મતદાતાને રિઝવવા આપેલ લહાણીઓ શું લાંચ ન કહેવાય? કેટલીક વખતે તો ઠાલાં વચનો જ હોય છે જે તદ્દન અશકય હોય છે. આકાશ કુસુમવત્ હોય છે એ પૈસા જો પ્રજાના કરવેરામાંથી ખર્ચાતા હોય તો પ્રજાને એનો હિસાબ આપવો જોઇએ કે નહીં? કેટલાક પક્ષો બધું મફત પાણી, વીજળી, અનાજ, દવા, વગેરેની જાહેરાત કરી દે છે. તો શું એ વસ્તુના ઉત્પાદનનો ખર્ચ લાગશે કે નહીં? પ્રજાના પૈસે ઉમેદવાર પોતે યશ મેળવતા હોય તો એ પ્રજાને લલચામણી જાહેરાત કરી છેતરેલી કહેવાય કે નહીં? દરેક પક્ષો સત્તા પર આવ્યા પછી પ્રજા પર સીધા વેરા અને અન્ય સુવિધા પણ મબલખ મેળવે છે. સરકારી ગ્રાન્ટમાંથી બાંકડા કે અન્ય સુવિધા થાય અને એના પર વિધાનસભ્ય કે સંસદસભ્યનાં નામ લખાય છે. લોકશાહીમાં છેવટની સત્તા પ્રજા પાસે છે પણ તે બોલી શકે નહીં, અવાજ ઉથાપી શકે નહીં તો એનો કોઇ અર્થ નથી. પ્રજાના પૈસા ગમે ત્યાં બેફામ ખર્ચાવા ન જોઇએ. હજી ગામડાંની હાલત ખરાબ છે. શિક્ષણ, આરોગ્ય અંગે ગામડામાં હજી પૂરતી સુવિધા નથી. મધ્યમ વર્ગ કચડાઇ રહ્યો છે. પ્રજાને રોજી આપો, કંઇ પણ મફત નહીં. તો જ સર્વજન સ્વનિર્ભર બનશે.
નવસારી – મહેશ નાયક -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.