ઈશ્વરનો જેને સાથ તે જગતનો નાથ

પ્રાચીન શાસ્ત્રોમાં ઘણી અદભુત ઐતિહાસિક ઘટનાઓ જોવા મળે છે, જે અકલ્પનીય ઘટનાઓ માત્ર ઈશ્વરની સહાયથી જ શક્ય બનવા પામેલ, માનવ શક્તિથી નહીં. આવી યહૂદી શાસ્ત્રની એક કથા અત્રે પ્રસ્તુત છે. જો કે આ ઘટના ઈઝરાયલની છે એટલે ઈઝરાયલ અંગે થોડીક માહિતી જાણવી જરૂરી છે. અબ્રાહમ નામનો એક ઈશ્વરનો બંદો હતો. તેનો જન્મ  ઈરાક દેશમાં થયો હતો. એ જમાનામાં આ દેશના લોકો ભોગવિલાસ અને પાપી જીવનમાં રચ્યાપચ્યા હતાં, ત્યારે અબ્રાહમ નેક અને પવિત્ર જીવન જીવતો હતો. ધર્મના નામે ચાલતી અનૈતિક પ્રવૃત્તિઓનો તે વિરોધ કરતો હતો તેથી સમાજ અને કૌટુંબિક સભ્યો સાથે તેને ઘર્ષણ ચાલતું હતું એટલે ઈશ્વરે તેને કહ્યું કે તું આ દેશ અને તારાં સગાંવહાલાંને છોડીને હું બતાવું તે દેશમાં ચાલ્યો જા.

ઈશ્વરના આ આદેશને માથે ચડાવી તે તેના પરિવાર અને ઢોરઢાંખર સાથે ચાલી નીકળ્યો. વર્ષોના સંઘર્ષમય જીવન પછી તે પેલેસ્ટાઈન દેશમાં કનાન નામના પ્રદેશમાં પહોંચ્યો અને આ પ્રદેશમાં તેઓ  કાયમને માટે ઠરીઠામ થયા. તેમનો વંશવેલો વધતો ગયો. તેમના નામ પરથી આ દેશ ઈઝરાયલ દેશ કહેવાયો. શરૂઆતમાં આ દેશનું સંચાલન ઈશ્વર પોતે, પયગંબરો અને કાજીઓ-ન્યાયાધીશો દ્વારા કરતા હતા. તેમણે નીમેલ કાજીઓ પૈકીના એક ગિદિયોન અને બીજો સેમસન ખૂબ પોપ્યુલર હતા. આ અંકમાં કાજી ગિદિયોનના જીવનની એક મહત્ત્વની ઘટના પ્રસ્તુત છે.

 ઈશ્વર ઈઝરાયલીઓને પોતાની પ્રજા માની તેના પર પ્રેમ અને દયા દાખવતો અને તકલીફોમાં તેમની વહારે આવતો અને સહાય કરતો પરંતુ બધું ઠીકઠાક થતાં આ પ્રજા ફરી પાપાચારમાં પડતી, તેથી નારાજ થઈ ઈશ્વર તેમના પર આફતો આવવા દેતો. આ રફતાર ચાલ્યા કરતી હતી. પ્રભુએ એમને ગિદિયોન નામનો એક કાઝી મોકલી આપ્યો. ગિદિયોન એક ખેડૂતનો દીકરો હતો અને મિદ્યાનીઓથી છુપાઈને એક દ્રાક્ષના કોલુમાં ઘઉં ઝૂડતો હતો ત્યારે ઈશ્વરના દૂતે તેને દર્શન દઈને કહ્યું, ઓ શૂરવીર! પ્રભુ તારી પડખે છે. પછી પ્રભુએ તેને કહ્યું,  જા, અને તારા આ બળથી ઈઝરાયલીઓને મિદ્યાનીઓના કબજામાંથી છોડાવ. હું પોતે તને મોકલું છું.

ગિદિયોને કહ્યું, ‘‘પણ માલિક, હું આ કેવી રીતે કરી શકું? આપ તો જાણો છો કે મારું કુળ મનાશાના વંશમાં નબળામાં નબળું  છે અને મારા કુટુંબમાં હું સૌથી નાનો અને નાચીજ છું.’’  પ્રભુએ કહ્યું, ‘‘હું  તારી મદદમાં રહીશ અને તું મિદ્યાનીઓને કચડી નાખી શકીશ.’’ હવે દુશ્મન પક્ષે મિદ્યાનીઓ અને અન્ય પ્રજાઓએ એકત્ર થઈને નદી કિનારે ઈઝરાયલના મેદાનમાં છાવણી નાંખી. તેઓની સંખ્યા 35000 જેટલી હતી. ગિદિયોને પણ રણશિંગું ફૂંકી તેમ જ કાસદો મોકલી ઈઝરાયલના માણસોને બોલાવી લીધા, જેમની સંખ્યા 32000 જેટલી હતી. તેમણે દુશ્મનોની છાવણી સામે પોતાની છાવણી નાંખી પણ પ્રભુએ ગિદિયોનને કહ્યું, તારી સાથે ઘણા માણસો છે. એટલા બધા માણસોની જરૂર નથી એટલે ઈશ્વરની સલાહ મુજબ ગિદિયોને જાહેરાત કરી કે જે કોઈ બીકના માર્યા થરથરતા હોય તે છાવણી છોડી પાછા ઘરે ચાલ્યા જાય એટલે 22,000 લોકો પાછા ગયા અને 10,000 બાકી રહ્યા.

પ્રભુએ કહ્યું, હજુ પણ  માણસો વધારે છે. પછી પ્રભુએ જાતે કસોટી કરી માત્ર ૩૦૦ માણસો પસંદ કર્યા અને બાકીનાને ઘરે મોકલી આપ્યા. તે જ દિવસે પ્રભુએ ગિદિયોનને કહ્યું, તાત્કાલિક જઈને દુશ્મનની છાવણી ઉપર હુમલો કર. ગિદિયોને ત્રણસો માણસોને ત્રણ ટુકડીઓમાં વહેંચી નાખ્યા અને દરેક માણસને એક એક રણશિંગુ અને એક એક ખાલી બરણી, તેમાં મશાલ મૂકીને આપી અને કહ્યું, મારા ઉપર નજર રાખજો, છાવણી નજીક પહોંચતા જ હું જેમ કરું તેમ કરજો. જ્યારે હું અને મારા માણસો રણશિંગા વગાડીએ ત્યારે  તમે પણ તમારાં રણશિંગાં વગાડજો અને પોકાર કરજો કે, પ્રભુનો જય! ગિદિયોનનો જય.

ગિદિયોન અને તેની સાથેના સો માણસો મધરાત પહેલાં દુશ્મનની છાવણી નજીક પહોંચી ગયા અને રણશિંગા ફૂંક્યાં તેમજ હાથમાંની બરણીઓ ફોડી નાંખી. બીજી ટુકડીઓએ પણ તે પ્રમાણે કર્યું. હાથમાંની બરણીઓ ફોડી નાંખી. ડાબા હાથમાં મશાલ અને જમણા હાથમાં રણશિંગા પકડી પોકાર કર્યો, પ્રભુનો જય! ગિદિયોનનો જય.ઈઝરાયલીઓએ ગિદિયોનને કહ્યું, તમે અમને મિદ્યાનીઓથી બચાવ્યા છે એટલે તમે અને તમારા વારસો અમારા ઉપર રાજ કરો. પણ ગિદિયોને તેનો ઈન્કાર કર્યો અને ઈઝરાયલીઓને દેશ સોંપી દીધો !!!  સેમસનની રસપ્રદ કથા આવતા અંકે.

Most Popular

To Top