વિશ્વમાં અનેક ધર્મ છે. એના અસંખ્ય અનુયાયીઓ છે. તે લોકો પોતાના ધર્મ પ્રચારાર્થે, પ્રસારાર્થે ઉપાયો શોધતાં રહે છે. પ્રલોભનો આપીને લોકોથી ધર્માંતરણ કરે છે, કરાવે છે. વૈદિક ધર્મ પ્રાચિન છે. જે સનાતન ધર્મ કહેવાયો છે. જેના ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ ચાર પાયા છે. આધ્યાત્મ અને અષ્ટાંગ યોગ તેના મહત્વના અંગો છે. પરોપકારીતા, સજજનતા, સંયમ, વિશ્વાસ જેના લક્ષણો છે અને ભારતીયોએ એ ધર્મ અપનાવ્યો છે અને વિશાળ ભારત દેશના ખાદ્ય રહેવાસીઓએ તેને હિન્દુ ધર્મ સંબોધીને તેનો જ જન્મથી અંગિકાર કર્યો છે. એટલે આ રાષ્ટ્ર હિન્દુરાષ્ટ્ર કહેવાય છે.
ધર્મ એટલે કોઇ વ્યકિત, સંસ્થા કે વસ્તુ નથી. ઉત્તમ, સારા માનવહિતકારક, નિયમોનું સંગ્રહ સંકુલ છે. પરોપકારી, માનવતાવાદી, સમસ્ત પ્રાણીઓને પોસાય એવા નિયમોનો ભંડાર છે. એટલે આપણો સમાજ, સંસ્કૃતિ, સંસ્કાર, પરંપરા, રૂઢિઓ આબાદ છે, પોષક છે,શોષક છે, પરિણામકારી અને ઉપકારક છે. એટલે જ સુત્ર કહે છે ‘હું હિન્દુ છું એનો મને ગર્વ છે.’ અને આ સનાતન વૈદિક ધર્મવાહિનીએ આપને સુંદર જીવનાશ્યક તહેવારો, ઉત્સવોની હારમાળા આપી છે અને માનવ જીવનને સુખદ, આનંદી, સુવ્યવસ્થિત રાખવાની તકો આપી છે.
બ્રહ્માંડમાં અનેક વિલક્ષણ કથાઓ છે. તે ખૂબ જ મજાની અને બોધપ્રદ છે. આકાશમાં વિહરતા ૨૭ નક્ષત્રો પરમવીર દક્ષ રાજાની કન્યાઓ છે અને એ બધી જ ચંદ્રની પત્નીઓ છે. એમાં ચંદ્ર ફકત રોહિણીને જ ચાહે છે. અતિ પ્રેમ કરે છે. એ જોતાં રાજા દક્ષ ચંદ્ર પર ક્રોધિત થાય છે. ૨૬ કન્યાઓ ચંદ્રના પ્રેમથી વંચિત છે તેથી ચંદ્રને શ્રાપ આપે છે કે ચંદ્રનો આકાર ધીમેધીમે નાનો થશે અને અંતે તેનો લોપ થશે. પણ ચંદ્ર શિવભકત હતો, તે ‘શિવની આરાધના કરે છે. શિવના વરદાનથી ચંદ્ર ફરીથી ધીમેધીમે મોટો થવા લાગે છે અને હિન્દુ પંચાંગમાં કૃષ્ણપક્ષ (વદ પક્ષ) અને પંદર દિવસ પછી ચદ્ર કલા વધે તે શુકલપક્ષ (સુદ પક્ષ) આવ્યો. જે દિવસે ચંદ્ર સંપૂર્ણ ગોળાકાર બને છે તે ‘પૂનમ’ અને જયારે ચંદ્ર છીણી કોર બને છે તે દિવસ ‘અમાસ’ તરીકે કહેવાયો. આ ખગોળીય શાસ્ત્રનો મત છે.
પછી અમારા જ વિદ્વાન ઋષિમુનિઓએ અભ્યાસ અંતે ચંદ્ર, સૂર્ય, બીજા ગ્રહો, નક્ષત્રો, તારલાઓ આદિની સ્થિતિ, ગતિ અને માહિતી કાઢીને પંચાંગમાં મહિનો તિથિ, વાર, નક્ષત્ર, યોગ અને કરણને સ્થાન આપ્યું. મહિના, વાર, તિથિ, નક્ષત્રની ઉત્પત્તિની પણ બહુ જ આશ્ચર્યકારક કથાઓ છે. એ બધી સનાતન ધર્મની ઉપજ છે. ઋતુના કારણે તહેવારોની નિર્મિતી થઇ, ઉત્સવો પ્રગટયા. ભારતીય પ્રાચીન સંસ્કૃતિ આધ્યાત્મવાદી છે.
જીવનને આધ્યાત્મભકિત ભાવનો સ્પર્શ મળે તે માટે આપણાં તહેવારો પૌરાણિક કથાગાથાઓથી, દેવદેવતાઓના અવતાર કાર્ય પર આધારિત છે.આપણે દેવોના શૌર્યની, શકિતનું કૌર્ય, સત્યતા સમજાય છે. તેથી માણસનો ધર્મ વિષયક વિશ્વાસ વધે છે. તહેવાર વિશે શ્રદ્ધા જાગે છે. વ્રત કરવાનું મન થાય છે. નૈવેદ્ય, પ્રસાદમાં નિષ્ઠા ઉત્પન્ન થાય છે અને હિન્દુ સમાજ ધાર્મિક ભાવનાથી તહેવારો ઉજવે છે. એમાં આડંબરને સ્થાન નથી. ધર્મ નિયમોનું પાલન કરીને, દાન દક્ષિણાની પૂર્તિ કરીને વ્રત વૈકલ્ય કરે છે. તહેવારોમાં ઇષ્ટદેવનું અનુષ્ઠાન કરે છે. પરહિત અને પરોપકાર કરીને મનને ઉદાત્ત બનાવે છે.
એને મૂર્તિમાં, પ્રતિમામાં સાક્ષાત ઇષ્ટનું દર્શન થાય છે. ઋષિ મુનિઓના આશીર્વાદ પ્રાપ્ત થયાનું ભાન થાય છે. સાધુસંતોના આદર્શ ઉપકારકારી જીવનનું દર્શન થાય છે. એ આસ્તિકતામાં જ માને છે. એટલે, ગુડી પડવો, કૃષ્ણાષ્ટમી, ગણેશોત્સવ, નવરાત્રી, હોલીકા ઉત્સવ, દિપાવલી મહોત્સવ એ ઉમંગથી ઉજવે છે. એનાથી તે સહકાર મેળવે છે. અપરસતા શીખે છે. પરોપકાર અને એકાત્મકતાને આવકારે છે.
આહારની વિવિધતા અને પ્રયોગ અમને તહેવારોએ આપ્યા છે. ચૈત્રમાં ઉષ્મા સહી શકાય માટે કડવા લીમડાનો રસ પીએ છે. શ્રીખંડ જેવું પાચક મિષ્ટાન્ન આરોગીએ છીએ, સંક્રાંતિમાં તલના લાડુ ખાઇએ છીએ. કોપરાપાક, સાલમપાક, મેથીપાક જેવા પૌષ્ટિક વ્યંજનો ખાઇએ છીએ. હોળી ઉત્સવમાં લાકડાના અગ્નિમાંથી ફોસ્ફરસના નિર્માણથી પર્યાવરણ શુદ્ધ બને છે. વડ પૂર્ણિમાંના પૂજનથી ઓકિસજનનું સાન્નિધ્ય મળે છે. નાગપાંચમે સર્પનું પૂજન થાય છે.
દિપાવલીમાં ગૌપૂજા થાય છે. નારિયેળી પૂનમે જલપૂજન થાય છે. મુંગા પ્રાણી પ્રત્યે શ્રદ્ધા વધે છે. બાળકો માટે, કુંવારી કન્યાઓ માટે, યુવાનો, યુવતીઓ માટે, સુહાગનો માટે અબાલ વૃધ્ધ સર્વો માટે અમારા ધાર્મિક તહેવારો, ઉત્સાહ ઉમંગ અને પ્રોત્સાહન આપનારા છે. દરેક ઉત્સવો, તહેવારો પાછળ ઉત્તમ ઉદ્દેશ્ય છે. સ્વીકૃત માર્ગદર્શન છે. જીવન જીવવાનું સાર્થકી ઉદ્ધિષ્ટ છે અને જીવનને વિવિધતા, લાવણ્ય, સંસ્કારની દેન આપે છે. સ્વામી વિવેકાનંદે એક અમેરિકનને અમારી સંસ્કૃતિના વૈશિષ્ટયનો જવાબ આપ્યો હતો. અમારી પરિવાર વ્યવસ્થા એજ અમારું વૈશિષ્ટય છે. તેથી અમારો ધર્મ અમર છે.