ગીર સોમનાથ: ગાંધીના ગુજરાતમાં (Gujarat) દારુબંધી (alcohol) માત્ર નામનું જ છે. કારણ કે ગુજરાતમાં ઠેર ઠેર દારૂના અડ્ડા અને મહેફિલો જામતી હોય તેવું જોવા મળતું હોય છે. આવો જ એક કિસ્સો ગીર સોમનાથમાંથી (Gir Somnath) સામે આવ્યો છે. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે લગ્નપ્રસંગમાં લોકો દારૂ પાર્ટી કરી રહ્યા છે. આ વાયરલ વીડિયોમાં કેટલાક લોકો હાથમાં દારૂની બોટલ લઇને નાચતા જોવા મળી રહ્યાં છે.
- દારૂબંધીવાળા ગુજરાતમાં જાહેરમાં દારૂની મહેફિલો થઈ
- ગીર સોમનાથના ઉના તાલુકામાં લગ્ન પ્રસંગે દારૂની છોળો ઉડી
- શંકાના આધારે બે શખ્સની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરવામાં આવી
દારૂબંધીવાળા ગુજરાતમાં દારૂબંધીના અમલના ધજાગરાં ઉડતા હોય તેવા અનેક કિસ્સા સામે આવે છે. કાયદાને નેવે મુકીને લોકો દારૂની મહેફિલો માણતા હોય તેવું પણ જોવા મળે છે. રાજ્યમાંથી રોજ પોલીસ દ્વારા લાખોનો દારૂ ઝડપાય છે. આવો જ વધુ એક કિસ્સો સામે આવ્યો છે. ગીર સોમનાથના એક લગ્ન પ્રંસગમાં કેટલાક નબીરાઓ દારૂની બોટલ હાથમાં લઈને નાચતા દેખાઈ રહ્યા છે. જાણે તેઓ દારૂબંધીવાળા ગુજરાતમાં નહી પણ ગોવામાં પાર્ટી કરી રહ્યા છે તેવો વીડિયો વાયરલ થયો છે.
કાયદાનો કોઈને ડર જ નથી
વાયરલ વીડિયોમાં જોવા મળે છે કે, કેટલાક યુવાનો દારૂને અત્તર સમજીને એકબીજા પર દારૂ છાંટી રહ્યા છે વળી પાછા દારૂની બોટલ વચ્ચે મુકીને ટોળે વળી ગુજરાતી ગીત પર ડાન્સ કરી રહ્યા છે. જાણે કે તેઓ ગોવામાં પાર્ટી કરી રહ્યા હોય. તેઓ એકબીજા પર દારૂની છોળો ઉડાડી રહ્યા છે. વાયરલ વીડિયો જાઈને લાગી રહ્યું છે કે આ શખ્સોને કાયદાનો કોઇ ડર જ નથી. જાહેરમાં દારૂ પાર્ટી કરનાર સામે કડક પગલાં લેવા જોઈએ તેવી લોગલાગણી ઉઠી છે.
પોલીસે શંકાના આધારે બે ઈસમને ઝડપી પાડ્યા
વીડ્યો વાયરલ થતા પોલીસ એક્શનમાં આવી હતી. વીડિયો અંગે એએસપી ઓમપ્રકાશ જાટે જણાવ્યુ હતું કે, ઉના તાલુકાના કાલાપણ ગામનો વીડિયો હોવાનું જાણવા મળ્યુ છે. જેમાં વીડિયોના આધારે વિજય કાંતિભાઈ સોલંકી અને રાણા દિલીપ સોલંકી નામના બે શખ્સોની શંકમદ તરીકે અટકાયત કરી પૂછપરછ હાથ ધરી છે. વીડિયોમાં જોવા મળતા દ્રશ્યોમાં દારૂ છે કે શું તે અંગે પણ તપાસ હાથ ધરી છે. જો દારૂ હશે તો પોલીસ દ્વારા મહેફીલ અને પજેશનનો કેસ દાખલ કરી યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.