સુરત: (Surat) સોશિયલ મીડિયામાં (Social Media) નીક ઓડેદરા નામના યુવાન દ્વારા બાઇક પર બેસીને બંદૂક (Gun) બતાવવાનો વિડીયો વાયરલ થયા બાદ શહેર પોલીસ દોડતી થઇ ગઇ છે. શહેર પોલીસને લપડાક મારતો આ વિડીયો વાયરલ (Video Viral) થયા પછી ખુદ ગૃહમંત્રીએ સિંહ બનીને હિરોગીરી કરતા આ યુવાનો બિલાડીની જેમ પોલીસે એકબાજુએ બેઠા હોવાનો ટ્વિટર પર વિડીયો મૂક્યો હતો. હવે બાઇક (Bike) પર બેસીને બંદૂક સાથે સિગારેટ ફૂંકતો નાગાજણ ઉર્ફે નીક હરદાસભાઇ ઓડેદરા (ઉં.વ.26) (રહે.,ઘર નં.10, હરિદ્વાર એપાર્ટ. છાપરાભાઠા, અમરોલી), ભરત પ્રવીણ સંધીયા (રહે.,અંબિકાનગર સોસાયટી, બંગલા નં.590)ની ધરપકડ કરી હતી. આ બે આરોપીનો આ વિડીયો ગઇ તા.14 ડિસેમ્બરના રોજનો છે. રાત્રિના દોઢથી બે વાગ્યાના સમયે નાગાજણ તેના મિત્ર ભરતના ખભા પર રિવોલ્વર લઇને જઇ રહ્યો છે. દરમિયાન અમરોલી પોલીસ દ્વારા આ મામલે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
- સોશિયલ મીડિયા ઉપર યુવાનનો બાઇક પર બંદૂક સાથેનો વિડીયો વાયરલ
- હર્ષ સંઘવીએ કહ્યું: ‘આરોપીઓ પકડાઈ ગયા છે’
- આરોપીઓ પોલીસ આગળ બિલાડી બની જતાં લોકો પેટ પકડીને હસ્યા
- ફોટામાં જે રિવોલ્વર દેખાય છે તે પોલીસ દ્વારા લાઇટર હોવાની વાત કરવામાં આવી છે
- યુવાનોની હિરોગીરી ઊલટી પડી
ફોટામાં દેખાતી રિવોલ્વર કે લાઇટર
ફોટામાં જે રિવોલ્વર દેખાય છે તે પોલીસ દ્વારા લાઇટર હોવાની વાત કરવામાં આવી છે. આ ઉપરાંત આ યુવાનોએ એવું કહેવાય છે કે છાસવારે સોશિયલ મીડિયામાં આ પ્રકારનો વિડીયો વાયરલ કર્યા હતા. યુવાનો મૂળ છાપરાભાઠા હાઉસિંગ બોર્ડના છે. દરમિયાન ફોટામાં રિવોલ્વર કે લાઇટર છે તે પણ તપાસનો વિષય બન્યો છે.
શહેરમાં યુવાનોની છાકટાગીરી અને ત્યારબાદ તેઓની દયનીય હાલત જોઈને લોકો પેટ પકડીને હસ્યા
આ યુવાનોની હિરોગીરી એટલી ઊલટી પડી કે બાઇક પર બેસીને એક તરફ વિડીયો તો વાયરલ કર્યો, પરંતુ બીજી બાજુ પોલીસ ચોકીમાં આ લોકોને એવો મેથીપાક પાડ્યો કે બિલાડીની જેમ એક ખૂણામાં આ બે નબીરાની ઇમેજ ખુદ ગૃહમંત્રીએ ઇસ્યુ કરી હતી. સુરત શહેરમાં આ બે યુવાનની એકતરફી હિરોગીરી અને બીજી તરફ પોલીસ સ્ટેશનમાં હાથ જોડીને જે રીતે બેઠા છે તે જોઇને લોકો પેટ પકડીને હસતા જોવા મળ્યા હતા.