Charchapatra

પાપ પોકારે છાપરે ચઢીને

પોતાના દેશની આર્થિક કરોડરજજુ તોડી નાંખવાનું દેશદ્રોહી કૃત્ય મહાપાપ ગણાય. કેટલાક સાધન સંપન્ન લોકો ભ્રષ્ટાચાર આચરે છે, કાળાં કામો કરે છે, અનૈતિકતાને પોષે છે. તેમની તુલનામાં જાણે મહા ઉસ્તાદ કહેવાય તેવા શરીફ બદમાશો, વતનનું લોહી પીને અબજો નહીં, પણ ખરવો રૂપિયાને વિદેશમાં તેમના દ્વારા જ રચાયેલાં ટ્રસ્ટો અને મોટી બેન્કોમાં ઠાલવે છે. અનેક મોટી બેન્કો, અધિકારીઓ અને રાજકારણીઓના મેળાપીપણાથી ગોરખ ધંધા ખાનગીમાં ચાલે છે. કુશળ વકીલો, નિષ્ણાંત ચાર્ટર્ડ એકાઉન્ટ્‌સ પણ કરોડો રૂપિયા વસુલીને તેમાં સંડોવાય છે.  રાષ્ટ્રીય ખિતાબ અને સન્માન પામેલા રમતવીર પણ આવી રમત રમે છે. છટકબારીના આ જાણકારો તેમના પરિવારજનોના નામથી વિદેશમાં ધૂમ ફાયદો કરતાં કાયદો વિવશ બને છે. દેશમાં દેવાળિયાના ઢોંગ સાથે વિદેશમાં માલેતુજાર બને છે. દેશના ખિતાબ – સન્માન પ્રાપ્ત મહાનુભાવો બહુમાન – પ્રતિષ્ઠાના પરદા પાછળ રાષ્ટ્રદ્રોહ ચાલુ રાખે છે. કરમુકત નાના દેશો તેમને માટે ટેક્ષહેવન હોઇ ત્યાં તેમનું કામકાજ બેફામ ચાલે છે.

ટ્રસ્ટમાં નાણાં રોકાણથી કરમોંકાણ ટળે છે. વિદેશમાંનાં ટ્રસ્ટોને ભારતના કાયદાઓ લાગુ પડતા નથી. વળી વિદેશન ટ્રસ્ટોમાં કરવાથી ભારતના લોકોને તેની જાણ થતી નથી. વિદેશમાં સંપત્તિ હોય તો તે તેના પર સંપત્તિવેરો ભરવો પડતો નથી. નોન રેસીડેન્સિયલ ઇન્ડિયન  એન.આર.આઇ. બની જતાં િવદેશી ટ્રસ્ટમાં ચાર ગલી રકમ મોકલી શકે છે. આવા ધનકુબેરોનું કાળું નાણું બહાર પાડી શકાયું નથી. નોટબંધી પણ નિષ્ફળ ગઇ છે. આવી પ્રપંચલીલા ખુલ્લી પાડવા માટે અન્વેષણાત્મક પત્રકારત્વ હિંમતભેર કાર્યરત છે. તેમનાં સંશોધનોએ દેશ િવદેશની ચોંકાવનારી માહિતીઓ બહાર પાડી છે. પનામા પેપર્સ, પેરેડાઇઝ પેપર્સ, અને હવે પેન્ડોરા પેપર્સ જાહેર થયાં છે. સેંકડો ભારતીય ધનકુબેરોની અનેક કંપનીઓ અને ખરવો રૂપિયાની તરકીબો ઉઘાડી પડી છે.  ગાંધીના સમયે અનેકો અંત્યોદય, દેશપ્રેમ, સત્યધર્મ ખાતર કુરબાન થઇ જવા તત્પર રહેતા આજે સૌ ધનકુબેરો આવી ભાવનાવાળા થઇ જાય તો ભારત દુનિયામાં પ્રથમ ક્રમનું સમૃધ્ધ રાષ્ટ્ર અને મહાસત્તા બની જાય.
સુરત       – યૂસુફ એમ. ગુજરાતી આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top