Business

સુરતના કાપડ ઉદ્યોગમાં મંદી: વેપારી, વીવર, મિલમાલિક નવરા થયાં, જાન્યુઆરીથી સ્થિતિ વધુ બગડે તેવી ચિંતા

સુરત: (Surat) કાપડ ઉદ્યોગના (Textile Industry) ૨૧ સંગઠનો સાથે કેન્દ્રના નાણાં મંત્રી (Finance Minster) નિર્મલા સિતારમને (Nirmala Sitaraman) જીએસટીના (GST) ૧૨ ટકાના સ્લેબને લઇ બેઠક યોજયા પછી વિવર્સ (Weavers) અને ટ્રેડર્સને (Traders) ૫ ટકાનો જીએસટી દર યથાવત રહેશે તેવી આશાઓ જાગી હતી પરંતુ કેન્દ્રના નાણાંમંત્રાલય દ્વારા ૧૨ ટકાની જાહેરાતવાળું નોટિફીકેશન (Notification) રદ કરવામાં નહીં આવતા કાપડના વેપારીઓ અને મિલમાલિકો (Processors) નવરાધૂપ થઇ ગયા છે.

  • ૩૧ ડિસેમ્બર ૨૦૨૧ પછી ૫ ટકાના જોબ દરનું કાપડ વેચાશે તો ૧૨ ટકાના જીએસટી દર લાગુ થશે.
  • મિલમાલિકોએ જોબવર્ક માટે આવેલું કાપડ ટ્રેડર્સને પરત મોકલી આપ્યું
  • વીવર્સ અને પ્રોસેસર્સે ઉત્પાદનમાં 70 ટકાનો કાપ મૂક્યો, ટ્રેડર્સને જૂનો સ્ટોક ક્લીયર કરવાની ચિંતા

૩૧ ડિસેમ્બર ૨૦૨૧ પછી ૫ ટકાના જોબ દરનું કાપડ વેચાશે તો ૧૨ ટકાના જીએસટી દર લાગુ થશે. તેને લઇને મિલમાલિકોએ જોબવર્ક માટે આવેલું કાપડ ટ્રેડર્સને મોકલી આપ્યું છે. ૭૦ ટકાથી વધુ ઉત્પાદન વિવર્સ અને પ્રોસેસર્સને ઘટાડવું પડયું છે. સૌથી મોટી ચિંતા કાપડના વેપારીઓને જૂનો સ્ટોક કલિયર કરવાની છે. દક્ષિણ ભારતના રાજયોમાં પોંગલની સિઝન નિષ્ફળ જતાં સાડીનો મોટો સ્ટોક વેપારીઓની દુકાનોમાં અને ગોડાઉનોમાં પડી રહ્યો છે. વિવર્સોએ પણ ૩ પાળીને બદલે કારીગરો સાચવવા ૧ પાળીમાં કામ ચાલુ રાખ્યું છે. જયારે ડાઇંગ અને પ્રિન્ટિંગ મિલો સપ્તાહમાં ૫ દિવસ મિલ ચાલુ રાખી, કારીગરોને જાળવી રહ્યાં છે.

કાપડનું ઉત્પાદન 4 કરોડ મીટરથી ઘટી 1 કરોડ મીટર થઈ ગયું

૨૦૧૬ માં જયાં સુરતમાં રોજ ૪ કરોડ મિટર કાપડનું ઉત્પાદન થતું હતું તે ૨૦૨૧ ના છેલ્લા સપ્તાહમાં ઘટીને ૧ કરોડ મીટર થઇ ગયું છે. લગ્ન સરાની સિઝન પૂરી થઇ હોવાથી ડોમેસ્ટિક માર્કેટમાં પણ કોઇ વેપાર નથી. ત્યારે ફોસ્ટા, ફોગવા, ફિઆસ્વી અને ચેમ્બર દ્વારા કાપડ પર ૧૨ નું જીએસટી દર વાળું નોટિફિકેશન રદ કરવા માંગણી કરવામાં આવી છે. બહાર ગામ પણ કાપડની ડિલીવરીને અસર થઇ છે. દિવાળી પછી લગ્નસરા અને પોંગલ તથા ક્રિસમસની સિઝનમાં જયાં સુરતની માર્કેટોમાંથી કાપડ ભરીને રોજ ૩૫૦ ટ્રકો બહારગામ જતી હતી તે સંખ્યા હવે ૧૦૦ ટ્રકની પણ રહી નથી.

માત્ર કારીગરોને સાચવવા માટે જ કારખાના અને મિલો ચાલી રહી છે

ચેમ્બરના પ્રમુખ આશિષ ગુજરાતીએ જણાવ્યું હતું કે, કારીગરો સાચવવા વિવર્સ કાપડનું ઉત્પાદન કરી રહ્યા છે. પણ માંગ ૭૦ ટકા ઘટી ગઇ છે. જે ઉત્પાદન થઇ રહ્યું છે તે નવા સ્ટોકમાં ભરાવો કરી રહ્યું છે. સરકાર ૧૨ ટકાવાળું નોટિફિકેશન ૩૧ ડિસેમ્બર પહેલાં સ્થગિત કરે અથવા રદ કરે તેવી શકયતા છે. કારણકે ૨૧ સંગઠનોએ નાણાંમંત્રીને રજૂઆત કરી ત્યારે નાના ઉદ્યોગકારોનું હિત જોવાની ખાતરી આપવામાં આવી હતી. જીએસટી કાઉન્સિલની આગામી બેઠક પર કાપડ ઉદ્યોગની નજર છે. જો તેમાં કોઇ નિર્ણય નહી લેવાશે તો મામલો લંબાશે.

Most Popular

To Top