કીવ: રશિયા (Russia) દ્વારા યુક્રેન (Ukraine) પર હુમલો (Attack) કરાયાને આજે શનિવારે ત્રીજો દિવસ છે. ત્રણ દિવસથી સતત બોમ્બ (Bomb) અને મિસાઈલ હૂમલા યુક્રેનના રહેણાંક વિસ્તારો પર કરવામાં આવી રહ્યાં છે. ચારે તરફ તબાહી મચી છે. સૈનિકોના (Soldier) મૃતદેહો (Dead body) રસ્તા પર પડ્યા છે. લોકો જીવ બચાવવા માટે અંડરગ્રાઉન્ડ શેલ્ટર હોમમાં 3 દિવસથી છૂપાયા છે. ચારેતરફ મોતના તાંડવ વચ્ચે યુક્રેનમાં એક બાળકીનો જન્મ (Baby Born) થયો છે, જેની તસવીરોએ સોશિયલ મીડિયામાં ખૂબ પ્રસંશા મેળવી છે.
યુક્રેનની રાજધાની કીવમાં 23 વર્ષીય મહિલાએ મેટ્રોના અંડરગ્રાઉન્ડ સ્ટેશનમાં બનાવાયેલા શેલ્ટર હોમમાં એક બાળકીને જન્મ આપ્યો છે. આ બાળકીનું નામ મિયા રાખવામાં આવ્યું છે. મહિલા અને બાળક બંને સ્વસ્થ છે. આ મહિલાની ડિલીવરી બાદ નવજાત બાળકી સાથે તેની તસવીર સોશિયલ મીડિયામાં મુકવામાં આવી છે, જેને લોકોએ આવકારી છે. લોકોનું કહેવું છે કે ઓછી સુવિધા વચ્ચે આ બાળકીનો જન્મ થયો છે. તે એક ચમત્કાર છે. માતાએ કહ્યું, તે મારા માટે ખૂબ જ મુશ્કેલ સમય હતો. યુદ્ધના લીધે હું ખૂબ તણાવમાં હતી ત્યારે મિયાનો જન્મ થયો છે.
તમને જણાવી દઈએ કે હાલમાં યુક્રેનની સ્થિતિ ખૂબ જ ખરાબ છે. ત્યાંથી જે તસવીરો બહાર આવી રહી છે તે હચમચાવી મુકનારી છે. યુક્રેનના ડોનેત્સકમાં સૈન્ય હુમલામાં સ્થાનિક મહિલાનું મોત થયું હતું. તેનો મૃતદેહ તેના ઘરની બહાર જ પડેલો મળી આવ્યો હતો. કોઈએ તેનો ચહેરો જેકેટથી ઢાંકી દીધો હતો. એવું કહેવાય છે કે ઠેરઠેર રશિયન સૈનિકોના મૃતદેહ રસ્તા પર પડ્યા છે. તેઓના મૃતદેહ પર બરફની ચાદર લપેટાઈ ગઈ છે. બે દિવસ સુધી તેઓની દફનવિધિ પણ થઈ શકી નથી. ઠેરઠેર રસ્તા પર પડેલાં મૃતદેહની માહિતી સ્થાનિક લોકો તંત્રને આપે છે.
બીજી તરફ કીવના રેલવે સ્ટેશન લોકોની જનમેદનીથી ઉભરાઈ ગયા છે. મોટી સંખ્યામાં 48 કલાકથી લોકો રેલવે સ્ટેશન પર ઉભા છે. દરેક વ્યક્તિ દેશ છોડી સુરક્ષિત જગ્યાએ પહોંચવાની ઉતાવળ કરી રહ્યાં છે.
આ અગાઉ શુક્રવાની રાત્રે યુક્રેનની રાજધાની કિવની ઉત્તરે આવેલા ઓબોલોન્સ્કી જિલ્લામાં ગોળીબાર અને વિસ્ફોટો થયા હતા. બોમ્બ વિસ્ફોટોના અવાજથી ગભરાઈ નાગરિકો પોતાનો જીવ બચાવવા રસ્તા પર દોડી ગયા હતા. કિવ અને ખાર્કિવના વિસ્તારના યુક્રેનિયનો ટ્રેનમાં ચઢવા માટે સંઘર્ષ કરતા દેખાયા હતા. લોકો પોતાનો જીવ બચાવવા પોલેન્ડ બોર્ડર પર સતત ભેગા થઈ રહ્યા છે.