Dakshin Gujarat

કડોદરા ચાર રસ્તા સુરતથી બારડોલી તરફ જવા માટે અંડરપાસનું કામ વાહન ચાલકો માટે માથાનો દુખાવો બન્યો

પલસાણા: (Palsana) કડોદરા ચાર રસ્તા પર સુરતથી બારડોલી (Surat To Bardoli) તરફ જવા માટે અંડર બાયપાસનું કામ છેલ્લા ઘણા સમયથી ચાલી રહ્યું છે. ત્યારે સર્વિસ રોડ પરના મસમોટા ખાડાઓને લઇ કલાકો સુધી ટ્રાફિક (Traffic) જામ થાય છે. એમાં ઓછું હોય તેમ આજે કડોદરા ચાર રસ્તાની નીચે ગટરનું ખોદકામ કરી તેનું પુરાણ સરખી રીતે ના કરવામાં આવતાં અનેક વાહનો તેમાં ફસાયાં હતાં. જેને લઇ કલાકો સુધી ટ્રાફિક જામ થઇ ગયું હતું.

  • કડોદરામાં અંડર બાયપાસ બનાવનાર કોન્ટ્રાક્ટરની બેદરકારીથી વાહનચાલકો પરેશાન
  • રોજના હજારો વાહનચાલકો સહિત એમ્બ્યુલન્સ પણ કલાકો સુધી ટ્રાફિકમાં ફસાઇ જાય છે
  • ટ્રાફિકની સમસ્યાને લઇ કડોદરા પોલીસે વાહનચાલકોની સામે સંઘર્ષમાં ઊતરવાની નોબત
  • માર્ગ-મકાન ખાતાના અધિકારીઓ પણ કુંભકર્ણની નિદ્રામાં


કડોદરા નગર સ્થિત સુરત-બારડોલી હાઇવે પર અંડર બાયપાસનું કામ છેલ્લા ઘણા સમયથી ગોકુળગતિએ ચાલુ છે. તેમ છતાં માર્ગ અને મકાન ખાતાની નબળાઈ ના લીધે અંડર બાયપાસના કામની બેદરકારી બહાર આવી છે. રોજના હજારો વાહનચાલકો સહિત એમ્બ્યુલન્સ પણ કલાકો સુધી ટ્રાફિકમાં ફસાઇ જાય છે. તેમ છતાં કોન્ટ્રાક્ટરના પેટનું પાણી પણ હલતું નથી. આ સમસ્યા ઓછી હોય તેમજ ચાર રસ્તા નજીક ગટરનું ખોદકામ કર્યા બાદ તેનું પુરાણ યોગ્ય રીતે ન કરતાં અનેક વાહનો સવારના સમયે જ ફસાઇ ગયાં હતાં. જેને લઇ બે કિલોમીટરથી પણ વધુ વાહનોની લાંબી કતાર લાગી ગઈ હતી. ટ્રાફિકની સમસ્યાને લઇ કડોદરા પોલીસે વાહનચાલકોની સામે સંઘર્ષમાં ઊતરવાની નોબત આવે છે. ત્યારે સ્થાનિક પાલિકા પણ આ અંગે આંખ આડા કાન કરતી હોવાથી આ સમસ્યા દિન પ્રતિદિન વકરી રહી છે. સર્વિસ રોડ પરના મસમોટા ખાડાના કારણે ઘણીવાર લોકોને અકસ્માતનો સામનો પણ કરવામાં આવી રહ્યો છે.

રોજના સેંકડો વાહનચાલકો ભારે પરેશાનીનો સામનો કરી રહ્યા છે. ટ્રાફિકની સમસ્યા વધવાથી પોલીસના નાકે પણ દમ આવી રહ્યો છે અને રોજ પોલીસ અને પ્રજા આમનેસામને જોવા મળે છે. ત્યારે કોન્ટ્રાક્ટરને માર્ગ મકાન ખાતાના અધિકારી નોટિસ પાઠવી ઝડપથી અને ટાઈમ લિમિટમાં કામ પૂર્ણ કરાવે એ જરૂરી છે. સાથે સાથે અંડરબ્રિજનું કામ કરનાર કોન્ટ્રાક્ટર ગંભીરતા દાખવી યોગ્ય રીતે કામગીરી કરે તો અનેક વાહનચાલકોની સમસ્યાનુ નિરાકરણ આવી શકે તેમ છે.

Most Popular

To Top