સુરત: (Surat) ગુરુવારે મળસ્કે 4 વાગ્યે સચીન જીઆઈડીસીમાં (Sachin GIDC) ઝેરી કેમિકલનો (Toxic chemical) ગેસ પ્રસરતા 6 કમભાગી મજૂર-કારીગરોના મોત (Death) થયા છે અને 23 ગંભીર હાલતમાં નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યાં છે. આ કોઈ આકસ્મિક ઘટના નથી પરંતુ વર્ષોથી ચાલતો ભ્રષ્ટ્રાચાર તેના માટે જવાબદાર છે એવો આક્ષેપ સચીન ઈન્ડસ્ટ્રીયલ કો.ઓ.સોસાયટીના માજી સેક્રેટરી મયૂર ગોળવાલાએ કર્યો છે.
ગોળવાલાએ કહ્યું કે, રોજ રાતના અંધારામાં અહીં ઝેરી કેમિકલના ટેન્કરો ઠલવાય છે. ટેન્કર દીઠ લાખોનો ભ્રષ્ટ્રાચાર થાય છે. એક ટેન્કરનો ભાવ 1 લાખથી માંડી 25 લાખ સુધીનો હોય છે. આ બેનંબરના નાણાં નીચેથી ઉપર સુધી વહેંચાય છે. કૌભાંડીઓના ગજવા ગરમ થતાં હોય તેઓ આંખ આડા કાન કરી ગરીબ કારીગરોના જીવ જોખમમાં મૂકી રહ્યાં છે. આ અંગે અનેકોવાર ફરિયાદ કરવા છતાં કોઈ સાંભળતું નથી.
અઢી કરોડના ખર્ચે જીઆઈડીસીમાં સીસીટીવી કેમેરા મૂક્યા તે શોભાના ગાંઠિયા બની ગયા છે
મયૂર ગોળવાલાએ વધુમાં કહ્યું કે, 3 વર્ષ પહેલાં સમગ્ર જીઆઈડીસીમાં સીસીટીવી કેમેરા (CCTV cameras) મૂકવામાં આવ્યા હતા. તેની પાછળ રૂપિયા અઢી કરોડનો ખર્ચ કરાયો હતો, પરંતુ છેલ્લાં બે વર્ષ કરતા વધુ સમયથી કેમેરા બંધ હાલતમાં પડ્યા છે. તે શોભાના ગાંઠિયા સમાન બની ગયા છે. કરોડો રૂપિયાનો ખર્ચ કર્યા બાદ પણ સચીન જીઆઈડીસીમાં કોઈ જ સુરક્ષા નથી. લાખો કારીગરો અને ઉદ્યોગકારો ભગવાન ભરોસે છે. સીસીટીવી કેમેરા ચાલું હોય તો કયું ટેન્કર આવ્યું અને કયાં ગયું તે બધું જ જાણી શકાય તેમ છે. તો પછી કોના ઈશારે આ કેમેરા ચાલુ કરવામાં આવી રહ્યાં નથી? તે પ્રશ્ન પૂછાવો જોઈએ.
જીપીસીબીના અધિકારીઓ પણ ફરિયાદ સાંભળતા નથી
મયૂર ગોળવાલાએ ગુજરાત પ્રદૂષણ કંટ્રોલ બોર્ડના અધિકારીઓ પર પણ સનસનીખેજ આક્ષેપ કર્યા હતા. તેમણે કહ્યું કે, મેં ખુદ કેટલીય વાર ફરિયાદ કરી છે પરંતુ તેઓ સાંભળતા જ નથી. સચીન જીઆઈડીસીના કારભારીઓ પણ પગલાં લેતા નથી. આજે ઝેરી કેમિકલના લીધે 6 કમભાગી કારીગરો મરી ગયા તેના માટે કોણ જવાબદાર? કસૂરવારો સામે કાર્યવાહી થવી જોઈએ.
શું છે સમગ્ર મામલો?
આજે ગુરુવારે સવારે 4 કલાકે રાજકમલ ચોકડી પર એક ટેન્કરમાંથી ઝેરી કેમિકલ ઠલવાતું હતું ત્યારે ગેસ લીકેજના લીધે નજીકમાં રહેતા કારીગર અને મજૂરો ગૂંગળાઈ ગયા હતા. આ ઘટનામાં 6 કારીગરોનું મૃત્યુ થયું હતું, જ્યારે 23 જણાને નવી સિવિલમાં સારવાર આપવામાં આવી રહી છે. સચીન જીઆઈડીસીની ઉન ખાડીમાં અંકલેશ્વરની એક કંપનીનું ઝેરી કેમિકલ વેસ્ટ ઠાલવવા લવાયું હતું. ક્રાઈમ બ્રાન્ચે ટેન્કરના માલિકની વડોદરાથી અટકાયત કરી છે.