ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાયેલી હેડ કલાર્કની પરીક્ષાના પેપર લીક થવાના મામલે સાબરકાંઠા પોલીસે વધુ ત્રણ વ્યક્તિની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી છે.હેડ કલાર્ક પરીક્ષા પેપર લીક કાંડ અંગે સાબરકાંઠા પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. છેલ્લા દસ દિવસથી પોલીસ દ્વારા ઠેરઠેર છાપા માનવામાં આવી રહ્યા છે, અને આ મામલામાં સંડોવાયેલા તમામની ધરપકડ કરવામાં આવી રહી છે.
સાબરકાંઠા એલસીબી પોલીસે ગુરૂવારે ઉંછા ગામમાંથી ત્રણ વ્યક્તિઓની ધરપકડ કરી પેપર લીકકાંડ અંગે વધુ પૂછપરછ હાથ ધરી છે. આમ આ મામલે કુલ 21 વ્યકિતની અત્યાર સુધી ધરપકડ કરવામાં આવી છે.બીજી તરફ બુધવારે પોલીસે સાણંદના સુર્યા અપસેટના માલિક મુદ્રેશ પુરોહિતની ધરપકડ કરી હતી. ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન અસિત વોરા દ્વારા આ પેપર સુર્યા ઓફસેટમાં પ્રિન્ટ કરવા માટે આપવામાં આવ્યા હતા. જેમાં પ્રિન્ટિંગ પ્રેસના માલિક મુદ્રેશ પુરોહિત અને અસિત વોરા વચ્ચે સીધા સંબંધો હોવાનું બહાર આવ્યું છે.
વધુમાં કોઈપણ પરીક્ષાનું પેપર સેટ કરતી વખતે પ્રિન્ટિંગ પ્રેસમાં ત્રણથી ચાર પેપરો પ્રિન્ટ કરાવવામાં આવતા હોય છે, તેમાંથી કોઈપણ એક પેપરને ફાઇનલ કરી પરીક્ષા માટે પસંદ કરવામાં આવતું હોય છે. આ તમામ પ્રક્રિયાઓ ચેરમેન દ્વારા કરવામાં આવતી હોય છે. હેડ કલાર્કની પરીક્ષાનું પેપર જે લીક થયું હતું. તેની પસંદગી પણ ચેરમેન દ્વારા થઇ હોવાનું બહાર આવવા પામ્યું છે. પોલીસ આ અંગે પણ તપાસ ચલાવી રહી છે.
કોંગ્રેસના યુવા અગ્રણી પાર્થિવરાજસિંહે જણાવ્યું હતું કે 2013માં રાજસ્થાનમાં પેપર લીક થયું હતું. તેમાં પણ સુર્યા ઓફસેટના માલિક મુદ્રેશ પુરોહિતની મહત્વની ભૂમિકા સામે આવી હતી. જે તે વખતે રાજસ્થાન સરકારે તેને સાક્ષી બનાવી દીધો હતો. ત્યારબાદ મુદ્રેશ પુરોહિતે ભાજપને એક લાખનું ફંડ પણ આપ્યું હતું. આમ હેડ કલાર્કની પરીક્ષાના પેપર લીક મામલે પણ મુદ્રેશ પુરોહિતને સાક્ષી બનાવી છોડી મૂકવામાં આવે તો નવાઈ નહીં.