Business

90 વર્ષથી સુરતીઓને પગરખાં પહેરાવી પગ સલામત રાખતો આમરીવાલા પરિવાર

પગને જો કોઈથી સુરક્ષા મળતી હોય તો તે ચંપલ છે. ચંપલનો બહુધા ઉપયોગ છે. ચંપલ પગમાં પહેરવાથી માંડીને કોઈને મારવામાં પણ ઉપયોગ થાય છે. આ મજાકની વાત છે પરંતુ જો પગ ફાટી જાય પણ ચંપલ નહીં ફાટે તેવું કોઈ હોય તો તે છે આમરીવાલા. આશરે 90 વર્ષથી સુરતના લોકોને ચંપલ પહેરાવતા આમરીવાલાની પેઢીની શાખ આજે પણ બરકરાર છે. આ વખતે પેઢીનામાં સુરતમાં રાજમાર્ગ પરના આમરીવાલા ચંપલની ચાર પેઢીની વાતો જાણીશું.

1930માં દાદા અંબારામ કાનજી આમરીવાલાએ રાજમાર્ગ પર ચંપલની દુકાન શરૂ કરી હતી
‘સને 1930માં મારા દાદા અંબારામ કાનજીભાઈ આમરીવાલાએ મહિધરપુરા તાર ઓફિસ ખાતે આમરીવાલાના નામે ચંપલ વેચવાની દુકાન શરૂ કરી હતી’. હાલમાં દુકાન સંભાળતા ધર્મેન્દ્રભાઈએ પેઢીનો ઇતિહાસ વાગોળતાં વધુમાં કહ્યું હતું કે, આમ તો મારા દાદા 1945માં ખૂબ ઓછી ઉંમરમાં મૃત્યુ પામ્યા હતા. પણ દુકાનની બાગડોર બાદમાં તેમના પુત્રો જગજીનવભાઇ આમરીવાલા અને ભૂખણદાસ આમરીવાલાએ સંભાળી લીધી હતી. જગજીનભાઇ દસ ભણેલા અને મારા પિતાજી ભૂખણભાઇ માત્ર આઠ ચોપડી ભણેલા હતા. બંને ભાઇઓએ દુકાન ખૂબ જ સારી રીતે ચલાવી હતી. બાદમાં 1984માં મારા દાદાના મોટા દિકરા જીગજીવનભાઇ મૃત્યુ પામ્યા અને તેમના બાદ ધંધો મારા પિતાજી ભૂખણભાઇ આમરીવાલાએ ચલાવ્યો. 1994માં બંને ભાઇઓ છુટા પડયા હતા. મોટાભાઇ ભુખણભાઇના પુત્ર નિતીનભાઇએ આમરીવાલાના નામથી કુંવરસીંગની શેરીમાં નવી દુકાન શરૂ કરી. ભાઇઓ છુટા પડયા બાદ તાર ઓફિસ ખાતે 1994માં ધંધાની તમામ જવાદારી અમે સાચવી લીધી હતી. આમ તો નાના હતા ત્યારે પણ પિતાજીને મદદ કરવા જતા હતા.

વંશવંલો

  • અંબારામભાઇ કાનજીભાઇ આમરીવાલા
  • જગજીવનભાઇ અંબારામભાઇ આમરીવાલા
  • ભૂખણદાસ અંબારામભાઇ આમરીવાલા
  • ધમેન્દ્રભાઇ ભૂખણભાઇ આમરીવાલા
  • નીતીનભાઇ જગજીવનભાઇ આમરીવાલા
  • જગદીશભાઈ જગજીવનભાઇ આમરીવાલા
  • શ્રેયસભાઇ ધમેન્દ્રભાઇ આમરીવાલા

જ્યારે દુકાન શરૂ કરી ત્યારે ચંપલની કિંમત માત્ર 50 કે 75 આના જ હતી
જ્યારે મારા દાદાએ ચંપલની દુકાન શરૂ કરી ત્યારે ચંપલની કિંમત માત્ર 50 આના કે 75 આના જ હતી. હાલમાં ચંપલનો ભાવ વધીને 750થી 1800 રૂપિયા સુધીનો થઈ ગયો છે. તેમના સમયમાં માત્ર બે જ જાતની ચંપલ બનતી હતી, તે પણ હાથથી અને જાતે જ બનાવતા હતા. હાલમાં પણ અમારા વડવાઓની આ પરંપરા અમે જીવંત રાખી છે. આજના આધુનિક જમાના પણ અમે હાથથી ચંપલ બનાવીએ છીએ.

મહારાષ્ટ્ર અને ગુજરાતના ગ્રાહકો વધારે, માજી મંત્રી ચોખાવાલાથી માંડીને માજી મેયર ફકીર ચૌહાણ અમારા ગ્રાહક છે: શ્રેયસ આમરીવાલા
એમબીએનો અભ્યાસ કરી ચૂકેલા શ્રેયસ આમરીવાલાએ વાતચીત દરમ્યાન જણાવ્યું હતું કે, મારા વડવાઓના ધંધામાં છેલ્લા બે વર્ષથી જ જોડાયો છું. આ ધંધો જે પરંપરા ચાલે છે તે પ્રમાણે હું આગળ વધારીશ. હાલમાં લોકોનો ચંપલ બાબતે થોડો ટેસ્ટ બદલાયો છે. આજકાલ ઓનલાઇનનું ચલણ ખૂબ વધ્યું છે. જેની અસર અમારા ધંધા પર પણ પડી છે. જેથી અમે પણ ઓનલાઇન અને વેબસાઈટ પર બિઝનેસ પણ શરૂ કર્યો છે. હજી ધંધાને વિકસાવવાનો છે. થોડા સમયમાં અન્ય વિસ્તારોમાં પણ દુકાન શરૂ કરવામાં આવશે. આ ઉપરાંત અન્યને ફેન્ચાઇઝી પણ આપવાની વિચારણા છે. અમારી ચંપલના ગ્રાહકો મહારાષ્ટ્ર અને ગુજરાતના વધારે છે. આ ઉપરાંત વિદેશી ગ્રાહકો પણ છે. અમારી ચંપલની ડિમાન્ડ પહેલા સમય ખૂબ જ હતી એટલે શહેરની નામાંકિત વ્યકિત પણ ચંપલ અમારી દુકાનેથી જ ખરીદ કરતા હતા. જેમાં ગુજરાતના શિક્ષણ મંત્રી ગોરધનદાસ ચોખાવાલા, માજી મેયર ફકીરભાઇ ચૌહાણ, સ્નેહલત્તાબેન સહિતના નામી વ્યકિતનો સમાવેશ થાય છે.

આમરીવાલાના ચંપલની ખાસિયત શું છે?
ધમેન્દ્રભાઇએ જણાવ્યું કે, મારી આમરીવાલા ચંપલની ખાસયિત એ છે કે ભૂતકાળમાં ઓરિજિનલ ચામડામાંથી ચંપલ બનાવવામાં આવતી હતી. આ પરંપરા આજે પણ સાચવી રાખી છે. માર્કેટમાં રબ્બરના સોલ ચંપલ હાલમાં મળે છે. જોકે, અમે આજે પણ ચામડાનો ઉપયોગ કરીએ છીએ. આજની પેઢીને નવી ફેશનની ડિઝાઇન ગમે છે. તેથી અમે તેવી ડિઝાઈન પ્રમાણે ચંપલ બનાવીએ છે. પહેલાના સમયમાં માત્ર અને માત્ર બે ડિઝાઇનમાં જ ચંપલ બનતી હતી. હાલમાં 300 ડિઝાઇનમાં ચંપલ બનાવીએ છીએ. આ ઉપરાંત જુના જમાનાના લોકોને જૂની ચંપલ ગમે છે તે 1980ની સાલમાં ચાલતી ચંપલ આજે પણ બનાવીએ છીએ. આ રીતે જૂના અને નવા બંને પ્રકારના ગ્રાહકોને અમે સાચવીએ છીએ. અમારી દુકાનમાં બીજી ઉંચી કંપનીના ચંપલની કિંમતની સરખામણીમાં ઓછી કિંમતમાં ચંપલ વેચીએ છીએ. ગ્રાહકને ઓરિજિનલ ટકાવ અને વ્યાજબી ભાવે ચંપલ આપવાનો અમારો ઉદેશ છે. હાલમાં બજારમાં જે લેધરના નામે ચંપલ વેચાય છે તે ઓરિજિનલ ચામડાની હોતી નથી. અમે હાલમાં ચંપલ બનાવવા માટે ચામડું બેગ્લોર, ચેન્નાઇ, કાનપુરથી મંગાવીએ છીએ.

ચંપલની ત્રણ વર્ષની આમરીવાલા જેવી ગેરંટી કોઈ બીજી કંપની આપતી નથી: ગ્રાહક નરેશભાઈ સોની
71 વર્ષીય નરેશભાઇ સોનીએ વાતચીત દરમ્યાન જણાવ્યું હતું કે, હું છેલ્લા પચાસ વર્ષથી આમરીવાલાની ચંપલ જ ખરીદું છું. મને અહીંયાની ચંપલ ફાવે છે અને મારા પરિવારના તમામ સભ્યો આમરીવાલાની જ ચંપલ પહેરે છે. અહીંયાથી ખરીદ કરેલી ચંપલની ત્રણ વર્ષની ગેરંટી આપવામાં આવે છે. જે કોઇ બીજી કંપનીના માલિકો આપતા નથી. ચંપલ ઘસાઇ જાય છે ત્યાં સુધી તૂટતી નથી. ચંપલ ટકાવ અને અન્ય ચંપલ કરતા ઓછી કિંમતમાં મળે છે.

Most Popular

To Top