બારડોલી : સુરત (Surat) જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર દ્વારા કોરોનાની સંભવિત ત્રીજી લહેરને (third wave of corona) રોકવા માટે જિલ્લાના દરેક તાલુકા અને નગરપાલિકાઓમાં 8 – 8 જોઈન્ટ એન્ફોર્સમેન્ટ ટીમની (Enforcement team) રચના કરવામાં આવી છે. જે એક અઠવાડિયા સુધી અલગ અલગ વિસ્તારમાં ફરીને કોવિડ અંગે સરકારની સૂચના અને માર્ગદર્શનના (corona guideline) અમલવારીની કામગીરી કરશે. બારડોલી (Bardoli) નગરપાલિકામાં પણ બે-બે સભ્યોની આઠ ટીમને આ જવાબદારી સોંપવામાં આવી છે. આ ટીમ એક અઠવાડિયા સુધી અલગ અલગ વિસ્તારમાં ફરી કોવિડ અંગે સરકારની સૂચના, માર્ગદર્શનના અમલવારીની કામગીરી કરશે
હાલ સુરત જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં કોરોનાની ત્રીજી લહેરની સાથે ઓમિક્રોન (Omicron) પણ ઝડપથી ફેલાય રહ્યો છે. આ બીમારી અટકે અને લોકોમાં સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી માર્ગદર્શિકા અને સૂચના અંગે જાગૃતિ આવે તે હેતુથી આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર દ્વારા દરેક તાલુકાના અને નગરપાલિકા વિસ્તારમાં 8-8 ટીમોની રચના કરવામાં આવી છે. જે અંતર્ગત રવિવારના રોજ બારડોલી નગરપાલિકા ચીફ ઓફિસર વી.એન. પરીખની અધ્યક્ષતામાં પોલીસ કર્મચારી અને નગરપાલિકા કર્મચારીની એક બેઠક બોલાવવામાં આવી હતી. જેમાં જિલ્લામાંથી આવેલી સૂચના મુજબ એન્ફોર્સમેન્ટ ટીમની રચના કરવામાં આવી હતી. જે ટીમ સોંપેલ રૂટ મુજબ બારડોલી શહેરમાં દુકાનદારો, દુકાનમાં કામ કરતા કર્મચારીઓ, રાહદારીઓ, નગરજનોને મહામારીને રોકવા માટે જરૂરી માર્ગદર્શન આપશે.
આ આઠ ટીમો તેમને સોંપવામાં આવેલા રૂટ પર ખાસ કરીને લોકોને માસ્ક (Mask) પહેરવા, સેનેટાઇઝરનો (Sanitizer) ઉપયોગ કરવા, સોશ્યલ ડિસ્ટન્સ (Social distance) જાળવવા, જેમણે રસીના ડોઝ (Vaccine dose) ન લીધા હોય તેમને સમજાવવા વગેરે કામગીરી કરશે. જેનું સુપરવિઝન બારડોલી નગરપાલિકાના ચીફ ઓફિસર વિજય પરીખ કરશે. દરેક ટીમમાં એક નગરપાલિકાના કર્મચારી અને એક પોલીસકર્મી ફરજ બજાવશે. ચીફ ઓફિસર વિજય પરીખે જણાવ્યું હતું કે, આ ટીમની રચના જિલ્લા કલેકટરના હુકમ મુજબ કરવામાં આવી છે. શહેરના નાગરિકોને મહામારી રોકવા માટે બનાવવામાં આવેલી આ ટીમને સહકાર આપવામાં આવે તેવી તેમણે અપીલ કરી હતી.