પલસાણા: પલસાણા (palsana) ચાર રસ્તા ખાતે આવેલી સૌમ્યા પ્રોસેર્સ (Soumya processors) મિલમાં આગ (fire) લાગી હતી. મિલમાં યાર્ન સાથે ગ્રે કાપડ તેમક જરૂરી તીવ્ર કેમિકલ જથ્થો હોવાથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં આગોઝારી ઘટનામાં મિલમાં ઓફિસનું ફર્નિચરનું છેલ્લા એક મહિનાથી કામ કરી રહેલા અને રાત્રિ દરમિયાન કામ કરી ઓફિસમાં જ સૂતેલા ત્રણ વ્યક્તિનાં કરુણ મોત (Death) નીપજ્યાં હતાં. જે ઘટનામાં પલસાણા પોલીસે મિલમાલિક તેમજ નાઈટ ઇનચાર્જ અને સુપરવાઇઝર વિરુદ્ધ ગુનો નોંધી સંતોષ માન્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર પલસાણા ચાર રસ્તા ખાતે ભીંડી બજારમાં પ્લોટ નં.1/2/3માં સૌમ્યા પ્રાઈવેટ લિમિટેડ પ્રોસેસર નામની કાપડ બનાવવાની મિલ આવેલી છે. આ મિલમાં ગુરુવારે મળસકે 3.30 વાગ્યાની આસપાસ અચાનક આગ ભભૂકી ઊઠી હતી. તીવ્ર કેમિકલ અને યાન તેમજ ગ્રે કાપડ આગની ચપેટમાં આવતાં ગણતરીની મિનીટોમાં જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. ફાયરની 15 જેટલી ટીમ સ્થળ પર પહોંચી હતી અને ભારે જહેમત બાદ અંદાજે 12 કલાક બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. જો કે, કંપનીના બીજા માળ પર ઓફિસના ફર્નિચરનું કામકરી ઓફિસમાં સૂતેલા મૂળ રાજસ્થાન જોધપુરના બે સગા ભાઈ જગદીશ રાણારામ સુથાર (રહે., પ્રાઇમ પોઈન્ટ, વડોદ, અમરોલી, સુરત) અને તેનો નાનોભાઈ પ્રવીણ સુથાર અને ફોઇનો દીકરો કન્નારામ ઉમેદારામ સુથાર (ઉં.વ.25) ઓફિસમાં જ ફસાઈ જતાં આગની લપેટમાં આવી જતાં ત્રણેય આગમાં જીવતાં ભડથું થઈ ગયા હતા.
આ ઘટનામાં પલસાણા પોલીસે તપાસ કરતાં સૌમ્યા મિલ માલિક તેમજ ઇનચાર્જ અને સુપરવાઇઝરોએ ઔદ્યોગિક એકમ હોવા છતાં મરણ જનાર ત્રણેય વ્યક્તિને મિલમાં રાત્રિ દરમિયાન સૂવડાવી ગંભીર બેદરકારી દાખવી હોવાનું બહાર આવતાં પલસાણા પી.આઈ. સી.એમ.ગઢવીએ મિલમાલિક અનુપ બ્રિજમોહન અગ્રવાલ (રહે., ગ્રીન એવન્યુ એપાર્ટમેન્ટ, ઘોડદોડ રોડ, સુરત) તેમજ બે સુપરવાઇઝર ગણેશપ્રસાદ શ્રીરામ દ્વિવેદી (રહે., બિલાલનગર, પલસાણા) તેમજ મનીષ ઓમપ્રકાશ શર્મા (રહે., અભિષેક રેસિડન્સી, સચિન, સુરત) વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
સૌમ્યા મિલની આગ દુર્ઘટનામાં ફેક્ટરી ઈન્સ્પેકટરની ભૂમિકા પણ શંકાના દાયરામાં
ફેક્ટરી ઈન્સ્પેકટર દ્વારા વખતો વખત મિલની વિઝિટ કરી આવી દુર્ઘટના ના બને તેની કાળજી લેવાની હોય છે. આજે પણ ઘણી મિલ એવી છે, જ્યાં કોઈ દુર્ઘટના બને તો ઈમરજન્સી એક્ઝિટ નથી તેમજ ફાયરની સુવિધાઓ પણ માત્ર નામ પૂરતી જ છે. કહેવાય છે કે, મિલોને 10 વર્ષ સુધીનું ફેક્ટરી ઈન્સ્પેક્ટર દ્વારા લાઇસન્સ આપવામાં આવે છે. અને જેથી તેઓ હવે ઓનલાઈન જ પોતાની કામગીરી પૂર્ણ કરતાં હોવાની ચર્ચા ચાલી રહી છે. ઘણા અધિકારીઓએ નિભાવણી રજિસ્ટર પણ ઓફિસે બોલાવી સહી કરતાં હોવાથી આવી ઘટના હવે વારંવાર બનતી જોવા મળે છે. હાલમાં જ વરેલીમાં પણ આગની ઘટનામાં બેનાં મોત થયાં હતાં.
કોઈ ક્ષતિ દેખાય ત્યાં અમે સૂચનો કરીએ જ છીએ: પી.એચ.પટેલ
ઈન્ડસ્ટ્રિયલ સેફ્ટી અને હેલ્પના ડેપ્યુટી ડાયરેક્ટર પી.એચ.પટેલે જણાવ્યું હતું કે, આગ સંપૂર્ણ પણે ઓલવાયા પછી આ અંગે તપાસ કરવામાં આવશે. હાલ તો પ્રાથમિક તારણ જોતાં શોર્ટસર્કિટના કારણે આગ લાગી છે. તેમજ અમારે કોઈ સ્પેસિફિક રીતે વિઝિટ લેવાની હોતી નથી. પરંતુ આકસ્મિક રીતે અમે મિલોમાં વિઝિટ કરતાં જ હોઈએ છીએ. અને જ્યાં પણ કોઈ ક્ષતિ દેખાય ત્યાં અમે સૂચનો અને જરૂર પડે તો લાઇસન્સ રદ કરવા સુધીની પ્રક્રિયા પણ હાથ ધરતા હોય છે.
બંને દીકરા ગુમાવ્યા બાદ પણ પિતાની જગ્યાએ પોલીસ ફરિયાદી બની
જે બાપના બંને દીકરાનાં કરુણ મોત થયા પછી પણ પિતાની ફરિયાદ લેવાની જગ્યાએ પોલીસ પોતે ફરિયાદી બને એ કેટલું યોગ્ય કહી શકાય. આ ઘટના અંગે લોકોમાં ભારે ચર્ચા શરૂ થઈ છે. જે રાણારામ પોતાના દીકરાને મિલમાંથી બહાર કાઢવા માટે મિલના સુપરવાઇઝર મનીષને ફોન કરી પોતાના દીકરાને દરવાજો ખોલી બહાર કાઢવા માટે આજીજી કરતો હતો. તે બાપ રાણારામ શા માટે પોતાના બંને દીકરા ગુમાવ્યા બાદ પણ પોલીસને ફરિયાદ ના આપી ? હમણા સુધી આવી ઘટનામાં ભોગ બનનારના સંબંધીની પોલીસ ફરિયાદ લઈ તેમને ન્યાય અપાવવાની કોશિશ જોવાતી હતી. પરંતુ આટલી મોટી ઘટનામાં બાપની જગ્યાએ પોલીસ ફરિયાદી બનતાં ચર્ચાનો વિષય જોવા મળ્યો છે.