સુરત: કોરોના (corona) હવે ફરી દહેશત ફેલાવી રહ્યો છે. તાજેતરમાં સરકારી મેળાવડા અને સોશિયલ ડિસ્ટન્સનો (Social distance) સરેઆમ ભીડ થતાં સુરત અને તાપી જિલ્લામાં કોરોનાએ સ્પીડ પકડી લીધી છે. ત્યારે તાપી જિલ્લામાં ગુરુવારે જ એકસાથે 16 કેસ નોંધાયા હતા. એ સાથે હાલ કોરોનાના ૨૭ કેસ એક્ટિવ (Active case of corona ) છે. જેમાં કાટીસકૂવાની આધેડ વયની મહિલાનું મોત નીપજ્યું હતું. આ સ્થિતિમાં શાળાઓમાં વિદ્યાર્થીઓમાં કોરોનાનું સંક્રમણ વધતાં ઘણી જગ્યાએ શાળાઓ પણ બંધ કરવામાં આવી રહી છે. ત્યારે મહુવાના તરસાડી ખાતે આવેલી ઉકા તરસાડિયા યુનિવર્સિટીના માલીબા કોલેજમાં અધધ ૫૭ પોઝિટિવ કેસ બહાર આવતાં દહેશતનો માહોલ સર્જાયો છે.
મહુવાની માલીબા કોલેજમાં ૫૭ પોઝિટિવના કેસ બહાર આવતાં દહેશતનો માહોલ
આરોગ્ય વિભાગે ઘટનાની ગંભીરતા સમજી યુદ્ધના ધોરણે હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓના રાત્રિ દરમિયાન જ કોરોના ટેસ્ટિંગની કામગીરી આદરી હતી. રાત્રે ૯ વાગ્યા બાદ શરૂ થયેલી ટેસ્ટિંગની કામગીરી ૨ વાગ્યાની આસપાસ પૂર્ણ થઈ હતી. મોડી રાત્રે જ આરોગ્ય વિભાગ દ્વારા ૪૮૮ વિદ્યાર્થીનાં ટેસ્ટિંગ કરાયાં હતાં. કોલેજમાં ૫૭ વિદ્યાર્થીને કોરોનાનો ચેપ લાગતાં હોસ્ટેલના તમામ વિદ્યાર્થીઓને ઘરે મોકલી દેવાયા હતા. સાથે ઓફલાઈન વર્ગ બંધ કરી ઓનલાઈન વર્ગ શરૂ કરી દેવાની નોબત આવી હતી.
જિલ્લામાં કોરોનાના એક્ટિવ કેસ 223ને પાર
સુરત જિલ્લામાં કોરોનાના કેસ ખૂબ જ ઝડપથી વધી રહ્યાં છે. જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાના વિતેલા 24 કલાકમા 88 કેસ નોંધાયા છે. સુરત જિલ્લામાં તાલુકાવાર જોઇએ તો ચોર્યાસી તાલુકામાં 17, ઓલપાડમાં 10, કામરેજમાં 9, પલસાણામાં 7, બારડોલીમાં 24 તેમજ મહુવામાં 6, માંડવીમાં 12 અને માંગરોળમાં 3 કેસ કોરોના પોઝિટિવ આવ્યા છે. સુરત જિલ્લામાં આ સાથે કુલ કોરોના કેસની સંખ્યા 32,462 થઇ છે. જિલ્લામાં કુલ મરણની સંખ્યા 488 તેમજ કુલ ડિસ્ચાર્જ પેશન્ટની સંખ્યા 31,751 થઇ છે. જિલ્લામાં કોરોનાના કુલ એક્ટિવ કેસની સંખ્યા 223 થઇ છે.