સૂરતમાં આપના 27 પૈકી 5 કોર્પોરેટરો ભાજપામાં જોડાયા અને બીજા જોડાય તેવી વકી છે! સૂરત મ્યુ.કોર્પોરેશનમાં આ સત્તાવીસ કોર્પોરેટરોને કોઇ સાંભળતું નહોતું અને બહુમતિના જોરે તેમને બેસાડી દેવાતા હતા. પણ તેમ છતાં તેઓ શાસકોને દરેક સભામાં અધ્ધર શ્વાસે રાખતા એટલે આ સત્તાવીસમાં તડ પાડવી જરૂરી હતી અને એ તડ પડાઇ! ખેર જે હોય તે પણ આપના આ નેતાઓને મ્યુ. કોર્પોરેશનની ચૂંટણીમાં જનતાએ જે તે વિસ્તારોમાંથી પ્રચંડ બહુમતિએ જીતાડયા,તેમનાં કામ અને નામ જોઇને અને આજે તે પૈકીના પાંચ વિશ્વાસઘાત કરી પાટલી બદલી! ત્યારે જનતા સાથે થયેલો આ દ્રોહ જનતા ભૂલશે? જો કે જયારે જયારે ચૂંટણીઓ આવે છે ત્યારે ત્યારે પાટલીબદલુઓની મોસમ શરૂ થાય છે એ જાહેર છે, પરંતુ હવે જનતાએ જાગૃત થવાની જરૂર છે. નેતાઓ કામ કરશે એવો વિશ્વાસ રાખી મતો આપ્યા પછી નેતાઓ નાણાંનું અને ખુરશીનું પ્રલોભન મળતાં પાટલી બદલવાના હોય તો તમારા કિંમતી મત (વોટ)ની કિંમત શૂન્ય થઇ જાય છે! એટલે હવે પછી આવનાર ચૂંટણીઓમાં મતદારોને ગજવે ઘાલીને ફરનાર આ વિશ્વાસઘાતી ઉમેદવારો બીજા પક્ષમાંથી ઊભા રહે તો તેમને મતો ના આપી પાઠ ભણાવી, એક જાગૃત નાગરિક તરીકેની ફરજ અદા કરવી, દરેક માટે જરૂરી બને છે!
સુરત – ભાર્ગવ પંડયા -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.