સુરત: (Surat) કતારગામમાં મોબાઇલ લૂંટવા (Mobile Loot) માટે જે ચપ્પુથી હુમલો થયો હતો તે ચપ્પુને તાપી નદીમાં ફેંકી દેનારી મહિલાની ધરપકડ કરવામાં આવી હતી. મોબાઇલ લૂંટ કરનાર યુવકની માતાએ ચપ્પુને (Knife) તાપી નદીમાં ફેંકીને પુરાવાનો નાશ કર્યો હતો. જેને લઇ પોલીસે વધારાની કલમ ઉમેર્યાની સાથે જ તેની ધરપકડ પણ કરી હતી.
- અવધેશે મોબાઇલ પકડી રાખતાં ત્રણેયે ચપ્પુના 16 જેટલા ઘા મારીને હત્યાનો પ્રયાસ કર્યો હતો અને મોબાઇલ લૂંટી ફરાર થયા હતા
- પોલીસે પાંચ દિવસ પહેલાની લૂંટની ઘટનામાં પુરાવાનો નાશ કરનાર લુંટારા પુત્રની માતાની પણ ધરપકડ કરી
પ્રાપ્ત વિગતો મુજબ વલસાડના કૈલાસનગર પાસે હરિઓમ એપાર્ટમેન્ટમાં રહેતો આનંદ અવધેશ શર્મા તેના કાકાના અવસાન બાદ ધાર્મિક વિધિ માટે સુરત આવ્યો હતો. અહીં અશ્વિનીકુમાર પાસે અવધેશને આંતરીને મોટરસાઇકલ ઉપર આવેલા ત્રણ યુવકોએ અવધેશના હાથમાંથી મોબાઇલ ખેંચવાનો પ્રયત્ન કર્યો હતો. અવધેશે મોબાઇલ પકડી રાખતાં ત્રણેયે ચપ્પુના 16 જેટલા ઘા મારીને હત્યાનો પ્રયાસ કર્યો હતો અને મોબાઇલ લૂંટી ફરાર થયા હતા. આ કેસમાં કતારગામ પોલીસે ગુનો નોંધીને રાકેશ, દીપક તેમજ એક સગીરને પકડી પાડ્યા હતા. આ ત્રણ પૈકી રાકેશ નામના યુવકે અવધેશને વધારે પડતા ઘા માર્યા હતા. રાકેશે પોતાના ઘરેથી ચપ્પુ લઇને આવ્યો હોવાનું પણ તપાસમાં બહાર આવ્યું હતું.
બીજી તરફ કતારગામ પીઆઇ બી.ડી.ગોહિલ અને તેમના સ્ટાફે રાકેશના ઘરે જઇને ચપ્પુને કબજે કરવા માટે ગયા ત્યારે રાકેશની માતાએ આ ચપ્પુને તાપી નદીમાં ફેંકી દીધું હોવાની વિગતો બહાર આવી હતી. પોલીસે આ મામલે રાકેશની માતા નામે સંજુ ઉર્ફે સંજુક્તાબેન ઈશ્વરભાઇ પાન્ડીની મદદગારી તેમજ પુરાવાનો નાશ કરવાના ગુનામાં ધરપકડ કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, એકતરફ પરિવારનું ગુજરાન કરતો એકનો એક અવધેશ હોસ્પિટલમાં જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઇ રહ્યો છે. બીજી તરફ આ સંજુ ઉર્ફે સંજુક્તાબેન જેવી મહિલા પોતાનાં બાળકો કે જેઓ ગુનાઓ કરીને મોબાઇલ લૂંટી રહ્યા છે અને હત્યાના પ્રયાસો કરી રહ્યા છે તેને છાવરવા માટે પુરાવાનો નાશ પણ કરી રહ્યા છે. પોલીસે આ મહિલાની ધરપકડ કરીને અગાઉ તેના પુત્રને કેટલીવાર મદદ કરી છે તે સહિતની વિગતોની પૂછપરછ શરૂ કરી છે.