રાજપીપળા: ડર કે આગે જીત હૈ.. નાંદોદના 80 વર્ષના વૃદ્ધે આ ટેગ લાઈનને સાચી સાબિત કરીને બતાવી છે. બન્યું એવું કે નાંદોદ તાલુકના જિયોરપાટી ગામના 80 વર્ષના વૃદ્ધ પર એક દીપડાએ હુમલો કર્યો હતો. સાક્ષાત મોત સામે જોઈને જવાન માણસ હિંમત હારી જાય પરંતુ આ 80 વર્ષના વૃદ્ધે ગજબની હિંમત બતાવી હતી. વૃદ્ધે દીપડા ને સરેન્ડર થઈ જવાના બદલે તેનો સામનો કરવાનું નક્કી કર્યું અને જાણે 80 વર્ષની વયના કમજોર શરીરમાં યુવાનો જેવી તાકાત આવી ગઈ હતી અને હિંમતભેર દીપડાનો સામનો કરી તેને ભગાવી મૂક્યો હતો. આ ઘટનાની જાણ ગ્રામજનો થતાં તેઓ ગભરાઈ ગયા હતા અને વનવિભાગને આ અંગે વાકેફ કરતા અધિકારીઓ દોડતા થયા હતા.
- નાંદોદના જિયોરપાટી ગામે રહેતા 80 વર્ષીય વૃદ્ધ ખેતરે જઈ રહ્યાં હતાં ત્યારે દીપડાએ હુમલો કર્યો
- વૃદ્ધના હાથમાં કુહાડી હોઈ તેઓએ હિંમતભેર દીપડાનો સામનો કર્યો અને તેને ભગાવી મુક્યો
- વનવિભાગે ગામમાં દીપડાને પકડવાનું પાંજરું મુક્યું
મંગળવારે સવારે 9 વાગ્યાના આસપાસ જિયોરપાટી ગામના 80 વર્ષીય વૃદ્ધ (Old Man) હાથમાં કુહાડી લઈ પોતાના ખેતરે (Farm) જઈ રહ્યા હતા. દરમિયાન અચાનક માનવભક્ષી આદમખોર દીપડાને (Leopard) એમની પર અચાનક હુમલો કર્યો હતો. જો કે, વૃદ્ધ જરાક પણ ગભરાયા વિના કુહાડી (Ax) વડે દીપડાનો સામનો કર્યો હતો. અંતે વૃદ્ધ દીપડાને ભગાડવામાં સફળ થયા હતા.
દીપડાના હુમલાથી ગંભીર ઘાયલ હાલતમાં સરપંચ દક્ષેશ નાવિક સહિત ગ્રામજનો વૃદ્ધને સારવાર અર્થે રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં લઈ આવતાં એમની સારવાર ચાલુ કરી હતી. જો કે, રાજપીપળા રેન્જ ફોરેસ્ટર જિગ્નેશ સોનીએ તાત્કાલિક જીઓરપાટી ગામે આવી સ્થળ નિરીક્ષણ કર્યું હતું તેમજ ફોરેસ્ટ વિભાગની અન્ય ટીમે સરકારી હોસ્પિટલમાં દાખલ આધેડની મુલાકાત લઈ બનાવની ગંભીરતા જોઈ વહેલી તકે પાંજરું મૂકી માનવભક્ષી દીપડાને પકડવાની તજવીજ હાથ ધરી હતી.
ઝઘડિયાના વણાકપોર-જરસાડ માર્ગ પર દીપડો ફરતો દેખાતાં વિડીયો વાયરલ
ઝઘડિયા: ઝઘડિયાના વણાંકપોરથી જરસાડ ગામ વચ્ચે રોડ પર મધરાત્રે દીપડો જાહેરમાં લટાર મારી રહ્યો છે. દીપડો ફરતો હોવાથી તેનો વિડીયો ક્લીપ વાયરલ થઈ હતી. દીપડો મધરાત્રે ફરતો હોવાથી આ વિસ્તારના ગ્રામજનોમાં ભયનો માહોલ ઊભો થયો છે. દીપડો દેખાતાં ખેડૂતો અને ખેતમજૂરો માટે ચિંતાનો વિષય બની ગયો છે.મૂળ તો ઝઘડિયા પંથકમાં દીપડાઓ કુલ સંખ્યા ૧૮થી ૨૦ જેટલા હોવાનું અનુમાન છે.