વડા પ્રધાન નરેન્દ્ર મોદીની વિચારધારા અને વાસ્તવિક જીવનપ્રવૃત્તિ વિષે હમણાં ઘણા સમયથી તાલમેળ અથવા સંવાદિતા જોવા મળતાં નથી. સરદાર વલ્લભભાઇ પટેલ પોતાના સમયમાં એમના સિધ્ધાંતો અને દેશભકિતને આગ્રહપૂર્વક વળગી રહીને ખૂબ ઊંચા ગજાના નેતા પુરવાર થઇ ચૂકયા હતા. ગાંધી અને નેહરુ શ્રી પટેલના માર્ગમાં સતત રોડાં નાખતા હતા. ગાંધીએ તો ભારત દેશ કરમચંદ ગાંધી તરફથી વારસામાં મળ્યો હોય એ રીતે દેશને તોડી ફોડી નાખવાની કામગીરી શરૂ કરી હતી. એ બધા વચ્ચે સરદારે દેશને એક સૂત્રમાં બાંધ્યો તેની તોલે ગાંધી અને નેહરુની કોઇ પ્રવૃત્તિ ન આવે.
દેશની આઝાદીમાં કોંગ્રેસમાં માત્ર બે પ્રભાવશાળી વ્યકિતના જ મહત્ત્વનાં યોગદાન રહ્યાં છે. પટેલ અને આંબેડકર. આંબેડકરને અને પટેલને ગાંધીના નીચલી બુધ્ધિમતાના કોઇ વેવલાવેડા પસંદ પડતા ન હતા. આવું હાલમાં આરએસએસ અને ભાજપની બાબતમાં છે. વડા પ્રધાને સરદારની સૌથી ઊંચી પ્રતિમા ઊભી કરી દીધી પરંતુ દુનિયાનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ સરદાર પટેલના નામે સુવિખ્યાત બન્યું હતું ત્યારે સરદારનું નામ દૂર કરીને વડા પ્રધાને જીવતેજીવત સ્ટેડિયમને પોતાનું નામ આપી દીધું. અગાઉ અનેક સ્મારકો અને સ્થાપત્યોને નેહરુ ગાંધી પરિવારના સભ્યોનાં નામ અપાયાં હતાં.
ત્યાં સુધી કે ૧૯૯૩ સુધી કોંગ્રેસની સરકારોએ સરદાર પટેલને ભારતરત્ન માટે લાયક ગણયા ન હતા. આ ઘટના એક કોંગ્રેસી કુટુંબની હલકટાઇનો વ્યવસ્થિત પરિચય કરાવે છે. જેના વખતમાં માત્ર ભ્રષ્ટાચાર થયો, હજારો ભારતીય સૈનિકોએ શ્રીલંકામાં કારણ વગર જીવ ગુમાવ્યા, હજારો શિખોનો નરસંહાર કોંગ્રેસીઓના હાથે થયો, એ મોતના સોદાગરને જયારે ભારતરત્ન અપાયો ત્યારે સરદારને અપાયો. એ રાજીવ ગાંધીને હિન્દી આવડતી ન હતી અને મુસ્લિમોને પંપાળવા સહરાના રણના ખજૂરીખાસના ઇસ્લામિક કાયદા આંબેડકરના ભારતમાં દાખલ કરાયા. અને એ બોફોર્સરત્ન જણ ભારતરત્ન. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશને આ સંસ્કૃતિમાંથી બચાવ્યો. એક સમયે વચન ઉદ્ગાર્યા હતા કે દેશનાં સ્મારકોને હવે દેશના સાચા મહાનુભાવોનાં નામ અપાશે. એ જ મોદી સાહેબ સરદારનું નામ દૂર કરી એમની જગ્યાએ બેસી ગયા.
દેશની પ્રજાને પસંદ ન પડયું તો બાજુમાં એક સરદાર પટેલ સ્પોર્ટસ સંકુલ શરૂ કરવાની જાહેરાત કરી. સ્ટેડિયમનું કોઇ નામ જ ન હોત અને નરેન્દ્રભાઇનું નામ અપાયું હોત તો વાંધો નહતો. પણ જે થયું તેમાં વિનય અને સૌજન્યનો સદંતર અભાવ જણાય છે. આવું જ વડા પ્રધાને મહારાષ્ટ્રમાં શિવસેના સાથે થોડું સમાધાન નહીં કરીને કર્યું છે. શિવસેના હિન્દુત્વને વરેલી પાર્ટી હતી અને હજી છે. જો ભાજપે અને વડા પ્રધાને હિન્દુત્વના હિતમાં વિચાર્યું હતું તો શિવસેનાને અઢી વરસ માટે માત્ર મુખ્યમંત્રી પદ આપીને ઘણું ઘણું બચાવી લીધું હોત. હકીકતમાં પારાવાર નુકસાન થયું તે અટકાવી શકાયું હોત. વડા પ્રધાનના સમયમાં નેતાજી સુભાષચન્દ્ર બોઝની કદર શરૂ થઇ. અમુક આર્કાઇવ્ઝ ખુલ્લાં મૂકવામાં આવ્યાં. ગયા વરસે એમની એકસોમી જયંતી સત્તાવાર રીતે ઉજવવામાં આવી. જવાહરલાલ અને ગાંધીએ મળીને નેતાજીને કયાં ગાયબ કરી દીધા છે તેની ખાતરીબંધ વિગતો હજી કોઇ જાણતું નથી. તેમાંનું હવે ઘણું બહાર આવી રહ્યું છે.
જનરલ જી.ડી. બક્ષી, પુષ્પેન્દ્ર કુલશ્રેષ્ઠ, સુશીલ પંડિત, તુફૈલ ચતુર્વેદી વગેરે આ વિષય પર સરસ રીતે બોલકા થાય છે. બંગાળના હોવાને નાતે મમતા બેનરજીને બોઝ માટે વિશેષ રાજકીય અને મતબેન્કની મંછા હોય તે સ્વાભાવિક છે. આ ૨૬ જાન્યુઆરીના બંગાળના ટેબલોમાં નેતાજી, રવીન્દ્રનાથ, વિદ્યાસાગર સ્વામિ વિવેકાનંદ વગેરેને પ્રસ્તુત કરવાના હતા. પરંતુ કેન્દ્ર સરકારે બંગાળનો એ ટેબ્લો (ફલોટ) ને માન્યતા ન આપી. મમતા બેનરજીએ સ્વભાવ પ્રમાણે સખત વાંધો ઉઠાવ્યો. નેતાજી સુભાષચન્દ્રના ટેબલોને રિજેકટ કરવો એ તો બદગુમાની કહેવાય. એક રાષ્ટ્રવાદી વડા પ્રધાનની સરકારમાં આવું થાય? નેતાજીનો અનાદર? આખરે વડા પ્રધાને શુક્રવારે જાહેરાત કરી કે ઇન્ડીઆ ગેટ ખાતે નેતાજીનું એક હોલોગ્રાફિક સ્ટેચ્યુ અર્થાત્ પ્રતિમા મૂકાશે. વડા પ્રધાને ખુદ ૨૦૧૪ ના ચૂંટણી પ્રચારમાં સ્ટેજ પર ડિજિટલ હોલોગ્રાફિકના રૂપમાં પ્રસ્તુત થતા તેમ નેતાજીનું આ પ્રકારનું એક હંગામી સ્ટેચ્યુ મૂકવામાં આવશે.
નેતાજીનાં પુત્રી અનિતા બોઝ – પ્લાફે વડા પ્રધાનની આ ઘોષણાને ‘દેર આવ્યા, પણ દુરસ્ત આવ્યા’ કહીને આવકાર આપ્યો છે. તૃણમૂલ કોંગ્રેસ પણ કેન્દ્રની આ જાહેરાતને વધાવી છે પણ સાથે સાથે કહ્યું કે બંગાળના ટેબ્લોને નકારવાની સરકારની ટીકા થઇ રહી હતી તે ટાળવા માટે મોદી સરકારે આ નિર્ણય લીધો છે. તૃણમૂલ કોંગ્રેસે એમ પણ કહ્યું કે નેતાજી કેવી રીતે, કયાં ગુમ થયા તે રહસ્ય ઉકેલવા માટે સરકાર પ્રયત્નો કરે અને સફળતા મેળવે એ જ નેતાજીને અપાયેલી સાચી શ્રધ્ધાંજલિ હશે. મૃણમૂલના સૈાગત રાયે કહ્યું કે બંગાળના ટેબલોને નહીં સ્વીકારવાથી, ભાજપનો એ દાવો કે ભાજપ રાષ્ટ્રીય વિભૂતિઓનો આદર કરે છે તેના લીરા ઊડી ગયા છે.
ભાજપ અને આરએસએસના નેતાઓ ઢોંગ પર ઊતરી પડયા છે. ગાંધીજીની પ્રતિમાઓ બનાવશે, ત્યાં ફૂલહાર કરવા જશે પણ બન્ને પક્ષના મોટા ભાગના કાર્યકરો ગાંધીને ગદ્દાર માને છે. ગોડસેને દેશભકત માને છે જે ગોડસે ખરેખર હતા. કોંગ્રેસીઓએ પાઠયપુસ્તકોમાં ખોટો ઇતિહાસ ભણાવ્યો છે એવો ભાજપ વગેરેનો સતત દાવો છે પણ આઠ વરસથી પોતાની સરકાર છે પાઠયપુસ્તકોમાં કશો ફેરફાર કર્યો નથી. એક એવી છાપ ઉપસે છે કે એ રીતે મતો મળવાના હશે તો ભાજપ રામમંદિરમાં રાવણની પ્રાણપ્રતિષ્ઠા પણ કરાવી શકે. સબ સે બડા ઇલેકશન. નેતાજીનાં પુત્રી અનિતા પ્લાફ કહે છે ગયા વરસે નેતાજીની ૧૨૫ મી જયંતીની ઉજવણી માટે અનેક જાહેરાતો કરવામાં આવી હતી. કેન્દ્ર સરકારે એક કમિટીની રચના કરી હતી. ખુદ અનિતાજી તેના સભ્ય હતાં. પણ અનિતાજીના કહેવા પ્રમાણે એ જાહેરાતો માત્ર કાગળ પર જ રહી હતી અને સમિતિની મિટિંગ એક વખત પણ મળી ન હતી. ગયા વરસે બંગાળની ચૂંટણીઓ આવવાની હતી. ભાજપ બૂરી રીતે હારી ગયો. શું એ કારણથી નેતાજીમાંથી રસ ઊડી ગયો?
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.