સુરત: (Surat) કોરોનાની (Corona) ત્રીજી લહેર (Third Wave) હવે ચિંતા ઉપજાવી રહી છે. સુરત શહેરમાં દૈનિક કેસની સંખ્યા 2000ની લગોલગ પહોંચી ગઈ છે, ત્યારે હવે સુરત મનપા (SMC) દ્વારા નિયંત્રણો વધારવામાં આવી રહ્યાં છે. મંગળવારે એક શાળાના (School) 65 વિદ્યાર્થી પોઝિટિવ (Positive) આવતા 7 દિવસ માટે શાળા બંધ (Closed) કરી દેવાઈ છે તો બીજી તરફ આજથી શહેરના ટ્યૂશન (Tution) , કોચિંગ ક્લાસીસમાં (Classes) ઓફલાઈન શિક્ષણ (Offline Education) બંધ કરી દેવા સૂચના આપી દેવાઈ છે, તેના પગલે આજથી ટ્યૂશન ક્લાસીસમાં ઓનલાઈન (Online) શિક્ષણના મેસેજ વાલીઓના ગ્રુપમાં ફરતા થઈ ગયા છે. પરીક્ષા ટાણે સ્કૂલ અને ટ્યૂશન બંધ કરી દેવાતા વિદ્યાર્થીઓનું શિક્ષણ બગડી રહ્યું છે, પરંતુ બિમારી સામે સૌ કોઈ લાચાર બની ગયા છે.
- સુરતમાં કોરોનાના કેસ 2000 ની લગોલગ, કોરોનાનો કુલ આંક 1,23,500 પર પહોંચ્યો છે.
- યુએસથી આવેલા ત્રણ વ્યકિતઓને કોરોના પોઝિટિવ
- આજદિન સુધીમાં કુલ 1,11,990 દર્દી સાજા થયા છે તેમજ રીકવરી રેટ ઘટીને 90.68 ટકા પર પહોંચ્યો છે
- માત્ર 12 દિવસમાં હોસ્પિટલાઇઝેશનનો આંક 20 પરથી 170 પર પહોંચી ગયો છે
કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. શહેરમાં માત્ર 10 જ દિવસમાં કોરોનાની સંખ્યા 100 થી 2000 પર પહોંચી છે. જે રીતે કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે તે જોતા આવનારા દિવસોમાં કોરોનાના પ્રતિદિન નોંધાતા કેસમાં હજી પણ ઘણો વધારો નોંધાશે તેમ જાણવામાં આવી રહ્યું છે જેથી તંત્ર દ્વારા પણ શહેરીજનોને વધુમાં વધુ સાવચેતી રાખવા માટે અપીલ કરવામાં આવી રહી છે. શહેરમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના વધુ 1988 કેસ નોંધાયા હતા અને તે સાથે જ કોરોનાનો કુલ આંક 1,23,500 પર પહોંચ્યો છે. તેમજ વધુ 370 દર્દી સાજા થવાની સાથે આજદિન સુધીમાં કુલ 1,11,990 દર્દી સાજા થયા છે તેમજ રીકવરી રેટ ઘટીને 90.68 ટકા પર પહોંચ્યો છે. શહેરમાં બહાર દેશથી આવનારાઓનું પણ સઘન ટેસ્ટીંગ કરવામાં આવી રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં શહેરમાં વધુ 3 ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવનારાઓ પોઝિટિવ આવ્યા હતા જેઓ યુએસએ થી આવ્યા હતા અને તેમના ટેસ્ટ કરાયા હતા. અને તેમના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જયારે માત્ર 12 દિવસમાં હોસ્પિટલાઇઝેશનનો આંક 20 પરથી 170 પર પહોંચી ગયો છે.
નાલંદા સ્કૂલમાં 65 વિદ્યાર્થી કોરોના પોઝિટિવ આવતા 7 દિવસ માટે બંધ કરાવાઈ
શહેરમાં નોંધાયેલા 1988 પોઝિટિવ કેસમાં 65 વિદ્યાર્થીઓ પોઝીટીવ નોંધાયા હતા. જે પૈકી નાલંદા શાળામાં 3 વિદ્યાર્થી, 4 શિક્ષક પોઝિટિવ આવતા શાળા બંધ કરાવવામાં આવી હતી. તે ઉપરાંત ઝડફિયા શાળા, રાયન શાળા, વી એન એસ જી યુ, લાન્સર આર્મી શાળા, પી ટી સાયન્સ કોલેજ, એસ વી એન આઈ ટી, ડી આર બી કોલેજ, એસ ડી જૈન, સરસ્વતિ વિદ્યાલય, સંસ્કાર ભરતી, કનકપુર શાળા, હિલ્સ હાઈ સ્કુલ, વિવેકાનંદ કોલેજ, રિલાયન્સ શાળા, સ્વામી નારાયણ શાળા, પી આર ખાટીવાલા શાળા,મહેશ્વરી શાળા, એસ.ડી.જૈન શાળા,ડી પી એસ શાળા, રાયન ઈન્ટનેશન, રેડીયન્ટ શાળા, જે એચ અંબાણી, વશિષ્ઠ વિદ્યાલય તથા અન્ય શાળાઓ તથા કોલેજમાં નોંધાયા હતા. આ શાળાઓ તથા કોલેજમાં જે તે વર્ગ બંધ કરાવવામાં આવ્યા હતા. આ શાળાઓમાં તથા કોલેજમાં કુલ 846 જેટલા વ્યક્તિઓનું કોન્ટેકટ ટ્રેસિંગ કરવામાં આવ્યું હતું.
ઉધનામાં ફુટપાથ પર રહેતા કોરોનાગ્રસ્ત દર્દીનું સિવિલમાં સારવાર દરમિયાન મોત
ઉધના મેઇનરોડ પર ગુરૂદ્વાર પાસે ફુટપાથ પર રહેતો 30 વર્ષીય રામપ્રસાદ યાદવ છુટક મજૂરીકામ કરતો હતો. બે દિવસ પહેલા તેની તબિયત વધારે ખરાબ થઇ હતી. આ દરમિયાન સ્થાનિકોએ 108ને ફોન કરીને રામપ્રસાદને નવી સિવિલમાં ખસેડ્યો હતો. અહીં પ્રાથમિક સારવાર બાદ રામપ્રસાદનો કોવિડનો રિપોર્ટ કરવામાં આવતા તે પોઝિટિવ આવ્યો હતો. બાદમાં રામપ્રસાદને કોવિડ વોર્ડમાં દાખલ કરવામાં આવ્યો હતો. બે દિવસની સારવાર બાદ રામપ્રસાદનું મોત નીપજ્યું હતું. બનાવ અંગે ફાયર વિભાગ તેમજ ઉધના પોલીસને જાણ કરવામાં આવી હતી, અને રામપ્રસાદની કોવિડની ગાઇડલાઇન પ્રમાણે અંતિમક્રિયા કરવામાં આવી હતી.
સુરત જિલ્લામાં કોરોનાના 136 કેસ પોઝિટિવ, બારડોલીના સરભોણની આધેડ મહિલાનું મોત
સુરત જિલ્લામાં કોરોનાએ ઘાતક પંજો ફેલાવ્યો છે. વિતેલા 24 કલાકમાં સુરત જિલ્લામાં કોરોનામાં બારડોલી તાલુકાના સરભોણ ગામની એક આધેડ મહિલાના મોત ઉપરાંત નવા પોઝિટિવ કેસની સંખ્યા 136 થઇ છે. સુરત શહેરની સમાંતરે સુરત ગ્રામ્ય વિસ્તારમાં પણ કોરોના બેકાબુ બની ગયો છે. સુરત જિલ્લામાં હવે ત્રીપલ ફીગરમાં કોરોના પોઝિટિવ આંકડા આવી રહ્યાં છે. જિલ્લા આરોગ્ય અધિકારી ડો.હસમુખ ચૌધરીએ જાહેર કરેલી યાદી મુજબ બારડોલી તાલુકાની એક મહિલાનું કોરોનામાં મોત થયો છે. આ સાથે સુરત જિલ્લામાં કોરોનામાં મરણાંક 491 થયો છે. સુરત જિલ્લામાં કોરોના કુલ પોઝિટિવ કેસની સંખ્યા 33,080 થઇ છે.જિલ્લામાં કુલ ડિસ્ચાર્જ પેશન્ટની સંખ્યા 31,882 થઇ છે.હાલ કોરોનાના કુલ એક્ટિવ કેસની સંખ્યા પણ 707 થઇ છે.