોરદાર ધડાકા સાથે આગ ફાટી નીકળતાં કાર અને કન્ટેનરમાં આગ લાગી હતી. કારમાં બેઠેલા બે મિત્રોના કારમાં જ સળગી જવાથી મોત થતાં હાઇવે પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. બંને મિત્ર સોમવારે રાત્રે 9 વાગ્યે જમવા માટે બહાર ગયા હતા. મધરાત બાદ પરત ફરતી વખતે બલેશ્વર પાસે સર્જાયેલા આ અકસ્માતનો તેઓ ભોગ બન્યા હતા. પોલીસે સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી બંનેની લાશનું પોસ્ટમોર્ટમ કરવાની તજવીજ હાથ ધરી છે. અકસ્માત અંગે મૃતક સોનુકુમારના મોટાભાઈ મુન્નાકુમાર સરોજ સિંગે પલસાણા પોલીસમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે કન્ટેનરચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
કારની નંબર પ્લેટ પરથી મૃત્યુ પામનાર બંને યુવકની ઓળખ થઈ
ઘટનાની જાણ થતાં જ બારડોલી અને કામરેજથી ફાયરની ટીમ સ્થળ પર પહોંચી હતી. કારની નંબર પ્લેટ પરથી મૃતકની ઓળખ થઈ હતી. નંબર પ્લેટના આધારે મળેલા સરનામા પર સંપર્ક કરતાં કાર સોનુકુમારના નામે રજિસ્ટર થયેલી હોવાનું જાણવા મળ્યું હતું. પરિવારજનોનો સંપર્ક કરતાં તેઓ સ્થળ પર આવી ચાલક ચલથાણ ગામે આવેલી જલારામ સોસાયટીમાં રહેતો સોનુકુમાર સરોજસિંગ (ઉં.વ.22) હોવાનું અને તેની બાજુમાં તેનો મિત્ર સતીશ ઉર્ફે સતીયો બાબુભાઇ નાયક (ઉં.વ.22) હોવાની ઓળખ થઈ હતી.
પોલીસ અને પરિવારજનોએ બંને યુવકનાં અવશેષો શોધી થેલામાં ભર્યાં
ચલથાણ અને હલધરું ગામના બંને યુવાનોને નડેલા અકસ્માત બાદ સળગીને ભડથું થઇ ગયા બાદ પોલીસ બંનેનાં કંકાલ એક કોથળામાં લાવી હતી. ત્યાર બાદ બંને મિત્રોના પરિવારજનોએ પણ બળી ગયેલી કારમાંથી હાડકાં શોધી તેને પણ એક થેલામાં ભરી અંતિમક્રિયા કરી હતી.