રાષ્ટ્ર આખાને સોગિયું બનાવતો સરમુખત્યાર..
વડીલો વાપરે છે એ શબ્દપ્રયોગ કરીએ તો ‘બહુ બારીક સમય આવી ગયો છે.’ અર્થાત ‘મુશ્કેલીઓ આવી રહી છે. સાબદા રહેજો’ ખરેખર હમણાં એક એવી ક્ટોક્ટી સર્જાઈ ગઈ છે. સારું થયું કે આ ગમખ્વાર સમાચાર વાંચવાં-જોવાં આપણા ખ્યાતનામ હાસ્યકારો વિનોદ ભટ્ટ અને તારક મહેતા અત્યારે સ-દેહે આ અવની પર હાજર નથી. એ હોત તો આપણા આ બન્ને હાસ્યકારે કાં તો આવી ક્ટોકટી ખડી કરનારા ‘પેલા’ પર આ રીતનો કાળો કેર વર્તાવનાર પર આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સંસ્થાના સથવારે કેસ ફટકારી દીધો હોત. …એમાં જો નિષ્ફળ નીવડત તો કદાચ સ્વેચ્છાએ પ્રાણ પણ ત્યાગી દેત!
આ ‘પેલો’ કોણ છે જેના પર માત્ર આપણા જ નહીં પણ જગતભરના હાસ્યલેખકો અને હાસ્યના ચાહક એવા અસંખ્ય વાચકો ઊકળી પડ્યા હોય? વેલ, એ ‘પેલો’ છે જેનાથી છેલ્લા દોઢેક દાયકાથી જગત આખું ત્રાહિમામ પોકારી ગયું છે એવો ઉત્તર કોરિયાનો સરમુખત્યાર શાસક કિમ જોંગ ઉન. આ બટકો કિમ એક શાસક કરતાં એની ભેજાગેપ રીતિ-નીતિ અને ચિત્ર-વિચિત્ર વર્તણૂકને લીધે સતત સમાચારમાં રહે છે. એ સ્વભાવે ક્રૂર તૈમુર લંગ અને ભેજાગેપ તઘલખના સરવાળા જેવો છે. પેલા બન્ને મોગલ શહેનશાહ પણ આપણને ડાહ્યા લાગે એ હદે આ કિમ જોગ ગાંડા કાઢે છે. વચ્ચે તો એ સમાચારમાંથી એવો ગાયબ થઈ ગયો કે એ ‘સ્વર્ગસ્થ’ થયો છે એવી વાત ફેલાઈ.
દુનિયા આખી રાજી થઈ ગઈ: ‘હાશ, એક ગાંડિયો ગયો!’ ત્યાં એ હમણાં પ્રગટ્યો અને પ્રગટીને એવું વિચિત્ર ફરમાન ફટકાર્યું કે બધા અવાક થઈ ગયા… પ્રગટતાની સાથે જ એણે ઉત્તર કોરિયાની પ્રજાજોગ એવો ફતવો બહાર પાડ્યો કે મારા દાદાજી કિમ ઈલ શુંગની ૧૦મી પુણ્યતિથિ નિમિત્તે આપણા દેશની પ્રજાએ એમની યાદમાં ૧૦ દિવસ સુધી એવો શોક પાળવાનો છે કે આ ૧૦ દિવસ દરમિયાન કોઈએ કોઈ પણ પ્રકારનો હાસ્ય-વિનોદ કરવો નહીં..! હસવું નહીં એટલું જ નહીં, આ ગાંડિયા શાસકે ફરમાનમાં એવું પણ ઉમેર્યું છે કે પ્રજા કોઈ પણ જાતનું શોપિંગ નહીં કરી શકે. દારૂ નહીં ખરીદી શકે- ઘર કે બહાર હોટેલ-રેસ્ટોરાંમાં શરાબ પી પણ નહીં શકે! આમ આ ભેજાગેપ સરમુખત્યાર કિમ જોંગ ઉને આખા દેશને સળંગ ૧૦ દિવસ માટે સોગિયો કરી મૂકે એવો કડક ફતવો બહાર પાડીને એના દેશમાં હાહાકાર મચાવી દીધો છે. આપણા નેતાઓ પણ કુછ કમ નહીં. આમ છતાં, ઉપરવાળાનો પાડ માનો કે આપણા નેતા ચક્રમ પર ચપટી ભભરાવે એવા કુખ્યાત કિમ જેટલા તો પાગલ નથી. …જય હો!
નામદાર, મારો બળાત્કારનો કેસ ન ચલાવો!
વિશ્વના કોઈ પણ દેશની ન્યાય વ્યવસ્થાની સરખામણીએ આપણી ન્યાયપ્રણાલી ખરેખર કાબિલ-એ-તારીફ રહી છે. રીઢામાં રીઢો અપરાધી પણ આપણા ન્યાય તોળવાની ક્રિયા-પ્રકિયાને સલામ કરે છે. હા, આવા વિરાટ -વિશાળ દેશમાં ન્યાયપ્રકિયા ધાર્યા કરતાં કેટલીક વાર અર્થહીન લંબાઈ જાય ત્યારે સહેજે અફસોસ થાય. તાજેતરમાં આવું બન્યું. મુંબઈનો એક ટેક્સી ડ્રાઈવર અમદાવાદની એક યુવતીને ભગાડીને મુંબઈ લઈ આવ્યો. બન્ને થોડો સમય સાથે રહ્યાં. પાછળથી પોલીસે યુવતીને શોધીને અમદાવાદ એને ઘર પરત કરી અને પેલા ડ્રાઈવર પર બળાત્કારનો આરોપ દાખલ થયો.
આ હતો ફલેશ બૅક. …હવે કટ ટુ પ્રેઝન્ટ :
થોડા દિવસ પહેલાં આ રેપ કેસની અમદાવાદ કોર્ટમાં ફરી સુનાવણી શરૂ થઈ ત્યારે બળાત્કારની ફરિયાદ નોંધાવનારી મહિલાએ કોર્ટને આ કેસને પડતો મૂકવા વિનંતી કરીને કેસ ફાઈલ બંધ કરવા કહ્યું. કારણ ? કારણ એ જ કે આ બળાત્કાર કેસની ‘તારીખ પે તારીખ..’ પડતી રહી. આજે પણ એનો ચુકાદો આવ્યો નથી અને ન્યાય હજુ અધ્ધર જ લટકે છે…. પેલી ફરિયાદીએ કોર્ટને કહ્યું કે, ‘‘મેં રેપની ફરિયાદ નોંધાવી ત્યારે હું ૨૦ વર્ષની હતી અને આજે ફરી હિયરિંગ ડેટ આવી છે ત્યારે મારી ઉંમર ૫૫ વર્ષની થઈ ગઈ છે અને મારાં પતિ-બાળકો સાથે હું મારા ઘરસંસારમાં વ્યસ્ત-સુખી છું માટે કેસ રદબાતલ કરશો તો પણ મને વાંધો નથી…! ફરિયાદીની આ રજૂઆત પછી કોર્ટે તાજેતરમાં એ બળાત્કાર કેસનો ચાર દાયકા જૂનો કેસ પડતો મૂક્યો છે…. ક્યારેક આવા કોર્ટકેસની સરખામણીએ પેલી એદી ગોકળગાય પણ આપણને ઝડપભેર દોડતી લાગે!
ઇશિતાનું ઇત્યાદિ … ઇત્યાદિ
આપણે કોઈના વારસ હોઈએ અથવા તો કોઈને વારસ બનાવીએ એની મજા જ કંઈક ઔર જ છે. દાખલા તરીકે, તમને જાણ થાય કે ફલાણા રાજ્યના એક સેનાપતિનો હમણાં જ એક છૂપો ખજાનો મળી આવ્યો છે એ સેનાપતિ તમારા પૂર્વજ હતા અને તમે એનાં ફ્લાણી-ઢીંકણી પેઢીએ વારસ છો તો તમે હરખના માર્યા હવામાં ઊછળો કે નહીં? તમારો વારસાગત ભાગ લેવા કોર્ટનાં દ્વાર ખખડાવો કે નહીં?
આવું જ હમણાં થયું. દિલ્હી હાઈકોર્ટ પાસે સુલતાન બેગમ નામની એક આધેડ મહિલાએ અરજી કરી કે મારા ખાવિંદ હિન્દુસ્તાનના છેલ્લા શહેનશાહ બહાદુરશાહ ઝફરના પ્રપૌત્ર હતા. બહાદુરશાહ પાસેથી લાલ કિલ્લો અંગ્રેજોની ‘ઈસ્ટ ઈન્ડિયા કંપની’એ બળજબરી પડાવી લીધો હતો અને દેશ છોડતી વખતે ભારત સરકારને સોંપી ગયા… હકીકતમાં એના પર બહાદુરશાહના વંશજનો એટલે કે અમારો હક છે તો નામદાર કોર્ટને અરજ છે કે એ રેડ ફોર્ટ-લાલ કિલ્લો હાલની સરકાર પાસેથી અમને પરત અપાવી દે. …નામદાર ન્યાયમૂર્તિએ એ અરજીનો ટૂંકમાં પણ સચોટ જવાબ આપતા કહ્યું : ‘મારું ઈતિહાસનું જ્ઞાન પાંગળું છે છતાં જ્યાં સુઘી હું જાણું છું કે લાલ કિલ્લો અંગ્રેજોએ ૧૮૫૭ના બળવા વખતે પડાવી લીધો એ પછી આપણા દેશની આઝાદીને પણ ૭૫ વર્ષ થઈ ગયાં. આમ ૧૫૦થી પણ અનેક વધુ વર્ષ વીતી ગયાં તો તમે આટલાં મોડાં મોડાં અત્યારે કેમ જાગ્યાં ?! સોરી, બેગમસાહિબા, તમે મોડાં પડ્યાં છો. દોઢ શતાબ્દીથી પણ વધુ વર્ષ પહેલાંની ફરિયાદ હવે અમે સ્વીકારી શકતા નથી!’
તમે જો કુદરતના ખરા ચાહક હો તો એનાં અનેકવિધ રૂપ – સ્વરૂપમાં સૌથી મોહક હોય છે મેઘધનુષ. કુદરતનું આવું અદભુત સર્જન તમારી નજર સામે જ સાકાર થતું નિહાળવું હોય તો તમારે જિંદગીમાં એક વાર તો પ્રશાંત મહાસાગર વચ્ચે આવેલા અમેરિકાના હવાઈ ટાપુ જવું જ રહ્યું…. અમેરિકાના હવામાનખાતાના નિરીક્ષણ અનુસાર અહીંનાં ગિરિશિખરો અને વાદળાંઓથી છવાયેલાં મેઘાચ્છાદિત માહોલને લીધે પ્રદૂષણરહિત હવાઈ ટાપુના આકાશમાં કુદરતી રીતે સર્જાતું મેઘધનુષ ખરેખર એક યાદગાર નજરાણું છે. હવાઈ જવાની તક મળે તો કુદરતની આ સપ્તરંગી ‘હોળી’ જોવાનું ચૂકતા નહીં.…