સુરત: (Surat) સુરતમાં મેટ્રો પ્રોજેક્ટના (Metro Project) કારણે ઠેર ઠેર બેરિકેટના કારણે શહેરીજનો ટ્રાફિક (Traffic) સમસ્યાનો સામનો કરી રહ્યા છે. ત્યારે હવે અતિ ગીચતા ધરાવતા અને જ્યાંથી રોજ હજારો વાહનો પસાર થાય છે તેવા પારાવાર ટ્રાફિક સમસ્યા ધરાવતા રિંગ રોડ (Ring Road) વિસ્તારના ફ્લાય ઓવરબ્રિજનું (Fly over bridge) રિપેરિંગ (Reparing ) કરવા કરવાનું હોવાથી આ બ્રિજનો ઉપયોગ પણ બંધ કરવો પડે તેવી સ્થિતિ છે.
- મેટ્રોના કામના કારણે ઠેર ઠેર ટ્રાફિક સમસ્યા બાદ હવે ભારે ટ્રાફિક ધરાવતા અને અત્યંત જરૂરી એવા રિંગ રોડ ફ્લાય ઓવરબ્રિજને ચાર માસ બંધ રખાય તો હાલાકી વધવાની આશંકા
આ બ્રિજ 3 કે 4 મહિના માટે બંધ કરાશે તેવી ચર્ચા વચ્ચે ઊઠતાં આ વિસ્તારના લોકો અને અહીં કામ-ધંધા માટે રોજેરોજ આવતા લાખો લોકોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. ત્યારે મનપા કમિશનરે જણાવ્યું હતું કે, રિંગ રોડ ફ્લાય ઓવરબ્રિજની જરૂરિયાતને ધ્યાને રાખી આ 22 વર્ષ જૂના ઓવરબ્રિજને રિપેરિંગ કરી હજુ વરસો સુધી સલામત રીતે તેનો ઉપયોગ થાય એ રીતે દુરસ્ત કરવા આયોજન કરાયું છે. પરંતુ ત્રણ ચાર માસ સુધી બંધ રહે તો સમસ્યા વધી જાય તેવી શક્યતા છે, તે ધ્યાને રાખીને મનપાના અધિકારીઓને તાકીદ કરવામાં આવી છે કે આ રિપેરિંગ દોઢ માસની અંદર પૂરું થાય તેવા પ્રયત્નો કરવામાં આવે એ માટે જરૂરી આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરીને રિપેરિંગ કરવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, બ્રિજની 800 બેરિંગ બદલવાની કામગીરી હાથ ધરવામાં આવનાર છે. આથી બ્રિજ બંધ રહે તો નીચે ભારે ટ્રાફિક થવાની સંભાવના છે. જેથી બ્રિજના નીચેના રસ્તાને ક્લીયર કરવામાં આવી રહ્યો છે. મનપા દ્વારા આ કામગીરી પૂર્ણ કરવામાં આવી છે અને પોલીસ વિભાગ દ્વારા આવતીકાલે નિરીક્ષણ કરી મનપાને આ બ્રિજ બંધ કરવા માટે એન.ઓ.સી. આપવામાં આવશે અને મનપા દ્વારા એકથી બે દિવસમાં બ્રિજ બંધ કરવા માટેનો નિર્ણય લેવામાં આવશે.
ચારેબાજુ રસ્તા બંધની હાલતતમાં વધુ એક મોંકાણ : મક્કાઈ પુલ રિપેરિંગ માટે એક તરફનો બ્રિજ બંધ કરાયો
સુરત: સુરતના અડાજણ અને ચોક વિસ્તારને જોડતા મકાઈ પુલની રિપેરિંગની કામગીરીને લઈ એક તરફનો બ્રિજ ચાર દિવસ માટે બંધ કરવામાં આવ્યો છે. વિવેકાનંદ સર્કલથી અડાજણ તરફ જતાં બ્રિજનાં કેટલાંક જોઈન્ટ ઊંચાં થઇ ગયાં છે. જેના કારણે વાહનચાલકોને મુશ્કેલી પડી રહી છે. જો આ જોઈન્ટ તાત્કાલિક રિપેર કરવામાં ન આવે તો અકસ્માત થવાની શક્યતા છે. જેના કારણે મનપાએ તાકીદે રિપેરિંગની કામગીરી શરૂ કરી છે.