વડોદરા: વડોદરા શહેરમાં કોરોના બેકાબુ બન્યો છે.સંક્રમણરૂપી પ્રહાર કરતા બુધવારે 2,252 વ્યકતિઓ કોરોનાની ચપેટમાં સપડાયા હતા.જ્યારે 937 દર્દીઓએ કોરોના સામેની જંગ જીતી ગયા હતા.જ્યારે પાલિકાના કોવિડ બુલેટિનમાં કોરોનાથી મરણની સંખ્યા 624 પર સ્થિર રહેવા પામી છે. વડોદરા શહેરમાં કોરોનાએ સંક્રમણ રૂપી શસ્ત્ર ઉગામ્યુ છે.બુધવારે ધોબી પછાટ જેવો ઘાટ સર્જાયો હતો.એક દિવસમાં 582 કેસના વધારા સાથે બુધવારે નવા 2,252 કેસ નોંધાયા હતા.મહાનગર પાલિકા દ્વારા જારી કરેલી યાદી મુજબ સત્તાવાર કુલ મરણનો આંક 624 ઉપર સ્થિર રહેવા પામ્યો છે.જોકે શંકાસ્પદ કોવિડથી 7 થી વધુ વ્યક્તિઓના મોત નિપજ્યા છે.વીતેલા 24 કલાકમાં 11,162 સેમ્પલ લેવાયા હતા.જેમાંથી 2252 પોઝિટિવ આવ્યા હતા.
જ્યારે 8,910 નેગેટિવ આવ્યા હતા.સરકારી અને ખાનગી હોસ્પિટલ તેમજ હોમ આઈસોલેશન માંથી 937 વ્યક્તિઓએ કોરોનાને હરાવ્યો હતો. સાજા થઈ જતા તમામને રજા આપી દેવામાં આવી હતી.જોકે તેઓના રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ પણ નિયમ મુજબ હોમક્વોરેન્ટાઈન રહેવા સૂચના આપવામાં આવી છે.કુલ ડિસ્ચાર્જ કરાયેલ દર્દીઓનો આંક 76,197 પર પહોંચ્યો છે.વીતેલા 24 કલાકમાં કરાયેલ સેમ્પલીંગની કામગીરીમાં શહેરના ઉત્તર ઝોનમાં 488 દર્દીઓ,દક્ષિણ ઝોનમાં 524 દર્દીઓ ,પૂર્વ ઝોનમાંથી 415 દર્દીઓ અને પશ્ચિમ ઝોન માંથી 571 વ્યક્તિઓ કોરોનાં સંક્રમિત થયા છે.જ્યારે વડોદરા રૂરલ માંથી 254 દર્દી મળી કુલ 2252 કોરોનાં પોઝિટિવ દર્દી નોંધાયા હતા.જ્યારે અત્યાર સુધીમાં કોરોનાં પોઝિટિવના કુલ કેસોનો આંક 86,346 ઉપર પહોંચ્યો છે.
વારસિયાનું ભિક્ષુક ગૃહમાં 17 ભિક્ષુક સહિત સહિત 4 કર્મચારીઓ મળી કુલ 21 પોઝિટિવ
વડોદરા શહેરમાં સરકારી ગાઈડલાઈન નું ઉલ્લંઘન કરનાર કેટલીક બેદરકાર વ્યક્તિઓના કારણે આજે શહેર વધુ એક વખત કોરોનાના ખપ્પરમાં હોમાવા તરફ જઈ રહ્યું છે.તેવામાં દાનવ રૂપી કોરોનાએ તેનો અસલ મિજાજ બતાવવાનું શરૂ કર્યું છે.દિવસે દિવસે અનેક વ્યક્તિઓ કોરોનાથી સંક્રમિત થઈ રહી છે.ત્યારે હવે ભિક્ષુકો પણ તેની ચપેટમાં આવવાથી બાકાત નથી. શહેરના વારસિયા વિસ્તારમાં આવેલા ભિક્ષુકગૃહમાં આશરો લઈ રહેલા 17 ભિક્ષુકો સહિત ચાર કર્મચારીઓ કોરોના સંક્રમિત થયા છે.ભિક્ષુકોને ભિક્ષુક ગૃહમાં જ આઇસોલેટેડ કરી સારવાર આપવામાં આવી રહી છે. જ્યારે કર્મચારીઓ હોમક્વોરેન્ટાઈન થઈ કોરોનાની સારવાર લઈ રહ્યા છે.