સુરત: નાનપુરા (Nanpura) માછીવાડ વિસ્તારમાં ભાજપ (BJP) વિરોધી બેનર (Banner) લાગતા તાત્કાલિક આ બેનરો હટાવવામાં આવ્યા હતા. બેનરો લગાવી વોર્ડના નગરસેવકો ભ્રષ્ટાચાર કરી રહ્યાનો આક્ષેપ કરાયો છે. વોર્ડ નંબર 21 ના નગરસેવકો માત્ર નવા બાંધકામની જાણકારી રાખે છે અને તેમના માણસો તોડબાજી કરે છે તેવું લખાણ બેનરમાં લખાયું છે. એવું પણ લખાયું છે કે નાનપુરા માછીવાડ વિસ્તારમાં ‘વોટની ભીખ માંગવા આવવું નહીં, આ વિસ્તારમાં વિકાસ ઝીરો છે અને ગાંડો થયો છે’. કોટ વિસ્તારમાં વિકાસના નામે ખુલ્લી લૂંટ થઈ રહી છે તેવું પણ લખાયું છે. ભાજપના ગઢ એવા વિસ્તારમાં આ પ્રકારના બેનરો લાગતાં રાજકીય માહોલ ગરમાયો છે. અગાઉ સેન્ટ્રલ ઝોનમાં ગોપીપુરા વિસ્તારમાં ભાજપ વિરોધી બેનરો લાગ્યા હતા. કોટ વિસ્તારમાં છેલ્લા કેટલાક વખતથી આમ આદમી પાર્ટીના કેટલાક લોકો ઉભા થઇ રહ્યા છે. બેનરો લગાવનારા લોકો ભાજપથી નારાજ થયેલા કાર્યકરો અને સમર્થકો હોવાની ચર્ચાએ પણ જોર પકડ્યું છે.
રાજકોટમાં ભાજપના 500 કરોડના જમીન કૌભાંડમાં સીબીઆઈ તપાસની કોંગ્રેસની માંગણી
ગાંધીનગર: રાજ્યની પૂર્વ રૂપાણી સરકારના શાસનમાં રાજકોટમાં આણંદપુર (નવા ગામ) તથા માલીયાસણ ગામની 5 લાખ વાર (111-06 એકર) જમીન ઉત્તર પ્રદેશના સહારા ગ્રુપ દ્વ્રારા ટાઉનશીપ બાંધવા માટે લીધી હતી. જો કે તે જમીન પર ટાઉનશીપના નામે ઉઘરાણું કરીને રાતોરાત આ જમીનનો હેતુફેર કરીને તેને ઈન્ડસ્ટ્રિયલ ઝોનમાં ફેરવી નાંખીને તેનું પણ પ્લોટિંગ કરીને વેચી મારી છે. આ સમગ્ર ઝોન ફેરવવામાં સરકારને કરોડો રૂપિયાનું હેતુફેરનું પ્રિમિયમ ગુમાવવું પડ્યું છે. આ 500 કરોડના જમીન કૌભાંડના તાર તત્કાલીન સીએમની ઓફિસ સાથે જોડાયેલા હોવાથી તેની તપાસ સીબીઆઈને સોંપવી જોઈએ, એટલું જ નહીં દોષિતોની ધરપકડ કરી લેવી જોઈએ.