નડિયાદ: કપડવંજ તાલુકાના ચપટીયા ગામની સીમમાં રોંગસાઈડે પુરપાટ ઝડપે પસાર થઈ રહેલી ટ્રક માર્ગ પર સામેથી આવતાં કન્ટેઈનર સાથે અથડાતાં અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં કન્ટેઈનરચાલક અને ટ્રકના ક્લિનરને સામાન્ય ઈજા પહોંચી હતી. જોકે, ગંભીર ઈજાગ્રસ્ત બનેલાં ટ્રક ચાલકનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. ઉત્તરપ્રદેશના પ્રતાપગઢ જિલ્લામાં આવેલ ગંગેહટી ગામમાં રહેતાં વિકાસ કમલેશભાઈ ગૌતમ મુંબઈની એક ટ્રાન્સપોર્ટ કંપનીમાં કંન્ટેઈનર નં એમએચ ૪૬ એએફ ૮૮૨૯ ઉપર ડ્રાઈવીંગ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. ગત તા.૨૧-૨-૨૨ ના રોજ વિકાસ ગૌતમ રાજસ્થાનના ચિત્તોડગઢથી પોતાના કન્ટેઈનર ટ્રકમાં પથ્થરનો પાઉડર ભરી મુંબઈ જવા નીકળ્યાં હતાં.
બીજે દિવસે સવારે દશેક વાગ્યાના અરસામાં વિકાસ ગૌતમ પોતાની કન્ટેઈનર ટ્રક લઈને કપડવંજ તાલુકાના ચપટીયા ગામની સીમમાંથી પસાર થઈ રહ્યાં હતાં. તે વખતે માર્ગ પર સામેથી રોંગસાઈડમાં પુરપાટ ઝડપે આવતી ટ્રક નં જીજે ૧૩ એડબલ્યું ૭૦૬૪ વિકાસ ગૌમતના કન્ટેઈનર સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં કન્ટેઈનર ચાલક વિકાસ ગૌતમને સામાન્ય ઈજા હોંચી હતી. જ્યારે અકસ્માત સર્જનાર ટ્રકના ચાલક રમેશભાઈ હીરાભાઈ ભાલીયા (ઉં.વ ૪૪) અને ક્લિનર યોગેશભાઈ રમેશભાઈ સોલંકીને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેથી તેઓને તાત્કાલિક સારવાર અર્થે વાત્રક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં સારવાર દરમિયાન ટ્રકચાલક રમેશભાઈ હીરાભાઈ ભાલીયાનું મોત નિપજ્યું હતું. જ્યારે સારવાર બાદ ક્લિનર યોગેશભાઈ સોલંકીની હાલત સુધારા પર હોવાનું જાણવા મળેલ છે. આ બનાવ અંગે કન્ટેઈનર ચાલક વિકાસ કમલેશભાઈ ગૌતમની ફરીયાદને આધારે કપડવંજ પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.