છીંક આવે ત્યારે ફિલસૂફો કહે છે કે માણસ સારો કે ખરાબ હોતો નથી, એ ફક્ત હોય છે. કંઈક એવું જ છીંક અને બગાસાં જેવી ક્રિયાઓ વિશે કહી શકાય. તે પણ સારી કે ખરાબ, ઇચ્છનીય કે અનિચ્છનીય નથી હોતી. તે ફક્ત હોય છે. તેમની સકારાત્મક કે નકારાત્મક અસરોનો આધાર તે ક્રિયાઓનાં સમય, સ્થળ, પદ્ધતિ, અવાજ જેવી ઘણી બાબતો પર આધારિત હોય છે. બગાસું અને છીંક બંને સામાન્યપણે નિર્દોષ ક્રિયાઓ ગણાય છે પણ મોં અને નાકથી ફેલાતા કોરોના વાયરસે, બીજી ઘણી બાબતોની જેમ આ બંને ક્રિયાઓ સાથે સંકળાયેલી નિર્દોષતા છીનવી લીધી છે.
ગાંધીજીએ કહ્યું હતું કે ખરાબ અક્ષર એ અધૂરી કેળવણીની નિશાની છે. એવી જ રીતે, જનમાનસમાં છીંક શરદી થવાની નિશાની ગણાય છે. કોઈ આરોગ્યપ્રેમીની હાજરીમાં એકાદ સરખી છીંક આવી નથી કે તે શરૂ થઈ જશે, ‘તું એક કામ કર. રોજ સવારે વિક્સનો નાસ લે, સૂંઠની ગોળી ખા, ગરમ પાણીના કોગળા કર, હૂંફાળું પાણી પી, ચાના મસાલામાં આદુની સાથે તજ-લવિંગનો ભૂકો પણ થોડો નાખ, ગળા પર ગરમ પાણીની કોથળીથી શેક કર, બહાર નીકળવાનું થાય છાતીમાં ને માથામાં પવન ભરાય નહીં એવી રીતે બાંધી દેજે અને કાનમાં પૂમડાં નાખવાનું ભૂલતો નહીં.’ આ સલાહ એક્સપ્રેસનો છેલ્લો ડબ્બો છીંક ખાનારને સૌથી વાજબી લાગે છે. તેને થાય છે કે કાનમાં પૂમડાં નાખવાં બેશક ગુણકારી નીવડ્યાં હોત—ખાસ કરીને, છીંક ખાધા પછી તરત નાખી દીધાં હોત તો આટલી બધી સલાહો સાંભળવામાંથી મુક્તિ મળી ગઈ હોત.
એક જ રચનાને ઉસ્તાદ ગાયકો જેમ જુદા જુદા સૂરતાલમાં રજૂ કરી શકે છે તેવી જ અદાયગી-વૈવિધ્ય છીંકના મામલે જોવા મળે છે. છીંક ખાવી એ સાંસ્કૃતિક ઘટના ગણાવી જોઈએ કેમ કે તેમાં પૂર્વ અને પશ્ચિમની સંસ્કૃતિના ભેદ સ્પષ્ટ થઈ જાય છે. પ્રાચીન ભારતીય પરંપરાનો વાવટો વટભેર લહેરાતો રાખનારા લોકો છીંક ખાતી વખતે એટલો મોટો અવાજ કરે છે કે આજુબાજુ કોઈ છોકરું રડતું હોય તો તે ડઘાઈને ચૂપ થઈ જાય અને શાંત રહેલાં છોકરાં ગભરાઈને રડવાનું શરૂ કરી દે. તેમની છીંકના અવાજથી પ્રસરતા ધ્વનિતરંગો એટલા શક્તિશાળી હોવાનો ભાસ થાય છે કે આજુબાજુની બારીઓના કાચની ચિંતા થાય. ‘આ…ચ્છુ’, ‘આ…ચ્છી’, ‘છુ…’, ‘છી…’ જેવા જુદા જુદા ઉદગારો સાથે છેડાતી છીંકની બંદીશ કદરદાનોને મુગ્ધ અને બાકીનાને ક્ષુબ્ધ કરે છે. પાશ્ચાત્ય પરંપરામાંથી સૂક્ષ્મતાનો-સટલિટીનો મહિમા નવેનવો જાણી લાવનારા લોકો છીંકના પ્રચંડ અવાજ અને તેના કર્તા પ્રત્યે મોં મચકોડે છે પરંતુ આપણા સ્વાતંત્ર્ય સેનાનીઓએ આટઆટલાં બલિદાન શું એવી લોકશાહી માટે આપ્યાં હતાં, જ્યાં માણસ સુખેથી અને પૂરી આઝાદીથી છીંક પણ ન ખાઈ શકે? એવો વિચાર આઝાદીનો અમૃત મહોત્સવ ન હોય તો પણ આવવો લાજમી છે.
જૂના સમયનાં યુદ્ધો વખતે યોદ્ધાઓના શંખનાદથી શત્રુસૈન્યોમાં કંપ ફેલાતો હોવાનાં વર્ણન વાંચ્યાં છે. શક્ય છે કે પ્રાચીન કથાકારોએ છીંકનાદનો મહિમા કરવો ન પડે એટલે રૂપક તરીકે શંખનાદની વાત કરી હશે. બાકી, અમુક પ્રકારના છીંકનાદ શત્રુનાં ગાત્રો શિથિલ કરી દે તેમાં કોઈ બેમત નથી. માતેલો સાંઢ છીંકોટા નાખે એવી રીતે થતા કેટલાક છીંકનાદ એટલા વિસ્ફોટક હોય છે કે કોઈ સંવેદનશીલ આત્માને જાહેર શાંતિના ભંગ બદલ પોલીસ ફરિયાદ નોંધાવવાનું મન થઈ આવે. એવા છીંકવીરો બહાર નીકળે ત્યારે તેમણે ખાસ પ્રકારનાં સાયલેન્સર ધારણ કરવાં જોઈએ અને એવું ન કરે તો ટ્રાફિક પોલીસ તેમની પાસેથી દંડ વસૂલ કરી શકે—એવી માગણી હજુ સુધી થઈ નથી. તે સૂચવે છે કે લોકો ગમે તે કહે પણ સહિષ્ણુતાનો જમાનો સાવ આથમી ગયો નથી.
જમાનો બદલાતાં છીંક ખાતી વખતે સભ્યતા જાળવવાની બોલબાલા વધી એટલે લોકોએ નાક પર રૂમાલ દાબીને છીંક ખાવાનું શરૂ કર્યું. તેના કારણે આપોઆપ નાક પર સાયલેન્સર લગાડ્યું હોય એવું પરિણામ મળવા લાગ્યું. એમ કરવા જતાં નાકની અભિવ્યક્તિ સ્વતંત્રતા રૂંધવાનો અપરાધભાવ થઈ શકે પણ જાહેર શાંતિ માટે એટલું તો અનિવાર્ય અનિષ્ટ ગણાય. ફક્ત અવાજ ઓછો કરવાથી સંતોષ ન માનતાં, કેટલાક લોકો પશ્ચિમના અનુકરણમાં એક ડગલું આગળ વધ્યા અને જેટલી વાર છીંક ખાય તેટલી વાર ‘એક્સક્યુઝ મી’ કે ‘સોરી’ જેવા શબ્દો બોલવા લાગ્યા. તે બોલે ત્યાં સુધી તો સમજ્યા, બીજાએ પણ એવું કરવું જોઈએ એવી અપેક્ષા તે રાખવા લાગ્યા. તેના કારણે એક તરફ, શરીરનો જેની પર કાબૂ નથી એવો છીંકનો અવાજ આવી રહ્યો હોય ને તેની સાથે ‘એક્સક્યુઝ મી’ ભળે એટલે સામેવાળાને ઘણી વાર ‘હાક…ક્યુઝ મી’ કે ‘ક્યુઝ..હાક..છી’ જેવું કંઈક સંભળાતું હોય છે. ધરતીકંપના આંચકાની તાકાત રિક્ટર સ્કેલમાં મપાય છે, એવી જ રીતે છીંકની તાકાત માપવા માટેનો કોઈ સ્કેલ હોવો જોઈએ કારણ કે ઘણીખરી છીંકો સામાન્ય હોય છે પણ ક્યારેક એવી છીંક આવે છે જે આખું અસ્તિત્વ ધરમૂળમાંથી હચમચાવી નાખે છે. સ્થિર ઊભેલો કે બેઠેલો માણસ અમદાવાદના ઝૂલતા મિનારાની જેમ કંપનો અનુભવે છે. છતાં, સ્કેલના અભાવે છીંકની ગંભીરતા બીજા લોકો સુધી પહોંચતી નથી ને છીંક ખાનારને અસંસ્કૃત વર્તનની ગુનાઈત લાગણી બદલ શરમાવું પડે છે.