સરકારે કોરોનાની રસી ૧૫ થી ૧૮ વર્ષના તરુણો માટે ઉપલબ્ધ કરી દીધી છે પરંતુ કરુણતા એ છે કે શાળાઓ શરૂ થતાં જ બાળકોમાં કોરોના ઉપરાંત અન્ય વાઇરલ ઇન્ફેક્શન ભયજનક રીતે ફેલાઈ રહ્યાં છે. બાળકો બીમાર પડતાં જ શાળાઓ અચાનક બંધ કરવાની ફરજ પડી રહી છે. ૧૫ વર્ષથી નાનાં બાળકોને હજુ રસી અપાઇ રહી નથી તો આવા સંજોગોમાં બાળકોને કઈ રીતે સુરક્ષિત રાખવાં? આ પ્રશ્નનો એક જ જવાબ છે, … “બાળકોની ઇમ્યુનીટી વધારીને!” તો આવો, આ અંકે જાણીએ કે ખોરાક દ્વારા કઈ રીતે બાળકોની ઇમ્યુનીટી વધારી શકાય?
બાળકોની ઇમ્યુનીટી વધારવા માટે રોજિંદા આહારમાં નીચે મુજબના ઇમ્યુનીટી બુસ્ટર ખાદ્યપદાર્થો ઉમેરી શકાય.
એન્ટી ઓક્સિડન્ટ ખાદ્યપદાર્થો
લસણ, કાંદા, અળસી, સૂર્યમુખીનાં બીજ, બદામ, અખરોટ, લીલી ભાજી જેવા એન્ટી ઓક્સિડન્ટ ખાદ્યપદાર્થોનો રોજિંદા જીવનમાં ઉમેરો કરો.
પ્રોટિનયુક્ત આહાર
વધતાં બાળકોના વૃદ્ધિ અને વિકાસ માટે પ્રોટિનની જરૂરિયાત વધુ હોય છે પરંતુ સ્વસ્થ રહેવા માટે પણ પ્રોટિનની જરૂર પડે છે. જે માટે બાળકોના રોજિંદા ખોરાકમાં દૂધ, પનીર, દાળ, કઠોળ, ઈંડાંનું ઉપયુક્ત પ્રમાણ જરૂરી છે. (અલબત્ત બાળકનું વજન જરૂરિયાત કરતાં વધુ હોય, તો ડાયેટિશ્યનની સલાહ મુજબ આહાર – આયોજન કરવું)
ફ્લેવેનોઇડ્ઝ ધરાવતાં ખાદ્યપદાર્થો
લાલ – પીળાં કેપ્સિકમ, શેતૂર, ફાલસા, સ્ટ્રોબેરી, ગાજર, જેવાં કુદરતી રીતે રંગીન ફળો અને શાકભાજી એ ફલેવેનોઇડ્ઝનો ખજાનો છે. આ રંગીન ફળો અને શાકભાજીનો સમાવેશ પણ રોજના મેન્યુમાં થવો જોઈએ.
પ્રવાહીનો ઉપયોગ
બાળકો સમયાંતરે પાણી પીવાનું યાદ રાખતા નથી. રમવામાં મશગુલ હોય તો તરસને તેઓ અવગણતાં હોય છે. આવા સંજોગોમાં ડિહાઇડ્રેશન થઈને ઇમ્યુનીટી ઘટી શકે છે. બાળકોને પ્રવાહી કોઈ પણ સ્વરૂપે સતત આપતાં રહેવું જોઈએ. સૂપ, જ્યુસ, લીંબુપાણી, નારિયેળપાણી, છાશ, લસ્સી કોઈ પણ સ્વરૂપે પ્રવાહી શરીરને મળવું જોઈએ. દિવસ દરમ્યાન ઓછામાં ઓછું ૨.૫-૩ લિટર જેટલું પ્રવાહી બાળક દ્વારા લેવાવું જોઈએ.
વિટામિન સી યુક્ત ફળો અને શાકભાજી
શિયાળો એટલે ભરપૂર વિટામિન સી યુક્ત ફળો – શાકભાજીની મોસમ!.. આમળા, સ્ટ્રોબેરી, સંતરાં, મોસંબી, લીંબુનો ભરપૂર ફાયદો ઉઠાવવાની મોસમ! આ ઉપરાંત કોબીજ, કેપ્સિકમ, સરગવાની શીંગ પુષ્કળ માત્રામાં વિટામિન સી ધરાવે છે. બાળકોને ભાવે તેવા સ્વરૂપમાં આ ફળો અને શાકભાજી ( જ્યુસ, સૂપ, સલાડ જેવા સ્વરૂપે )આપવાં જોઈએ.
કુદરતી જડીબુટ્ટીઓ
સૂપ, શરબત અથવા પીવાના પાણીમાં તુલસીનાં પાન, આદુ, લીલી હળદર, ફુદીનાનાં પાન પણ ઉમેરી બાળકોને પીવડાવવાથી પણ રોગપ્રતિકારક શક્તિ વધારી શકાય છે.
ખાદ્યપદાર્થો ઉપરાંત રોજબરોજની હાઇજીન વિષયક આદતો અને જીવનશૈલીમાં નાના નાના ફેરફારો પણ બાળકોની રોગપ્રતિકારકશક્તિ વધારી શકે …જેમ કે…
- # રમ્યા બાદ ઘરે આવી અથવા બહારથી ઘરે આવી તરત સાબુથી હાથ ધોવા.
- # જમવા પહેલાં અથવા કોઈ પણ વસ્તુ મોઢામાં મૂકતાં પહેલાં સાબુથી હાથ ધોવા.
- # દિવસ દરમિયાન બે વખત નહાવું( રમીને આવ્યા બાદ અને બહારથી આવીને ખાસ!)
- # રમવાના સમય દરમ્યાન પાણીની બોટલ સાથે રાખવી. દર થોડા થોડા વખતે પાણી પીવું. ( લીંબુપાણી ભરીને આપી શકાય)
- # જમવા પહેલાં સલાડ અથવા સૂપ લેવાં.
- # શક્ય એટલો ઘરનો બનેલો ખોરાક ખાવાનું પસંદ કરો.
- # કોઈની સાથે પીવાના પ્રવાહીની બોટલ અથવા ખાધેલી ચમચી શેર ન કરો.
- # વાસી ખોરાક અને પેકેટના નાસ્તા ટાળવા. મોટી માત્રામાં પ્રિઝર્વેટિવ્ઝ આંતરડાંને નુકસાન કરી રોગપ્રતિકારક શક્તિ ઓછી કરે.
- # વધુ પડતાં તળેલા નાસ્તા , ચીઝ- બટર ધરાવતા જંક ફૂડ, મેંદાની વાનગીઓ શરીરનું વજન વધારે અને વધુ પડતાં સ્થૂળ બાળકોની ઈમ્યુનીટી સામાન્ય બાળકો કરતાં ઓછી હોય છે. આથી આવા ખોરાકનું સેવન શક્ય એટલું ઓછું કરો.
- # રાત્રે ઓછામાં ઓછી ૮ કલાકની ઊંઘ મળે તે ધ્યાન રાખો.
- # આ ઉપરાંત ભીડ-ભાડવાળી જગ્યાઓ પર જવાનું ટાળો, બને ત્યાં સુધી ઘરની બહાર નીકળતા માસ્ક પહેરી જ રાખવાનો આગ્રહ રાખો. સોશ્યલ ડિસ્ટનસિંગના નિયમોનું પાલન કરો.
- # શેક હેન્ડ્ઝને બદલે નમસ્તેથી કામ ચલાવો.
- # પોતાની પાસે રૂમાલ ચોક્કસ રાખો. નાક, પસીનો, મોઢું સાફ કરવા રૂમાલનો ઉપયોગ કરવાની આદત પાડો અને ખાંસી તથા છીંક આવે ત્યારે અચૂક નાક મોઢાને રૂમાલ વડે ઢાંકવાની આદત બાળકોમાં કેળવો.
- આમ, કેટલીક આદતો, આહાર અને જીવનશૈલીના ફેરફાર બાળકોને સ્વસ્થ બાળપણ આપી શકે અને વાઇરસ સામે લડવા માટે સક્ષમ બનાવી શકે.