નવી દિલ્હી: યુક્રેન (Ukraine)અને રશિયા (Russia)વચ્ચે સતત પાંચ દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે. યુક્રેનમાં યુદ્ધના પગલે હાલત દિવસેને દિવસે ગંભીર બની રહી છે. અનેક સૈનિકો, નાગરીકો મોતને ભેટ્યા છે. તો કેટલાય લોકો ઈજાગ્રસ્ત થયા છે. યુદ્ધનાં આ માહોલ વચ્ચે યુક્રેનમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓની હાલત કફોડી બની છે. વિદ્યાર્થીઓને પરત લાવવા માટે ‘ઓપરેશન ગંગા’ શરુ કરવામાં આવ્યું છે. આ મિશન હેઠળ અત્યારસુધીમાં 4 ફ્લાઈટથી 1,147 લોકો પરત લવાયા છે. જો કે ગતરોજ યુક્રેનમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓ પર અત્યાચારની ઘટના સામે આવી હતી. રોમાનિયા અને પોલેન્ડ સરહદ પર ભારતીય વિદ્યાર્થીઓને ખૂબ જ માર મારવામાં આવ્યો છે.યુક્રેનમાં ફસાયેલા પંજાબના એક વિદ્યાર્થીએ રોમાનિયા સરહદ પર યુક્રેનની પોલીસની બર્બરતાનો એક વીડિયો અને ઓડિયો શેર કર્યો હતો.
યુક્રેન સંકટ પર પીએમ મોદી (pm modi)ની ઉચ્ચ સ્તરીય બેઠકમાં મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. ચાર મંત્રીઓને યુક્રેનના પડોશી દેશોમાં મોકલવામાં આવશે, જેઓ ભારતીય લોકો અને વિદ્યાર્થીઓને બહાર કાઢવામાં મદદ કરશે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે. જે મંત્રીઓ મોકલવામાં આવી રહ્યા છે તેમાં હરદીપ પુરી, જ્યોતિરાદિત્ય સિંધિયા, કિરેન રિજિજુ અને જનરલ વીકે સિંહનો સમાવેશ થાય છે.
હાલમાં 1147 લોકો ભારત પરત ફર્યા
મીટિંગમાં વડા પ્રધાને જણાવ્યું હતું કે,ભારતીય વિદ્યાર્થીઓ સુરક્ષિત પરત દેશમાં ફરે તેણે પ્રાધાન્ય આપવામાં આવે. બેઠકમાં પ્રધાનમંત્રીએ યુક્રેનની લડાઈવાળા વિસ્તારોમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓને સુરક્ષિત રીતે બહાર કાઢવાનો પ્રયત્ન કરવાની યોજના રજૂ કરવામાં આવી છે. સરકાર તરફથી યુક્રેનમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓનું એર લિફ્ટ કરવા માટે ઓપરેશન ગંગા ચલાવી રહ્યા છે, જે અંતર્ગત 4 ફ્લાઈટ અત્યારસુધી 1,147 લોકો ભારત પરત લાવવામાં આવી ચૂક્યા છે. રવિવારે 3 ફ્લાઈટ 928 વિદ્યાર્થીને લઈને આવ્યા છે.
દિલ્હી એરપોર્ટ પર ભાવુક દ્રશ્યો સર્જાયા
રવિવારની સવારે ત્રીજી ફ્લાઈટ દિલ્હી એરપોર્ટ પર ઉતરતાં કેટલાંક ચિંતાતુર વાલીઓ પોતાના બાળકોને જોઈ ખુશ થઈ ગયા હતાં ત્યારે એરપોર્ટ પર ભાવુક દ્રશ્યો સર્જાયા હતાં. હંગરીની રાજધાની બુડાપેસ્ટથી અહીં બાળકોના આવવા પર વાલીઓએ તેમને ફૂલ અને કાર્ડ આપ્યા હતાં અને આંખોમાં આસુ લઈ હૂંફથી ભેટયા હતા ત્યારે ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ભાવનાઓનો પૂર આવ્યો હતો. બીજી બાજુ કેટલાંક માતા પિતા એવા છે જેમના બાળકો હજી પણ રશિયન આક્રમણ હેઠળ દેશમાં ફસાયેલા છે તેમને ઉંઘ નથી આવી રહી કારણ કે તેમના બાળકો સાયરન વાગતાં જ બંકરોમાં સંતાવા મજબૂર બન્યા છે અને તેમને ભોજન પણ નથી મળી રહ્યું.