કોરોનાએ ફરી બધી વ્યવસ્થા, બધા આયોજનો ખોરવી નાંખ્યા છે અને અનિશ્ચિતતાનું વાતાવરણ સર્જી દીધું છે. પણ આ બધું હંગામી જ છે કારણકે કોઇ પણ મહામારી કાયમ માટે નથી હોતી. બસ, આ દરમિયાનનો સમય સાચવી લેવો જરૂરી હોય છે. 2022 નું વર્ષ ઘણા બધા માટે મહત્વનું પૂરવાર થઇ શકે છે. સિધ્ધાંત ચતુર્વેદી તો દિપીકા પાદુકોણ સાથે આ વર્ષનો આરંભ કરવામાં હતો પણ તેની ‘ગહેરાઇયાં’ કે જે 25 જાન્યુઆરીએ રજૂ થવાની હતી તે હવે 11 મી ફેબ્રુઆરીએ રજૂ થશે. અલબત્ત તે એમેઝોન પ્રાઇમ વિડીયો પર જ રજૂ થવાની હતી અને છે. પણ તેનું ઘણું મહત્વ છે કારણકે દિપીકા ઘણો સમય પછી કોઇ ફિલ્મમાં દેખાવાની છે. સિધ્ધાંત ખુશ છે કે દિપીકા જેવી ટોપ સ્ટારની સાથે હીરો તરીકે તે આવી રહ્યો છે. આજકાલ ઘણી ટોપની હીરોઇનો ટોપ હીરો વિના પણ જોડી બનાવે છે અને સિધ્ધાંત તો કેટરીના કૈફ, અનન્યા પાંડે, રાધિકા મદાન, માલવિકા મોહનન સુધીની અભિનેત્રીઓ સાથે આવી રહ્યો છે. રાજકુમાર રાવ, આયુષ્યમાન ખુરાના જેવા અભિનેતા પછી કોઇપતલી ગલીથી હાઇવે તરફ આવી રહ્યો હોય તો તે સિધ્ધાંત ચતુર્વેદી છે. હમણાં દિપીકા તેને ચુમી રહી હોય એવું દ્રશ્ય ખૂબ ચર્ચામાં રહ્યું હતું.
સિધ્ધાંત ‘ઇન્સાઇડ એજ’ માં પ્રશાંત કનોજિયા નામના ક્રિકેટર તરીકે દેખાયેલો પણ તે પહેલાં ‘ગલીબોય’માં આવી ઘણી પ્રશંસા પામ્યો હતો. મુંબઇની નરસી મોનજી કોલેજનો વિદ્યાર્થી રહેલો સિધ્ધાંત ‘લાઇફ સહી હે’ નામની વેબ ટેલિવિઝન સિટકોમમાં આવ્યો ત્યારે તો બહુ જાણીતો નહોતો થયો પણ ‘ઇનસાઇડ એજ’ પછી તે જોરમાં છે. એ શોનો નિર્માતા ફરહાન અખ્તર હતો અને ફરહાનની બહેન ઝોયા અખ્તર સિધ્ધાંતની ફિલ્મ ‘ગલીબોય’ ની દિગ્દર્શક હતી. ઝોયાએ તેને ‘મેડ ઇન હેવન’ ટી.વી. સિરીઝમાં પણ તક આપી હતી. સમજો કે તે અખ્તર ફેવરીટ છે. અત્યારે સિધ્ધાંત જે ‘ખો ગયે હમ કહાં’ નામની ફિલ્મમાં અનન્યા પાંડે સાથે કામ કરી રહ્યો છે તે ફિલ્મ ઝોયા અખ્તર, રીમા કાગતીની લખેલી છે.
આ ઉપરાંત ‘યોદ્ધા’ નામની ફિલ્મ કે જે માલવિકા મોહનન સાથે આવી રહી છે તે ફિલ્મ ફરહાન અખ્તરની લખેલી છે. હકીકતે સિધ્ધાંતને તમે નસીબદાર ગણી શકો. ‘ગલીબોય’ પછી ‘બંટી ઔર બબલી-2’ મળી જે આિદત્ય ચોપરાની ફિલ્મ હતી પછી ‘ગહેરાઇયાં’ કે જેનો નિર્માતા કરણ જોહર છે અને શકુન બત્રા દિગ્દર્શક છે. ‘ફોન ભૂત’ કે જે કેટરીના સાથેની છે તેનો નિર્માતા ફરહાન અખ્તર છે. એજ રીતે ‘યુદ્ધા’નો નિર્માતા પણ ફરહાન જ છે. સિધ્ધાંત અત્યારે સહુથી વધુ ખુશ છે. તેને લાગે છે કે હવે જ પ્રતિભા દેખાડવાનો ખરો મોકો છે ને દિપીકા, કેટરીના જેવી હીરોઇન ઉપરાંત સારી પટકથા, સારા દિગ્દર્શક, સારા નિર્માતાઓની સાથે તે આવી રહ્યોં છે. સિધ્ધાંત અત્યારે પોતાના વિશે વધુ કહેવા માંગતો નથી. પણ એ વાત નકકી છે કે તે પણ હવે રણવીર સીંઘ, રણબીર કપૂર, ટાઇગર શ્રોફ, ઋતિક રોશન વચ્ચે પોતાને ગોઠવી ચુકયો છે. લોકોના હીરો વિશેના ખ્યાલ બદલાઇ રહ્યા છે અને એ બદલાતા ખ્યાલનો એક હીરો સિધ્ધાંત છે.