પલસાણા: (Palsana) પલસાણાના કડોદરા અકળામુખી હનુમાન મંદિરની (Temple) પાસેથી પસાર થતા જોળવા ગામે જતા રોડ પર એક યુવક ગતરોજ મોડી સાંજના સુમારે પસાર થઇ રહ્યો હતો. ત્યારે ૩ અજાણ્યા ઇસમે તેને રોકીને ચપ્પુ બતાવી ૪૦૦ રૂપિયા આંચકી લીધા બાદ મોબાઇલ છીનવી લેવાની કોશિશ કરતાં યુવકે તેનો પ્રતિકાર કરતાં તેની ઉપર ચપ્પુ વડે જીવલેણ હુમલો કરી લુંટારુઓ (Robber) ફરાર થઇ ગયા હતા.
- લુંટારુઓએ રૂપિયા-મોબાઇલ છીનવી યુવકને ચપ્પુ હુલાવી ઘસડીને મંદિર પાસે ફેંક્યો
- કડોદરા હનુમાન મંદિર નજીક દર્શન કરી ઘરે જતા યુવકને ત્રણ લુંટારુએ નિશાન બનાવ્યો, પરંતુ યુવકે મક્કમતાથી પ્રતિકાર કર્યો
પ્રાપ્ત માહિતી અનુસાર પલસાણાના કડોદરા નગર સ્થિત અકળામુખી હનુમાન મંદિરની સામેથી જોળવા તરફ જતા રસ્તા પરથી ગતરોજ મોડી સાંજના સુમારે આદિત્યકુમાર કમલેશ પાંડે (ઉં.વ.૨૦) (મૂળ રહે., યુપી) મંદિરે દર્શન કરી તેમના ઘર તરફ જઇ રહ્યા હતા. ત્યારે અચાનક પાછળથી ત્રણ ઇસમોએ આવી અદિત્યને ચપ્પુ બતાવી ગાળો આપી જાનથી મારી નાંખવાની ધમકી હિન્દી ભાષામાં આપી આદિત્યના ખીસ્સામાંથી ૪૦૦ રૂપિયા લૂંટી લીધા હતા.
બાદમાં તેનો મોબાઇલ છીનવી લેવાની કોશિશ કરતાં આદિત્યએ તેનો પ્રતિકાર કરતાં એક ઇસમે તેની છાતી અને પેટના ભાગે તથા પગ પર ચપ્પુ વડે હુમલો કરી રોડ પરથી ઘસડીને અકળામુખી હનુમાન મંદિર નજીક લાવી નાસી છૂટ્યા હતા. ત્યારબાદ લોકોનું ટોળું ભેગું થઇ જતાં તેઓએ આદિત્યને ૧૦૮ મારફતે સંજીવની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો હતો. ત્યારે સાંજના સુમારે કડોદરા-જોળવા ગામને જોડતા રોડ પર બનેલી ઘટનાને લઇ લોકોમાં પણ ભયનો માહોલ છવાઇ ગયો હતો. જેને લઇ કડોદરા પોલીસે ત્રણ અજાણ્યા ઇસમો વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પલસાણા ઇકો પાર્કમાં આવેલી બે કંપનીમાંથી યુરિયા ખાતર ઝડપાયું
પલસાણા: પલસાણા તાલુકા ખેતી અધિકારી તેમજ તેમની ટીમે ગતરોજ પલસાણાના બલેશ્વર ગામની સીમમાં આવેલા ગુજરાત ઇકો ટેક્સટાઇલ્સ પાર્કમાં આવેલી બે કંપનીઓમાં જઇ તપાસ કરતાં ખેતીમાં વપરાસમાં આવતા યુરિયા ખાતરની ૫૪ બેગનો ગેરકાયદે જથ્થો ઝડપી પાડી બંને કંપનીના સંચાલકો સામે પલસાણા પોલીસમથકે ફરિયાદ નોંધાવી હતી.
એક બાજુ ગુજરાતમાં યુરિયા ખાતરની સતત અછત વર્તાઇ રહી છે. જેને લઇ ખેડૂતો પણ ભારે પરેશાનીનો સામનો કરી રહ્યા છે. ત્યારે કેટલાક મિલમાલિકો પોતાના અંગત સ્વાર્થ માટે યુરિયા ખાતરનો ઉપયોગ કરી ખેડૂતોના હકનું ખાતર છીનવી રહ્યા છે. ત્યારે પલસાણા તાલુકાના ખેતી અધિકારી સંજય કાંતિલાલ સોલંકી તેમજ તેમની ટીમે ગતરોજ પલસાણાના બલેશ્વરની સીમમાં નેશનલ હાઇવે નં.૪૮ ઉપર આવેલા ગુજરાત ઇકો ટેક્સટાઇલ્સ પાર્કમાં આવેલી જે.બી.સિન્ટેક્સ પ્રાઇવેટ લિમિટેડ તેમજ ક્યુબેટિક્સ પ્રોસેસર્સ પ્રાઇવેટ લિમિટેડમાં જઇ તપાસ કરતાં તેમને ૫૪ બેગ યુરિયા ખાતરની મળી આવી હતી. જેની કિંમત ૧૪૩૯૧ રૂપિયા કબજે કરી મેનેજર શૈલેશ કાનજી વણકર તેમજ મિલ સંચાલકો સામે પલસાણા પોલીસમથકે ફરિયાદ નોંધાવી હતી.