એક દિવસ ગુરુજીએ ચાલુ પ્રવચનમાં અચાનક પ્રશ્ન પૂછ્યો, ‘શિષ્યો મને જવાબ આપો કે તમે તમારા જીવનમાં સૌથી વધારે કોને જવાબ આપવા.તમે શું કરો છો શું કામ કરો છો તે સમજાવવા …તમારાથી કોઈ ભૂલ થઇ જાય તેનો સ્વીકાર કરવા….કે જીવનમાં કોઈ પણ કાર્ય કરવા પરવાનગી લેવા માટે કોને સૌથી વધારે જવાબદાર ગણાવ.જીવનમાં જયારે જયારે જરૂર પડે ત્યારે ત્યારે તમારે આ બધા જ જવાબ કોને આપવા પડશે?’
શિષ્યો વિચારમાં પડી ગયા અને બહુ વિચારીને એક પછી એક જવાબ આપવા લાગ્યા.એક શિષ્યે કહ્યું, ‘માતા પિતાને આપને બધા જવાબ આપવા બંધાયેલા છીએ.’ બીજા શિષ્યે કહ્યું, ‘ ગુરુ સર્વોપરી છે. તેમને બધા જ જવાબ આપવા મહત્ત્વનું છે.’ ત્રીજા શિષ્યે કહ્યું, ‘કુટુંબીજનો …આપણે જે કુટુંબમાં રહીએ છીએ તેમને બધું જણાવવું જોઈએ.’ ચોથા શિષ્યે કહ્યું, ‘જીવનસાથીને, જેણે આપણા પર વિશ્વાસ રાખી આપણી સાથે જીવન જોડ્યું તેને આપણે જવાબદાર છીએ.’ પાંચમાએ કહ્યું, ‘સમાજ…’ છઠ્ઠા શિષ્યે કહ્યું, ‘સરકાર …સતાધીશ.’ આમ અનેક જુદા જુદા જવાબ આવ્યા.
ગુરુજી બોલ્યા, ‘શિષ્યો, તમે બધાએ બહુ વિચારીને અનેક જુદા જુદા જવાબ આપ્યા. હું એમ નહિ કહું કે તમારા બધા જવાબ ખોટા છે.પરંતુ મને જે જવાબ જોઈએ છે તે હજી કોઈએ આપ્યો નથી.’ બધા શિષ્યો અચરજમાં પડ્યા કે લગભગ શક્ય છે તેટલા જવાબ આવી ગયા, છતાં ગુરુજી કયા જવાબની વાત કરે છે? ગુરુજીને મતે કયો જવાબ સાચો છે?થોડી વાર કોઈ કંઈ બોલ્યું નહિ. એક શિષ્યે ધીમેથી ઊભા થઇ જવાબ આપતાં કહ્યું, ‘ગુરુજી, મને લાગે છે કે આપણે બધા; જીવનના દરેક વળાંકે બધા જ જવાબ ઉપરવાળાને ..પરમાત્માને ..ખુદાને આપવા બંધાયેલા છીએ.આ જીવન આપણને ઈશ્વરે આપ્યું છે એટલે આપણે જીવનમાં નાનું કે મોટું જે કંઈ પણ કર્મ કરીએ છીએ તેનો જવાબ ઈશ્વર માંગશે જ અને તે આપવા આપણે બંધાયેલા છીએ.’
ગુરુજી બોલ્યા, ‘વત્સ, તારો જવાબ સાચો છે.દરેક મનુષ્ય પોતાના દરેક કાર્ય માટે ભગવાનને જવાબ આપવા બંધાયેલો છે અને હજી એક જવાબ બાકી છે. વિચારો …’ શિષ્યોની મૂંઝવણ વધી કે હવે કયો જવાબ બાકી હશે? કોઈ જવાબ આપી ન શક્યું. ગુરુજીએ કહ્યું, ‘એ જવાબ છે તમે પોતે …તમારું અંતરમન …તમે જે કંઈ પણ કાર્ય કરો છો તે માટે તમે તમારા અંતરાત્માને ..પોતાની જાતને જવાબ આપવા બંધાયેલા છો.યાદ રાખજો, તમારું કોઇ પણ પગલું જેને અસર કરતું હોય તેને જવાબ આપવા તમારી ફરજ છે જ.પણ તમારા જીવનના દરેક નાના મોટા કાર્ય માટે તમે સૌથી વધારે બે જણને જવાબદાર છો. એક તમારી પોતાની જાત એટલે કે ખુદને અને બીજું ઉપર બેઠેલા ઈશ્વરને ..ખુદાને …’ ગુરુજીએ જીવનનો મહત્ત્વનો પાઠ સમજાવ્યો.
-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.